રાયસોમન રાજાની વાયુમાનનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, રાયસોમન રાજાએ આવી બાલકૃષ્ણને પ્રાર્થના કરી પોતાની રાજધાની વાયુમાન નગરીમાં પધારવા કહ્યું. શ્રીહરિ વિમાનમાં બેસી તેના રાજ્યમાં પધાર્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ આસો વદ ત્રીજે વાયુમાનપુરીમાં પધાર્યા. રાજાએ વાજીંત્રોથી જયકારથી, પુષ્પહારથી સ્વાગત કર્યું. રાજારાણીએ શ્રીહરિની પૂજા આરતી કરી પછી હાથી પર બેસાડી શહેરમાં ફેરવ્યા. રાજમાર્ગમાં, દરવાજામાં, ચોકમાં, શેરીમાં, નગરના પ્રધાનો, શ્રીમંતો, નરનારીઓ પ્રભુની પૂજા કરતા હતા. પછી રાજમહેલમાં આવી ભોજન કરી રાત્રિ વિશ્રામ કર્યો. રાજકુટુંબે સેવા કરી. સર્વ અવતારોના કારણ અનાદિશ્રીકૃષ્ણનારાયણે સવારે જાગીને નિત્યકર્મ કરી દૂધપાન કરી સભા કરી ઉપદેશ આપ્યો, સર્વે પ્રવૃત્તિ કર્મનો ત્યાગ શ્રીહરિમાં કરવો. તેથી સર્વકર્મ નિર્ગુણ થઇને મોક્ષનું કારણ બને છે. જે શ્રીહરિમાં કર્મ અર્પણ નથી કરતો તેને રાગદ્વેષથી કર્મનું બંધન થાય છે. ઇન્દ્રિયોથી જે પંચવિષય ગ્રહણ થાય છે તેમાં પ્રીતિ ન કરવી. મનનો નિગ્રહ કરી પ્રીતિથી પરમાત્માની ધારણા કરવાથી, બ્રહ્મમાં સર્વ અર્પણ કરવાથી, બ્રહ્મના શાશ્વત સુખનો અનુભવ થાય છે. જીવાત્મા અજ્ઞાનથી વાસનાથી બંધાઇને માયારૂપી ખાડામાં પડે છે. નિર્વાસનિકને જ્ઞાનરૂપી પ્રકાશ ધામ આપનારું થાય છે. બ્રહ્મવ્રતથી સર્વદોષને બાળી મુક્ત બુધ્ધિવાળો પરમપદને પામે છે. મારી ભક્તિ ધર્મપરાયણ સંત, દેવાલય, ગુરુ, સાધુ, સાધ્વિ, ધાર્મિક પુરૂષ તેની પ્રદક્ષિણા કરવી. અતિથિને ભોજનાદિથી તૃપ્ત કરવા. સદા એકવાર બે વાર પ્રભુને નૈવેદ્ય કરી ભોજન કરનારો સદા ઉપવાસી કહેલો છે.
સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ ગુરુતીર્થ છે. તેથી આયુષ, યશ, સંપત્તિ અને મોક્ષને અર્થે ગુરુની સેવા કરવી. ગાય પુચ્છથી પવિત્ર છે. સાધુ સર્વાંગે પવિત્ર છે. તેથી સર્વ પ્રકારની સંત સેવા કરવી. મારી દીક્ષા, કર્મ, ભક્તિ અને જ્ઞાનયુક્ત સંત મારા તુલ્ય છે. મારી ભક્તિ કરનારા ગૃહસ્થો પણ મારા પુત્રો છે. મારા સાધુનો સ્પર્શ કરનારા, પ્રસાદી જમનારા તે પણ મોક્ષ ભાગી થાય છે. સાધુએ જે વસ્તુ, પદાર્થ, વસ્ત્ર અંગિકાર કર્યું તે સર્વ દિવ્ય થાય છે. સંત સેવા કરનારા સદા શુધ્ધ છે. જેણે સંત સેવા ગુરુસેવા કરી નથી તેણે કાંઇ કર્યું નથી. સંત સેવા કરનારો સંત થઇને પરમપદને પામે છે. એવો ભક્તિજ્ઞાનનો ઉપદેશ આપી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને સર્વને મંત્રો આપી વૈષ્ણવો બનાવ્યા. પછી સર્વ નરનારીઓએ પૂજન કરી ભેટ મુકી. પછી રાજારાણીએ શ્રીહરિની પૂજા કરી ભેટ મુકી વિદાય આપી. ત્યાં રાજા રાયપતિ રાજગીરઋષિ સાથે આવી પ્રભુને પોતાના પુરમાં પધારવા પ્રાર્થના કરી. શ્રીહરિએ કહ્યું, હું તમારે ત્યાં તેરસને દિવસે આવીશ.