ભાગ · અધ્યાય ૬૩

પ્રભુએ સમુદ્રમાં કુર્મરૂપ ધારણ કરી વણિક કુટુંબની રક્ષા કરી

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ આઠમે વર્ષે ભક્તોની રક્ષા કરી તે કથા કહું. નર્મદા કાંઠે ચંદ્રોદયપુરનો વણિક વૈષ્ણવધર્મ પરાયણ હતો. નદી કાંઠે શતાનંદ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચતા હતા. તેમાં અનેક ચિહ્નોવાળા અનાદિશ્રીકૃષ્ણનારાયણ કુંકુમવાપી પ્રગટ થયા છે. તેવું કથામાં સાંભળી વસુમેધ વણિક કુટુંબ સાથે સૌરાષ્ટ્ર યાત્રાએ નીકળ્યો. ગોપનાથ, સોમનાથ, દ્વારકા, ચમત્કારપુર, નારાયણ સરોવર વગેરે તીર્થો કરી સોમનાથ સમુદ્રમાં વહાણમાં બેસી જતા હતા. ત્યાં સમુદ્રનું તોફાન, વાવાઝોડું થયું. વહાણ વાંકુત્રાંસુ થવા લાગ્યું. વહાણમાં પાણી ભરાયું ત્યારે વણિકે કથામાં સાંભળેલા બાલકૃષ્ણ પ્રભુની સ્તુતિ સ્મરણ કરવા લાગ્યો. હે પ્રભુ અમે તમારે દર્શને આવીએ છીએ તમે અમારું રક્ષણ કરો. હે પ્રભુ અમે તમારે શરણે આવેલા છીએ. તરત અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ કુર્મરૂપ ધારણ કરી વહાણ નીચે રહી વહાણને સ્થિર કરી દીધું. પછી વાવાઝોડાને શાંત કરી વહાણને પોતે ચલાવી કાંઠે લાવી પાણીમાં પડી ગયેલા વીસ માનવોને કાઢીને સજીવન કર્યાં.

પછી તે વણિક કુટુંબ પ્રાચી પીપળે દર્શન કરી અશ્વપટ સરોવરકાંઠે કુંકુમવાપી આવી બાલકૃષ્ણ પ્રભુના દર્શન કરી સ્તુતિ કરવા લાગ્યા, હે પ્રભુ તમે સર્વનું રક્ષણ કરનારા છો સર્વત્ર રહેલા છો. ધામમાં દિવ્ય કિશોર સ્વરૂપે રહેલા દિવ્ય વસ્ત્ર અલંકારોને ધારણ કરનારા તમને નમો નમ: હે પ્રભુ આજ તમારા પ્રત્યક્ષ દર્શન કરી હું અને મારું કુટુંબ ધન્ય થયા છીએ. એમ કહી પ્રભુની પૂજા કરી, નૈવેદ્ય ધરી, આરતી ઉતારી. પછી પ્રભુએ પ્રસાદી વણિક કુટુંબને આપીને લોમશ ઋષિ પાસે “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામિને સ્વાહા” એ મંત્ર અપાવી કહ્યું, તમે પતિ-પત્ની ભોજન કરજો. આજથી અગિયારમે દિવસે તમને ધામમાં લઇ જઇશ. એ રીતે ધામમાં લઇ ગયા. પછી તેના કુટુંબીઓ ઔધ્વ દૈહિક ક્રિયા કરી, પ્રભુઆજ્ઞાથી ઘેર ગયા.