આરબીજ દેશના રક્તબીજ અસુરની કથા
શ્રીરાધા કહે : તે રક્તબીજ અસુર કોણ હતો ? શ્રીકૃષ્ણ કહે : પૂર્વે પ્રલય સમયે જીવરૂપી બીજ વહાણમાં ભર્યા હતા અને ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરી જીવોનું રક્ષણ કરતા હતા. ત્યારે એક મોટો માછલો જીવોને ખાવા આવ્યો ત્યારે પ્રભુએ સુદર્શનથી તેને કાપી નાખ્યો. તેના લોહીના છાંટામાંથી રક્તબીજ થયા તે સર્વે રક્તબીજો રાક્ષસો અને દૈત્યો દશ હજાર થયા. તેનો રાજા તે રક્તબીજ મહાઅસુર થયો. તે સર્વેનો યમરાજાએ નાશ કર્યો. તે અસુર ભવિષ્યમાં ધંધુ નામે મહાઅસુર થશે, તે સ્વર્ગ, મૃત્યુ, પાતાલ, ત્રિલોકી જીતી ઇન્દ્ર થશે. તેના ભયથી દેવો સત્યલોકમાં જશે. પછી ધંધુ શુક્રાચાર્યને પૂછશે કે, સત્યલોકમાં કેમ જવાય. ત્યારે શુક્રાચાર્ય કહેશે, પૂર્વે ઇન્દ્ર સો વાજીમેઘ યજ્ઞો કરવાથી સ્વર્ગમાં ગયો માટે તું સો વાજીમેઘ યજ્ઞ કર. પછી ધંધુ શુક્રાચાર્યને બોલાવી યજ્ઞો કરશે, ત્યારે બ્રહ્મા ઇન્દ્ર વગેરે દેવો ક્ષીરસમુદ્રમાં પ્રભુ પાસે જઇ કહેશે, હે પ્રભુ આ ધંધુ અસુર યજ્ઞ કરી સત્યલોકને જીતવા ઈચ્છે છે. ત્યારે ભગવાન કહેશે તમે તમારા સ્થાનમાં જાવ. હું તે અસુરને જીતવા જાઉં છું. એમ કહીને પ્રભુ વિપ્ર વામનરૂપ ધારણ કરી યજ્ઞ પાસે જશે. ત્યાં રહેલા સર્વે પૂછશે તમે કોણ છો, તમારે શું જોઇએ, ત્યારે વામન કહેશે મારા પિતા મરણ પામ્યા. મારામોટા ભાઇએ મને કાઢી મૂક્યો. હું બ્રાહ્મણ છું. ગતિભાસ મારું નામ છે. કોઇ મને આશરો આપે, ત્યાં મારે રહેવું છે એમ માની ફરું છું. ત્યાં અહીં યજ્ઞ થાય છે એવું સાંભળીને આવ્યો છું. તમારામાં કોઇ ઇન્દ્ર જેવો હોય તો મારી ઉપર દયા કરી મને આશ્રય આપો.
વામનનું વાક્ય સાંભળી વિપ્રો ધુંધુ પાસે જઇ સર્વ વામનની વાત કરશે. ધુંધુ પોતાના વખાણ સાંભળી ધન, વાહન, દાસ-દાસી ભોજન, વગેરે સર્વે મોકલશે. પણ ગતિભાસ વામન કંઇ પણ ગ્રહણ નહીં કરે અને ધુંધુ પાસે માત્ર ત્રણ પગલાં પૃથ્વી માંગી વૈરાટ રૂપ ધારણ કરી એક પગલાંમાં પૃથ્વી, બીજા પગલાંમાં સ્વર્ગ લઇ, ત્રીજા પગલાંથી અસુરને પાતાલમાં લઇ જઇ સ્વર્ગનું રાજ્ય દેવોને આપી અદૃશ્ય થશે. ફરી જ્યારે શંકર અંધકાસુરને મારશે ત્યારે ભગવાન સુદર્શન ચક્રથી ધંધુનો નાશ કરશે. રાધા કહે : પ્રભુ, વિષ્ણુના ચક્રથી મરેલો માછલો તે પવિત્ર ન થયો અને તેના લોહીમાંથી રાક્ષસો કેમ થયા ? શ્રીકૃષ્ણ કહે : ચક્રથી નાશ પામેલો મત્સ્ય તે પછી તેના પાપ નાશ થવાથી ઇન્દ્ર થયો. પછી પૃથ્વીમાં સ્વર્ણાંગદ નામે રાજા વૈષ્ણવભક્ત થયો તે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહાન ભક્ત થઇને ભક્તિ કરી ભગવાનના ધામમાં ગયો. વંશનો નાશ કરનારા, બીજનો નાશ કરનારા, ઇડા માંસ ખાનારા, ગર્ભનો નાશ કરનારા, આ સર્વે રાક્ષસો કહેવાય છે.
પૂર્વે પાર્વતી દેવીએ પુત્રની ઈચ્છાથી શંકર પાસે પુત્રની માંગણી કરી ત્યારે દેવોએ વિઘ્ન કરવાથી પાર્વતીએ દેવોને શાપ આપ્યો, તમે પણ પુત્ર વિનાના થશો. તમારી પત્નીઓ પણ ગર્ભ ધારણ નહીં કરી શકે. તેથી ઋતુદાનનું પુણ્ય મહાન છે. તેથી વંશદાનનું પુણ્ય મહાન છે. નિર્વંશનો ઉદ્ધાર થતો નથી.