ભાગ · અધ્યાય ૨૫૮

આનર્ત રાજા અને કુશલા દેવીનો જ્ઞાનરૂપી સંવાદ

લોમશ ઋષિ કહે : પૂર્વે કૃષ્ણભક્ત આનર્ત સૌરાષ્ટ્રનો રાજા હતો. તેની પાસે કુશલા નામે યોગીની આવી પોતાના યોગ બળથી રાજાના શરીરમાં પ્રવેશ કરી રાજસભાવ ઉત્પન્ન કરવા લાગી. આનર્ત રાજાએ પણ નારાયણના અંશ પત્નીવૃત દ્વિજ પાસેથી સાંખ્ય-યોગનું જ્ઞાન સિધ્ધ કર્યું હોવાથી કુશલા યોગીનીને કહ્યું, મારા ચૈતન્ય આત્મામાં પરબ્રહ્મની ભક્તિ અને જ્ઞાન રહેલા હોવાથી તું મારા મનને કે શરીરને જરા પણ ચલાયમાન કરી શકે તેમ નથી. મારા ગુરુના આશીર્વાદથી મને વિવેકજ્ઞાન થવાથી મારામાં રાગનો અભાવ છે. તેથી મેં વૈરાગ્યથી મોક્ષસિધ્ધિ મેળવી છે. તેથી મારામાં અજ્ઞાનરૂપી કારણબીજ નાશ થવાથી તું આ શરીરને શસ્ત્રથી કાપે અથવા ચંદન ચર્ચે તે બંને મારે સમાન છે. માયિક પદાર્થના નાશવંતપણાથી મને કચરો અને કંચન સમાન લાગે છે. સંતપુરૂષોના સમાગમથી મને રાજ્ય કરવા છતાં નિર્લેપપણું રહે છે. કર્મનો ન્યાસ મેં પરમાત્માની ભક્તિમાં કરેલો છે. તેથી હું ગૃહસ્થ હોવા છતાં સંન્યાસીની જેમ રહી શકું છું. માટે કોઇ પર્ણકુટીમાં રહી દંડ, કમંડલુ ધારણ કરે, કોઇ મહેલમાં રહી છત્ર ચામર ધારણ કરે તે તો આશ્રમને યોગ્ય ચિહ્નો છે. પણ જ્ઞાન અને ભક્તિ વિના સંન્યાસ, ભગવા વસ્ત્ર, જટા સર્વ વ્યર્થ છે અથવા ગૃહસ્થના સુખ જોઇ તેમાં મોહ પામે તે પણ વ્યર્થ છે.

ભક્ત આર્નતરાજાની જ્ઞાનવાર્તા સાંભળી કુશલા યોગિનીએ બીજો પ્રશ્ન પૂછ્યો : તું મને સ્ત્રી રૂપે દેખે છે અને જ્ઞાન સ્થિતિની વાત કરે છે. જ્યાં સુધી મને સ્ત્રીપુરૂષમાં ચૈતન્યનો સમાન ભાવ થયો નથી, ત્યાં સુધી તને હું મુક્ત કેમ માનું ?

આર્નત રાજા કહે : હે કુશલાદેવી, જેમ વાદળા અને પાણી જુદાં જુદાં છે. લોટ અને પથ્થર જુદાં છે, એમ જેણે જાણી લીધું તેને જડ એવી માયાના ચોવીશ તત્ત્વોથી બંધાયેલા દેહમાં ક્યારે પણ પ્રીતિ થતી નથી. પણ ચેતન એવો આત્મા, શરીરમાં રહેલો હોવાથી સ્ત્રીપુરૂષનો વ્યવહાર તથા સર્વે પદાર્થ સંબંધી વ્યવહાર, રાજ્ય વ્યવહાર, કુટુંબ વ્યવહાર કરવા છતાં અસંગી રહે છે. જ્ઞાની આત્મા ગૃહસ્થાશ્રમમાં રહે કે ત્યાગ માર્ગમાં રહે બંને સમાન છે. પોતાના આત્મામાં રહેલા તથા બીજાના આત્મામાં રહેલા અંતર્યામીને પરમાત્માને જાણી લીધા તે કોઇની સાથે રાગ-દ્વેષ કરતો નથી. કોઇની સાથે મિત્રતા-શત્રુતા કરતો નથી. સદા પરોપરકારી થઇને યોગી, બ્રહ્મનિષ્ટ સંતપુરૂષો, જ્ઞાની પુરૂષોનો સંગ નિત્ય કર્યા જ કરે છે. અને પરમાત્માની ભક્તિ રસમાં તરબોળ રહે છે. તેવો જ્ઞાની ભક્તાત્મા ક્યારે પણ વૃથા વાણી વાદ-વિવાદ કરતા નથી, વૃથા પરિશ્રમ કરતા નથી. સદા આત્મતૃપ્તિના આનંદમાં જ રહે છે. એવો જ્ઞાની રાજા હોય, તેને ક્યારે પણ એમ થતું નથી, અરે મારું રાજ્ય-ધન નાશ પામ્યું, અરે મારું પશુધન નષ્ટ થયું. મારા મોલ હીમથી બળી ગયા. ખેતર પક્ષી ખાઇ ગયા. ચોર લૂંટી ગયા. વાણીથી મારું અપમાન કર્યું. શત્રુઓએ મને ગાદી પરથી ઉતારી મારી સ્વતંત્રતા લઇ લીધી. ઇત્યાદિક અનંત પ્રકારના આલોકમાં સુખ-દુ:ખ જ્ઞાની ભક્તાત્માને ક્યારે પણ સ્પર્શતા નથી. તેથી હું એ રીતે રહીને સંત સમાગમ નિત્ય કરીને પ્રભુભક્તિ કરૂં છું.

આર્નત રાજાનું વિવેકજ્ઞાન સાંભળી અને ભક્તિભાવ જોઇને પ્રસન્ન થયેલી કુશલાદેવી કહે : રાજા, હું વાદ-વિવાદ કરવા નથી આવી, હું તો તારી પ્રભુ પ્રત્યે કેટલી પૂર્ણતા છે તે જોવા આવી છું. તું સંસારમાં જેમ કમળ રહે તેમ રહે છે. પણ હું તો જ્યાં યોગીઓ પણ દર્શને આવે છે. એવા અશ્વપટ સરોવર કાંઠે કુંકુમવાપી ક્ષેત્રમાં રહું છું. જ્યાં લોમશ ઋષિ અનેક યોગીઓને પણ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પ્રત્યક્ષ જ્ઞાન આપી પ્રભુના દર્શન કરાવીને પરમધામમાં મોકલે છે. માટે હે રાજા, તું પણ તે બ્રહ્મધરામાં અશ્વપટસરોવરમાં સ્નાન કરી પ્રત્યક્ષ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરીને પરમગતિને પ્રાપ્ત કર.

આર્નત રાજા કુશલાદેવીની યોગની પરાકાષ્ટા અને પ્રત્યક્ષ ભગવાનને વિષે પરાકાષ્ટાની ભક્તિ જોઇને, તેની સાથે કુંકુમવાપીક્ષેત્ર આવી, અશ્વપટસરોવરમાં સ્નાન કર્યું. ત્યાં આર્નત તીર્થ તથા કુશલાતીર્થ થયેલું છે. લોમશ ઋષિ કહે, હે અશ્વપાટલ રાજા આ તને આર્નત અને કુશલાદેવીની બ્રહ્મકથા કહી, તે સાંભળશે તે બ્રહ્મપદને પામશે.