શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ચતુર્થ જન્મજયંતિ મહોત્સવ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના ચોથા વર્ષમાં જન્મજયંતિ મહોત્સવમાં ગોપાલકૃષ્ણે સર્વેને ભોજન કરાવી દાન-દક્ષિણા આપી ત્યારે એક આશ્ચર્ય થયું. માનવ મસ્તકવાળો એક સ્વસ્તિકનાગ બાલકૃષ્ણ પ્રભુ પાસે આવી કહે : હે પ્રભુ મારું રક્ષણ કરો. અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : તારે શું દુ:ખ છે ? નાગ કહે, હે પ્રભુ પાતાલમાં અમારી સર્પોની બહુ જાતિ છે. તેમાં બ્રહ્મા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, આદિ અનેક જાતિઓ છે. તેમાં કારંડવ સર્પ રાજા તેનો મંત્રી સુમધુ છે તે અન્યાયી, અધર્મી હોવા છતાં પ્રજાનું હિત કરનારો તેથી રાજાનો માન્ય છે. રાજાએ હાટકેશ્વર શંકર ભગવાનનું શ્રાવણ માસમાં બીલ્વપત્રાદિથી પૂજન કરાવી ઉત્સવ કરાવ્યો છે. તેમાં સુમધુ મંત્રીને માન્ય હું સ્વસ્તિક શંકરના જપ કરવા બેઠો. મારા સો પુત્રો તે પણ પાઠમાં બેઠા હતા. મારી વીશ કન્યાઓ શંકરની પૂજા કરવા આવતી તે કન્યાઓને જોઇ મોહ પામેલો મંત્રી મને કહે : તારી કન્યાઓ મને પરણાવ. મેં કહ્યું, હું કન્યાઓને પૂછીને કહું.
મેં કન્યાઓને પૂછ્યું. કન્યાઓએ કહ્યું, અમે મનથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનને વરેલી છીએ. માટે કોઇની સાથે લગ્ન નહીં કરીએ. તે પ્રભુ અત્યારે પૃથ્વી પર પ્રગટ થયા છે. કંભરાલક્ષ્મી અને ગોપાલકૃષ્ણને ત્યાં પ્રગટ થયેલા તે પ્રભુને અનંત નાગકન્યાઓ વરેલી છે. પછી મેં મંત્રીને કહ્યું, કન્યાઓ તમને વરવાની ના કહે છે. મંત્રીએ કહ્યું, તારી કન્યાઓ તું મને નહીં આપે તો હું બળાત્કારથી ગ્રહણ કરીશ. મેં રાજાને આ વાત કરી. રાજાએ કહ્યું, તારી કન્યાઓ મંત્રીને આપી સુખી થા. તેથી હે પ્રભુ હું તમારે શરણે આવ્યો છું. મારું અને મારી કન્યાઓનું રક્ષણ કરો. અત્યારે તેણે મારી કન્યાઓને પકડીને કેદમાં નાખી છે. અનાદિશ્રીકૃષ્ણનારાયણે સ્વસ્તિક નાગનું વૃતાંત સાંભળી તેને અભય વચન આપી ગરૂડ અને સુદર્શન ચક્રને સંભાર્યા. તે બંને આવ્યા. પ્રભુએ તેમને પાતાલમાં જવાની આજ્ઞા આપી. ગરૂડ સર્પ રાજા પાસે જઇ કહ્યું, ન્યાય કરો કાં યુદ્ધ કરો. કન્યાઓને છોડી મૂકો કાં યુદ્ધ કરો. અમને પ્રભુએ મોકલ્યા છે. ત્યાં તો સર્પો લાખો ભેગા થઇ ગયા. ગરૂડ અને ચક્રના બળને નહીં જાણતા યુદ્ધ કરવા લાગ્યા. ગરૂડે સર્પોનો નાશ કર્યો. પછી પાતાલનું રાજ્ય શેષને આપ્યું અને સ્વસ્તિકને મંત્રીપદે સ્થાપ્યો અને સર્વ કન્યાઓને કેદમુક્ત કરી. પછી શેષ અને સ્વસ્તિકનાગે અનાદિશ્રીકૃષ્ણનારાયણને સંભાર્યાં. પ્રભુ કિશોર સ્વરૂપ ધારણ કરી હાથી પર બેસી પાતાલમાં આવ્યા. શ્રીહરિએ અનંત શેષને ભાલમાં તિલક કરી પાતાલનો રાજ્યાભિષેક કર્યો. પછી સ્વસ્તિક મંત્રીએ પોતાની વીશ કન્યાઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણને અર્પણ કરી. પ્રભુ કન્યાઓને લઇ કુંકુમવાપી ક્ષેત્ર આવી લોમશ ઋષિના આશ્રમમાં મૂકી. લોમશ ઋષિએ કન્યાઓને મંત્રમાળા કંઠી આપી રક્ષણ કર્યું. પછી ચક્ર અને ગરૂડજી વૈકુંઠમાં ગયા. પછી શેષનારાયણની પત્ની સુનંદિની તેણે પ્રભુને સંભાર્યા. પ્રભુ પાતાલમાં દર્શન દેવા પધાર્યા. સુનંદિનીએ પ્રભુની પૂજા કરી. પ્રભુએ તેને મંત્રકંઠી માળા આપ્યા. તે સમયે યુદ્ધમાં મરેલા સર્પોની હજારો કન્યાઓ અનંત શેષ નારાયણે શ્રીહરિને અર્પણ કરી. પ્રભુ તે કન્યાઓને લઇને લોમશ ઋષિના આશ્રમમાં રાખી. શ્રીકૃષ્ણ કહે : રાધા, તે સર્વે કન્યાઓના ધન્ય ભાગ્ય કે પ્રભુએ તેને ગ્રહણ કરી.