પ્રભુ કઇ સેવા - દાન અને આરાધનાથી પ્રસન્ન થાય ?
શ્રીકૃષ્ણને રાધાજીએ પૂછ્યું : પ્રભુ, તમે કઇ સેવા આરાધનાથી પ્રસન્ન થાવ ? અને ક્યાં દાન-પુણ્યથી રાજી થાવ ? શ્રીકૃષ્ણ કહે : પ્રભુને પ્રસન્ન કરવા સર્વ દાન કરવા. જે વસ્તુ પોતાને પ્રિય હોય તે વસ્તુ પ્રભુને રાજી કરવા આપવી. શ્રદ્ધાથી ભક્તિથી ભગવાનને ઉદ્દેશીને જે દાન દેવાય છે, તેનું ફળ અક્ષય થાય છે. તે તિથિ શ્રેષ્ટ છે જેમાં ભગવાન મળે અને સંતની સેવા થાય. સંતની પૂજાથી પરમેશ્વરની પૂજા થાય છે. સંતમાં જે ઇર્ષ્યા કરે તે હલકા જન્મને પામે છે. જે નર-નારી ભક્તિથી મન, વચન, કર્મથી મારી મૂર્તિરૂપ એવા સંતનું પૂજન કરે છે, ભોજનથી તૃપ્ત કરે છે, શરીર દાબવું વગેરે સેવા દાસ્યભક્તિ કરે છે, તે મને જ પ્રસન્ન કરે છે. ફળફૂલ પુષ્પહારથી સંતનું પૂજન કરવું. માઘમાં તલ અને કાષ્ટદાન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. ફાગણમાં ચોખા, વસ્ત્ર, મૃગચર્મદાન આપવાથી રાજી થાય છે. ચૈત્રમાં જીણાવસ્ત્ર, આસન, શય્યા આપવું. વૈશાખમાં ચંદન, ઘડો, ગાય, આપવી અને કથા સાંભળવી તેથી ધનસંપત્તિ, પત્ની, દુજાણું મળે છે. શ્રીહરિ દર્શન અને કથા શ્રવણથી સર્વે તીર્થોનું ફળ મળે છે. જેઠ માંસમાં ઠંડુ જલ, છત્ર, જોડા વગેરે આપવું. અષાઢમાં પંખો, દૂધ, સાકર, વસ્ત્ર આપવા. શ્રાવણમાં સર્વદાન આપવા. ભાદરવામાં દૂધપાક, નવું અન્ન, મીઠું, ગોળ, ચોખા, ઘી મધ આપવા. આસોમાં સુવર્ણ, અશ્વ, પોઠીયો, તામ્રપત્ર, દીપ આપવા. કારતકમાં મણિ, મોતી, મિષ્ટાન્ન આપવા. માગશરમાં વાહન આપવા. પોષમાં પ્રભુને પ્રસન્ન કરવા પ્રસાદ ખટ-રસ દાનમાં આપવા.
પ્રભુને પામવા જે કૃષ્ણ મંદિર કરે છે તે અક્ષરધામમાં જાય છે અને તેના આગળના પાછળના એકસો આઠ કુળનો ઉદ્ધાર થાય છે. પિતૃઓ પણ એવી ઈચ્છા રાખે છે કે અમારા વંશમાં કોઇ ભગવાનનો ભક્ત થાય, મંદિર કરાવે, જીર્ણોદ્ધાર કરાવે, રંગ કરાવે, ધોવે, વાળે તો તેથી અમારો ઉદ્ધાર થાય.
પૂર્વે મનુરાજા થયો, તેણે કુંકુમવાપીમાં દેવાલયો કરાવ્યા અને ધનસંપત્તિ આપી, પૂજન, નૈવેદ્ય, દીપ કરી પ્રભુ પ્રસન્નતા પ્રાપ્ત કરી અને કૃષ્ણનારાયણની ભક્તિ કરી અંતે પત્ની સાથે અક્ષરધામમાં ગયો. એ રીતે જયામધ રાજા પણ પરાભક્તિ કરી પરમપદ પામ્યો. માટે હે રાધા, તું પણ મારું મંદિર કરી મારી પૂજા કરી મારા આશ્રયે રહેલા સાધુ-સાધ્વી, બ્રહ્મચારી, મારી ભક્તિ કરાવનારા, મારી કથા કરનારા વક્તા તેની અન્ન, જલ, ભોજન- પાન, વસ્ત્ર, વાહનથી સેવા પૂજા કરી મને પ્રસન્ન કર. શ્રીકૃષ્ણ પ્રભુના કહેવાથી રાધિકાએ ગોલોકમાં મહામંદિર કરાવી તેમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિ પધરાવી પ્રતિષ્ઠા કરી અને સર્વે સેવા જાતે કરવા લાગ્યા. મંદિર વાળવું લીપવું ધોવું મૂર્તિને શણગાર ધરાવવાં, ભોજન, દૂધ, સાકર ધરાવવા, ધુપ-દીપ આરતી પ્રદક્ષિણા સ્તુતિ, નમસ્કાર, કિર્તન ઉત્સવ વગેરે નવધા ભક્તિ કરતા હતા. એવી રીતે રાધાજીની ભક્તિથી રાજી થઇને કૃષ્ણ કહે : હે રાધા, જેનું હું તથા સર્વે અવતારો ધ્યાન કરીએ છીએ. તે મૂળ સ્વરૂપ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમ નારાયણની ભક્તિ તારે સદા કરવી. તે પરબ્રહ્મ નારાયણ ગુરુમાં સદા વાસ કરે છે. તે પરંપરાથી જનોમાં પ્રવર્તેલું છે. તેથી ગુરુ, સંત પુરુષની સેવા કરવાથી, માયાના દોષથી રહિત થઇને, જન્મ જન્માન્તરોના પાપો નષ્ટ થાય છે અને આત્મા નિર્મળ થવાથી ભક્તિવાળો, જ્ઞાનવાળો થવાથી પરબ્રહ્મનો કૃપાપાત્ર થાય છે અને પ્રભુ પાસે વાસ કરે છે.