દેવાણી ભક્ત - બ્રહ્મસ્તંભ ઋષિ - અમરી કન્યા અને કુપ્યવાલની કથા
લોમશ ઋષિ કહે : હે અશ્વપાટલ રાજા, પૂર્વે ઉજળા ગામના દેવાણી ખેડુ વાડીમાં જ રહેતા અને ખેતી કરતા. ફળફુલ, શાકભાજી ભગવાનને અર્પણ કરી શ્રીહરિનું ભજન કરતા. એકવાર ચોમાસામાં રાત્રિ-દિવસ અતિવૃષ્ટિ થવાથી ચારેકોર પાણી ભરાઇ ગયું. દેવાણી ભક્ત એક વૃક્ષ પર ચડી ગયા. વૃક્ષો પડી ગયા. પાણીમાં વૃક્ષો તણાવા લાગ્યા. પણ તે ભક્ત શ્રીહરિનું સ્મરણ ભજન કરતા એક વૃક્ષ પર બેસી રહ્યા. વૃક્ષ તણાતું અશ્વપટ સરોવરમાં આવ્યું. ભક્ત સ્તુતિ કરવા લાગ્યા, હે પ્રભુ તમે સર્વની રક્ષા કરો છો. કમળને જળ ઉપર રાખો છો. હે પ્રભુ મારું રક્ષણ કરો. ત્યાં બાલકૃષ્ણ ચતુર્ભૂજ સ્વરૂપે આવી દેવાણી ભક્તને પાણીમાંથી બહાર કાઢી, વસ્ત્રો અને ભોજન આપ્યા. અને તેને ઘેર પહોંચાડ્યા. પછી તે ભક્તે અશ્વપટ સરોવરકાંઠે મંદિર કરી વિષ્ણુની પ્રતિષ્ઠા કરી ત્યાં વિષ્ણુતીર્થ થયેલું છે.
ભદ્રાયનપુરમાં બ્રહ્મસ્તંભ ઋષિ વાસ કરતા. તે આત્મનિષ્ટ અને પુરૂષોત્તમમાં ધ્યાન પરાયણ રહેતાં. તે સર્વ સિધ્ધિવાળા હતા. તેમણે એક વર્ષ સુધી તપ કરી અશ્વપટ સરોવર આવી સ્નાન કરી આંબાના વૃક્ષ નીચે ધ્યાન કરવા બેઠા. ત્યાં પ્રત્યક્ષ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ દર્શન દીધા. ઋષિ ત્યાં પર્ણકુટી બાંધીને રહ્યા. ત્યાં પુરૂષોત્તમતીર્થ અને બ્રહ્મસ્તંભતીર્થ થયેલા છે. ત્યાં સ્નાન, દાન કરવાથી જપ, પૂજા કરવાથી જીવાત્મા ભુક્તિ અને મુક્તિ પામે છે. પૂર્વે દેવમૂળભક્તની કન્યા અમરી તેણે પ્રભુ પ્રાપ્તિ માટે અશ્વપટસરોવર કાંઠે દુષ્કર તપ કરી શ્રીહરિનો જપ કરતા કરતા અન્નજળનો ત્યાગ કર્યો. તેના તપથી પ્રસન્ન થયેલા મહાવિષ્ણુએ ત્યાં આવી દર્શન આપ્યા અને કહ્યું, શું ઈચ્છા છે ? અમરી કહે, હે પ્રભુ તમે મારા પતિ થાવ. મહાવિષ્ણુ કહે, અત્યારે હું અહિ અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન પાસે રહું છું. તું તેનું ભજન પૂજન કર એટલે હું તારો પતિ થઇશ. ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ અને લોમશ ઋષિ આવી તે અમરી કન્યાના મહાવિષ્ણુ સાથે લગ્ન કરાવ્યા. ત્યાં મહાવિષ્ણુ તીર્થ થયેલું છે.
કુપ્યવાલ નામે કઠીયારો હરિકૃષ્ણનું ભજન કરી સાધુ સંતની સેવા કરતો ત્યાં વનમાં એકવાર ભગવાન સનત્કુમાર આવ્યા અને એક હાથી કઠીયારાને મારવા દોડતો જોઇને કહ્યું, તું કઠીયારાને શું કામ મારે છે ? હાથી કહે, પૂર્વ જન્મમાં હું કચ્છ દેશનો રાજા હતો. આ કઠીયારો મારો પુરોહિત હતો. મારુ શાસન તેને નહીં સહવાથી, મને શાપ આપ્યો તું વનમાં હાથી થા. મેં તેને શાપ આપ્યો, તું વનમાં કઠીયારો થા. માટે આજ એને મારીને વેર વાળવું છે. સનત્કુમાર ભગવાન કહે, વેર વાળવાથી, મનુષ્ય હત્યા કરવાથી, તને ફળ શું થવાનું છે. હું ભગવાન તારી પાસે આવ્યો છું. તો મંત્ર ગ્રહણ કરી દેહત્યાગ કરી, પરમપદ પ્રાપ્ત કર. હાથી કહે, પ્રભુ જો તમે મારું કલ્યાણ કરતા હો તો મારો સંસારથી ઉધ્ધાર કરો. પછી સનત્કુમાર ભગવાને વૃક્ષને હાથીને કઠીયારાને મંત્ર આપી તેના કલ્યાણ કર્યાં. કઠીયારાએ અશ્વપટ સરોવરકાંઠે પર્ણ કુટી બનાવીને સનત્કુમાર ભગવાનની સ્થાપના કરી ત્યાં સનત્કુમારતીર્થ, હસ્તિતીર્થ, કાષ્ટહારતીર્થ થયેલા છે. ત્યાં સ્નાન દાન કરવાથી જીવાત્માઓનો મોક્ષ થાય છે.