ભાગ · અધ્યાય ૧૦૮–૧૦૯

રશિયાન પ્રદેશમાં મીનકંગુ નદી કાંઠે મહાવૈષ્ણવ યજ્ઞ

આ અધ્યાય 108–109 સંયુક્ત છે

ત્યારે અનાદિશ્રીકૃષ્ણનારાયણે કુંકુમવાપીમાં મંકણકત્રિત શ્યામલ વગેરે ચૌદ ઋષિઓને કહ્યું, તમે વિમાનમાં બેસી કીંપુરુષખંડમાં પતકાય પર્વતમાં મરેલા તથા શરણે આવેલા દાનવોને મારો મંત્ર આપી મોક્ષ કરો અને પ્રાગ્જ્યોતિષ પુરમાં વિચરી ત્યાં મારો મંત્ર સર્વને આપી મારી ભક્તિ પ્રર્વર્તાવો. તે ઋષિઓ ક્ષણમાં જ કીંપુરુષખંડમાં પહોંચી ગયા. સૂર્યસમાન તેજસ્વી વિમાન અને ઋષિઓને જોઇને બ્રહ્માદિ દેવો, કન્યાઓ જયઘોષ કરવા લાગ્યા. ઋષિઓ પણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ જય પામો એમ કહેતા વિમાનમાંથી નીચે ઉતર્યાં. સર્વે દેવો, પિતૃઓ, કન્યાઓએ ઋષિઓનું સ્વાગત કરી પગ ધોઇ પાણી પીધું. પૂજન કર્યું. પછી ઋષિઓએ બ્રહ્મા, વિષ્ણુ, શંકરની પૂજા કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણના આશિર્વાદ કહ્યા અને સંદેશો આપ્યો કે, કીંપુરુષખંડમાં અરૂણના સેવકોને મંત્ર આપજો. પછી બ્રહ્માદિ દેવોએ ચંદ્રાવતી નદી કાંઠે યજ્ઞ કર્યો અને ઋષિએ ત્યાંની આરૂણી પ્રજાને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર કંઠી આપી હજારો વૈષ્ણવો કર્યાં. પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકરના સેવકોને, પિતૃ કન્યાને પણ મંત્ર આપી પુરુષોત્તમ નારાયણનું ભજન કરાવ્યું. પછી સર્વે સેવકોએ ઋષિઓને ભોજનદાન આપ્યા. પછી બ્રહ્માદિ દેવો, ઋષિ, મીનકંગુ નદી કાંઠે યજ્ઞની તૈયારી પચાસ યોજનમાં કરતા હતા.

બ્રહ્મા ઋષિઓને કહે : આ યજ્ઞમાં અવતારો, મુક્તો, ઇશ્વરો, સર્વે દેવો, ગાંધર્વો, વિદ્યાધરો, ઋષિ, પિતૃઓ, દેવીઓ સર્વને બોલાવ્યા. સર્વ બ્રહ્માંડોમાં વાસ કરતા સ્થાવર- જંગમ તથા સર્વ તીર્થોને બોલાવ્યા. તે યજ્ઞમાં બ્રહ્માને સ્થાને સ્વયં બ્રહ્મા-વિષ્ણુના સ્થાને વિષ્ણુ-શંકરના સ્થાને રૂદ્ર હતા. તે યજ્ઞમાં મુખ્ય દેવ અનાદિશ્રીકૃષ્ણનારાયણ હતા તે શ્રીહરિનું સ્મરણ કરવાથી તરત માતાપિતા સાથે તથા લોમશ ઋષિ અને બ્રહ્મપત્નીઓ સાથે શ્રીહરિ આવ્યા. યજમાન ગોપાલકૃષ્ણ પત્ની સાથે બેઠા. પાર્ષદોમાં હેમંત, ભગવંત, દેવપ્રકાશ હતા. મંડપમાં ભગવાન સ્વયંપ્રકાશ વિરાજતા હતા. યજ્ઞમાં લોમશ ઋષિ સર્વને શરીરશુદ્ધિ, વરણ, પુષ્યાહવાચન, અંગ, દેવસ્થાપન કરી કુંડમાં અગ્નિ સ્થાપન કરતા હતા. પ્રાગ્જ્યોતિષના માનવો, મલયના માનવો સર્વદેશના જનોના કલ્યાણ માટે આ યજ્ઞનો આરંભ કર્યો છે એમ જાહેર કર્યા પછી બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો સર્વે આવી યજ્ઞના દર્શન કરીને ભોજન પ્રસાદ લઇને સર્વે “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર ગ્રહણ કરી જપ કરતા હતા. એ રીતે કરોડોજનો વૈષ્ણવો થયા તેથી ફીલીપાના તામસી ક્ષત્રિયો જે અસુરો હતા તે શસ્ત્રો લઇને આવ્યા અને યુદ્ધના રણશિંગા ગર્જના કરવા લાગ્યા.

જલપાન દેશનો રાજા મકરકેતુ લાખોનું સૈન્ય લઇને યુદ્ધ કરવા આવ્યો તથા ફીલીપાના ફલજંગમ, વારણીયનો વાર્ઘુષકેતન, આંધમાનનો કલ્માષ, કેસરીકાલ પ્રાલેયનો રણમદાંકન, પ્રાચીનનો બોધ વિહંગન, ચીપીંગનો પીંગલક, મંગુજાનો સમરમંગલ, મંચુરાનો હારકિરીટ, લાશહાનો ક્ષણાત્મવાદન, કર્વરીનો કારૂવર્મા, ઈલાવ્રતનો માંડલાક્ષી, પનામાનો પાદસહા, પ્રાકચયનનો પ્રાચીશાયન, અંગશીક્ષાંગનો શૃંગશોક આ સર્વે રાજાઓ પોતાનું લાખોનું સૈન્ય લઇ, અસ્ત્રો-શસ્ત્રો, દારૂગોળો, તોપો, અણુશસ્ત્રો, વીજળી, અગ્નિ, શસ્ત્રો લઇને સર્વે દેવો, ઇશ્વરો, દેવીઓ, ગણો માનવો સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે સર્વે વૈષ્ણવ ભક્તો

દેવો

અનાદિશ્રીકૃષ્ણનારાયણાયના

મંત્રનું

કવચ

ધારણ

કરી “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીહરિ: શરણં મમ” આ મંત્ર બોલી, અમારા શરીરના સર્વે અવયવોમાં શ્રીહરિનો વાસ થાવ એમ કહી સર્વ દેવો માનવો પ્રભુના પાર્ષદો, અસુરો સાથે આયુધોથી યુદ્ધ કરવા લાગ્યા. મંત્રબળથી સર્વે દેવો, વૈષ્ણવો, અનાદિશ્રીકૃષ્ણનારાયણ જેવા દેખાતા હતા. સર્વે વૈષ્ણવ ભક્તોએ સુદર્શન ચક્રથી અસુરો, દૈત્યોના સૈન્યનો નાશ કર્યો. એ રીતે ચાર કરોડ દૈત્યો નાશ પામ્યા અને પચ્ચીસ લાખ જીવતા રહ્યા. તે શ્રીહરિને શરણે આવ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનની આજ્ઞાથી ઋષિઓએ તે સર્વેને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર આપી સર્વને વૈષ્ણવો કર્યાં. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વની શુદ્ધિ માટે લાશહા સરોવર કાંઠે વૈષ્ણવયજ્ઞ કર્યો.