ચાર્તુમાસના વ્રત-નિયમો ❖ બાલપ્રભુ દ્વારા કંકતાલ અસુરોનો ઉદ્ધાર
શ્રીકૃષ્ણ કહે : રાધા, લોમશ ઋષિના ઉપદેશથી સર્વ કન્યાઓ અષાઢ સુદ એકાદશીએ સવારમાં સ્નાન કરી, બાલકૃષ્ણ પ્રભુનું ષોડ્શોપચારથી પૂજન કરી, ગુરુ લોમશ ઋષિને પગે લાગી, અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ધ્યાન કરી ધૂન, કિર્તન, નૃત્ય કરતાં પ્રભુનું દર્શન કરવા જતા હતા. પ્રભુએ અંતર્યામિપણે જાણી, અનેક કિશોર સ્વરૂપો ધારણ કરી, અશ્વપટ સરોવર કાંઠે સામા ગયા, અને સર્વ કન્યાઓની પૂજા અંગિકાર કરી. કોઇ કન્યાએ પ્રભુને ચંદન અર્ચ્યુ. કોઇએ કાજળ આંજ્યું. કોઇએ તિલક, ચાંદલો, હાર, બાજુબંધ ધારણ કરાવ્યા. કોઇએ પુષ્પ, મુગટ, તોરા, કલ્ગી, અત્તર, પીળા, પિતાંબર વસ્ત્ર અલંકારો, સુવર્ણ આભૂષણો ધારણ કરાવી, મિષ્ટાન્ન, દૂધ, પાન, મુખવાસ આપી આરતી ઉતારી, પ્રદક્ષિણા, દંડવત્, સ્તુતિ, નમસ્કાર, આત્માર્પણ, ક્ષમા, પ્રાર્થના કરી.
કિશોર સ્વરૂપે અનંત રૂપે રહેલા પ્રભુએ સર્વ કન્યાઓના સર્વ સંકલ્પ પૂર્ણ કર્યાં. પછી પ્રભુને પગે લાગી સર્વ કન્યાઓએ ચાતુર્માસના વ્રત નિયમો લીધા. કોઇએ ચાર માસ સુધી ફળ ખાવા, કોઇએ શાકભાજી ખાવા, કોઇએ દૂધ પીવાનું, કોઇએ મૌન રહેવાનું, એકટાણું જમવાનું, ફલાહાર કરવાનું, કોઇએ મીઠા વિનાનું ખાવું, મિષ્ટાન્ન ન ખાવા, દાળ ન ખાવી, શાક ન ખાવું, ઘી-દૂધ-દહીં-છાશ ન ખાવા, આવા અનેક પ્રકારના નિયમો લીધા, લોમશ ઋષિએ કહ્યું : પુત્રીઓ, સર્વે વ્રત શ્રીહરિને પ્રસન્ન કરવા માટે કરવા. જે વ્રત કરવાથી પ્રભુ પ્રસન્ન થાય તે સર્વોત્તમ વ્રત છે. ત્યારે સર્વ કન્યાઓએ શ્રીહરિને પૂછ્યું, હે પ્રભુ તમે કયાં વ્રતથી પ્રસન્ન થાવ ? શ્રીહરિ કહે : હું વ્રતથી, દાનથી, તપથી, યજ્ઞથી, દાનદક્ષિણાથી, ધનથી, યમ-નિયમથી પ્રસન્ન થતો નથી. હું તો સ્નેહ ભક્તિથી, નિષ્કામ, નિ:સ્વાર્થ ભક્તિથી પ્રસન્ન થાવ છું. માટે મને પ્રેમથી સંભારવો, પ્રેમથી પૂજવો, મારા ધૂન, કિર્તન કરવા, સર્વ દેહ ક્રિયામાં મને સંભારવાથી હું પ્રસન્ન થાઉં છું.
તે સમયે શેત્રુંજ્ય પર્વતમાં રહેનારા, કંકતાલ નામના અસુરો મદ્ય માંસ ખાનારા, તાડિયા જેટલા ઊચા, પશુ-પક્ષી ખાનારા, પ્રભુના પૂજન ઉત્સવમાં વિઘ્ન કરવા અને મારવા અસ્ત્રો-શસ્ત્રો લઇને આવ્યા. બાલકૃષ્ણ શત્રુને મારી નાખો, લોમશને મારી નાખો, એમ બૂમો પાડતા લાખો અસુરો આવ્યા. લોમશ ઋષિએ સર્વ અસુરોને સ્તંભન મંત્રથી જડ જેવા બનાવી દીધા. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ વિરાટ સ્વરૂપ ધારણ કરી, ગરૂડને સંભાર્યાં. ગરૂડ આવ્યા. તેની પર બેસી સુદર્શન ચક્રથી અને ગદાથી તે કંકતાલ અસુરો દૈત્યોના મસ્તક હાથ-પગ કાપી નાખ્યા. બાકી રહેલા પ્રભુના શરણે આવ્યા. તેને કન્યાનારૂપ ધારણ કરાવીને લોમશ આશ્રમમાં રાખ્યા, પછી પ્રભુની આજ્ઞાથી ગરૂડ અને ગદા વૈકુંઠમાં ગયા. પ્રભુએ બાલસ્વરૂપ ધારણ કરી સુદર્શન ચક્રને આંગળીમાં ધારણ કરી નિજભવન આવ્યા. પ્રભુની આજ્ઞાથી લોમશ ઋષિએ સર્વ કન્યાને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા” એ મંત્ર આપી. તુલસીની, કંઠી, માળા આપી. સર્વેને વૈષ્ણવી બનાવી. તેનો અસુરભાવ નાશ કર્યો. તે અશ્વપટ સરોવર કાંઠે કંકતાલાખ્ય નામે તીર્થ થયેલું છે. શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુનું આ દિવ્ય ચરિત્ર જે ગાશે, સાંભળશે, તે ધનવાન, પુત્રવાન, શ્રીમાન, સ્વર્ગવાન થશે. તેમજ નારી સૌભાગ્યને પ્રાપ્ત થશે.