અલ્પકેતુ રાજાની જીવનીનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, જીનવર્ધી રાજાના આગ્રહથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભોજન કરી સર્વને પ્રસાદ આપી ત્યાંના આપ્યાયન ઋષિ સાથે અલ્પકેતુ રાજાની રાજધાની જીવનીનગરીમાં ભાદરવા વદ પાંચમે પધાર્યા. રાજા પ્રજાએ વાજીંત્રો સાથે જયઘોષથી વધાવ્યા. પછી અનેક વાહનો સાથે રાજસન્માનથી નગરમાં ફેરવ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિજયતેતરામ્ - એવા સ્વાગત વાક્યોથી શહેરની શોભા દેખાતી હતી. નરનારીઓ પુષ્પહાર, ચંદન, ચોખાથી વધાવતા હતા.
પછી શ્રીહરિએ સભામાં આવી સર્વને ઉપદેશ આપ્યો, બ્રહ્મલોકમાં જવાના મુખ્ય ચાર સાધન છે. એક કથા, યજ્ઞ તે ઋષિનો માર્ગ છે. બીજો જ્ઞાનયજ્ઞ તે વિદ્યાનો માર્ગ છે. ત્રીજો કર્મયજ્ઞ તે ગૃહસ્થોનો માર્ગ છે. ચોથો તપયજ્ઞ તે સંતનો માર્ગ છે તથા સંતોષ છે તે સ્વર્ગસમાન સુખ છે, અસંતોષીને સુખ મળતું નથી. તપ, યજ્ઞ, વિદ્યા, ભીક્ષા, શામ, દામ, ધ્યાન, એકાંત અને જ્ઞાન આવિપ્રોના ધર્મ છે, તે સર્વે પ્રભુમાં અર્પણ કરવા. સંપત્તિ મેળવવી, પ્રજાનું રક્ષણ, દાન અને દંડ તે રાજાના ધર્મ છે તે શ્રીહરિમાં અર્પણ કરવા. વ્યાપાર, ખેતી, દાન, પાલન તે વૈશ્યનો ધર્મ છે, તે મારામાં અર્પણ કરવા. સેવાસહન, આજ્ઞાપાલન, શેષભોજન ગ્રહણ તે શુદ્ર ધર્મ છે. તે પણ મારામાં અર્પણ કરવા. પતિની સેવા, વૃદ્ધ, વડીલો, માતાપિતા ગુરુની સેવા, ઘરના સંસ્કાર, બાળકોનું રક્ષણ તે સ્ત્રીઓના ધર્મ છે, તે સર્વ ધર્મો મારામાં અર્પણ કરવાથી સર્વેને મોક્ષ કરનારો હું છું. પછી શ્રીહરિએ લોમશ ઋષિ પાસે સર્વને મંત્ર અપાવ્યા. પછી શ્રીહરિ ભોજન કરી વિશ્રામ કરી બીજે દિવસે રાજારાણીએ પ્રભુની પૂજા આરતી કરી સાત કન્યા અર્પણ કરી.