શ્રીબાલકૃષ્ણ પ્રભુએ દમનક અસુરનો ઉદ્ધાર કર્યો
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના આઠમાં મહિનાની ઐશ્વર્યવાળી કથા કહું છું સાંભળ. સૌરાષ્ટ્રમાં દક્ષિણમાં વાઘનું વન છે તથા સિંહનું જંગલ છે. પશ્ચિમ અરબસ્તાનથી આવેલો અસુર દમનક નામે રાજા પશ્ચિમ સમુદ્ર કાંઠે રાજ્ય કરતો હતો. તે અધર્મી હોવાથી ધર્મપુણ્ય, સ્વર્ગને માનતો નહીં. તેમજ બળથી રાજ્યસુખ સ્વર્ગ ભોગવાય છે. અગ્નિમાં ઘી હોમવાથી જપ કરવાથી કાંઇ મળતું નથી. સ્તુતિથી સમૃદ્ધિ નથી મળતી, યુદ્ધથી મળે છે. દેવ, સાધુ, બ્રાહ્મણ પૂજન સર્વ ખોટું છે. શાસ્ત્ર કથા કરનારા ખોટા છે. સર્વબળથી પ્રાપ્ત થાય છે તેવું રાજા માનતો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચાર સિદ્ધિઓ પણ બળથી જ પ્રાપ્ત થાય છે. આવું માનતો. તે રાજાએ વિચાર કર્યો, અત્યારે કુંકાવાવમાં સંપત્તિવાળા ગોપાલકૃષ્ણ છે અને તેનો પુત્ર બાલકૃષ્ણ છે. તેણે કેટલાય દૈત્યો-અસુરોને મારી, રૂપાળી કન્યાઓ લોમશ આશ્રમમાં રાખી છે. માટે ગોપાલકૃષ્ણને, બાલકૃષ્ણને, લોમશ ઋષિને મારી સર્વે સંપત્તિ અને કન્યાઓને ઉપાડી આવીએ. એવો દુષ્ટ સંકલ્પ કરી ભંડ, ષંડ, પ્રચંડ, હર્જાડ, ગર્જાંડ વગેરે અનેક દૈત્યોને લઇને યુદ્ધ કરવા તૈયારી કરવા લાગ્યો.
ત્યારે કુસ્માંડે દમનક રાજાને કહ્યું, મેં પૂર્વે શંકર પાસે સાંભળ્યું છે કે તે બાલકૃષ્ણ પરમેશ્વર છે. સર્વ ઇશ્વરોના ઇશ્વર છે. સર્વ દૈત્યોના નાશ કરનારા છે. તે કન્યા શ્રીકૃષ્ણનારાયણનું ધન છે. જે લાંબું જીવવા ઈચ્છતો હોય તેણે પરદ્રવ્યની ઈચ્છા ન કરવી. શાશ્વત સુખની ઈચ્છા હોય તેણે લોભ ન કરવો. સ્ત્રી, દ્રવ્ય, અને પૃથ્વી જો પુણ્યથી પ્રાપ્ત થયા હોય તો તેનું રક્ષણ કરવું. તમારી પાસે રાણીઓ, દાસ-દાસીઓ સંપત્તિ સર્વ છે. તો વધારે તૃષ્ણા ન કરો. સંતોષમાં સર્વ સુખ રહેલું છે. ત્યાં બીજો દૈત્ય કહે : શૂરવીરનું મરણ યુદ્ધમાં, સ્ત્રી અને ધનને માટે જ થાય છે. જય થાય તો સર્વ મળે. પરાજય થાય તો વિનાશ થાય. રણમાં મરણ થાય તો સ્વર્ગ મળે. ત્યાં ત્રીજો દૈત્ય કહે : તેત્રિશ કરોડ દેવો શ્રીહરિનું પૂજન કરે છે. માટે તેને કોઇ નહી પહોંચી શકે. છતાં તે સર્વ દૈત્યો, આયુધો લઇને તૈયાર થયા. પણ અપશુકનો થવા લાગ્યા. મુગટ, શસ્ત્રો પડી ગયા. વાહન ભાંગી ગયા, કાળો સર્પ અને ઘુવડ દેખાયા. આગળ ધોબી, પાછળ વાણંદ, એવું દેખાવા છતાં લાખો દૈત્ય સૈન્ય લઇ કુંકુમવાપી આવી. લોમશ ઋષિને કહે : તમારા આશ્રમમાં કન્યાઓ છે તે સર્વ અમને આપી દો. લોમશ ઋષિ કહે : તે કન્યા ધન તો અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ધન છે. તે મારાથી કેમ દેવાય. તમારે જોઇતું હોય તો પ્રભુ પાસે જાવ. ત્યારે દમનક દૈત્યે, સર્વે દૈત્યોએ આશ્રમને ચારેકોરથી આવરણ કર્યુ ત્યારે કન્યાઓ પ્રભુનું સ્મરણ કરવા લાગી. લોમશ ઋષિએ શ્રીહરિને સંભારીને દૈત્યો પર સ્તંભન મંત્ર ફેંક્યો. તરત જ સૈન્યના દૈત્યો જડ જેવા થઇ ગયા. હાહાકાર થયો, ભય પામ્યા, મૃત્યુના મુખમાં પડ્યા હોય એવું દેખાયું. તરત બાલકૃષ્ણ પ્રભુ આવ્યા. સર્વે કન્યાઓનું રક્ષણ કર્યું. સર્વ દૈત્યો દમનક રાજા લોમશ ઋષિને શરણે આવી કહે : હે પ્રભુ આત્મબળ પાસે, પ્રભુશરણ પાસે શરીરબળ નાશ પામે છે. હે પ્રભુ, અમે તમારે શરણે આવ્યા છીએ. અમને જીવન આપો. ત્યારે લોમશ ઋષિ સ્તંભન મંત્ર ખેંચી લીધો. છતા પણ દમનકે ફરીથી દુષ્ટ ભાવથી કન્યાઓને લઇ જવા આવ્યો. ત્યારે પ્રભુએ સુદર્શન ચક્રથી તે દમનક વગેરે લાખો દૈત્યોનો નાશ કર્યો, અને કન્યાઓનું રક્ષણ કર્યું. તેથી ત્યાં અશ્વપટ સરોવરમાં ચક્રતીર્થ થયેલું છે. આ ચમત્કારની કથા જે વાંચશે, સાંભળશે, સંભળાવશે તે સર્વેનો મોક્ષ થશે.