અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રસન્ન કરવાના સાધનોનો ઉપદેશ
આ અધ્યાય 112–114 સંયુક્ત છે
અનાદિશ્રીકૃષ્ણનારાયણે માઘ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી લાશહા સરોવરમાં યજ્ઞ કરી. અનેક પ્રકારના દાન અપાવીને કહ્યું, માઘ માસમાં તીર્થમાં સ્નાન કરીને દાન કરવા. અન્નદાન, શાકપત્રદાન, ફળફૂલ દાન, શય્યા વસ્ત્ર દાન, સોના-ચાંદીના દાન, વિદ્યાકથા, જ્ઞાનદાન, દાસ-દાસીદાન, કન્યાદાન, હવેલી મૂર્તિદાન તે સર્વ દાન સ્વર્ગ અને મોક્ષ આપનારા છે તથા દેહદાન, આત્મદાન, સર્વસ્વદાન વગેરે ગુરુને પરમાત્માને આપીને મોક્ષ મેળવવો. રક્તદાન, રતિદાન, ગર્ભદાન, ઔષધદાન, ધર્મશાળા, પાઠશાળા, સદાવ્રત તે સર્વ મોક્ષ આપનારા છે. દૂરશ્રવણ, દૂરદર્શન, ખેતીના સાધનો વગેરે જેને જે વસ્તુની જરૂર પડે તેને તે વસ્તુનું દાન કરનારા સ્વર્ગસમાન સુખ પ્રાપ્ત કરી મોક્ષ મેળવે છે, તથા મંદિર કરનારા, કરાવનારા, મૂર્તિ પ્રતિષ્ઠા કરી પૂજા કરનારા, કરાવનારા તથા મંદિરમાં ધૂપ-દીપ, મેવા, મીઠાઇ, થાળ, ભોજન આપનારા, ગંધ-સુગંધ અર્પણ કરનારા તે સર્વે મોક્ષને મેળવે છે તથા અનાદિશ્રીકૃષ્ણનારાયણ જન્મજયંતિ મહોત્સવમાં સર્વ શૃંગાર પ્રભુને ધારણ કરાવી, આરતી કરી, ભોજનપાન કરાવી, સર્વ ભક્તોને ભોજન પ્રસાદ કરાવનારા પરમમોક્ષ મેળવે છે.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : ભક્તો, મારામાં પ્રિતી રાખી અને સર્વ ઉત્સવ કરજો. સવાર, બપોર, સાંજ, પૂજા કરી મને સર્વ અર્પણ કરવું. હું સર્વ સુખનો આપનારો છું. સર્વનો નિયંતા છું. જીવ પ્રાણી માત્રમાં અંદર બહાર હું જ રહેલો છું. ક્યારેક ઇશ્વરમાં- દેવમાં પ્રગટ થાઉં છું. ક્યારેક ઋષિમાં, ભક્તમાં પ્રગટ થાઉં છું. ક્યારેક જળમાં સ્થળમાં પર્વતમાં વનમાં પ્રગટ થાઉં છું. ક્યારેક પશુ-પક્ષીમાં વૃક્ષવેલીમાં સાધુ-સાધ્વીમાં રાજા પ્રજામાં ગોપમાં મારા અનંત અવતારો થાય છે. અત્યારે લોમશ ક્ષેત્રમાં હું પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ નામે પ્રગટ થયેલો છું. મારા ચરિત્રોની કથા મારા સંત ભક્તોની કથા વાંચવી, સાંભળવી. સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથનો અભ્યાસ કરવો. વાજિંત્રો સાથે ધૂન્ય કિર્તન કરવા. પગે ઘૂઘરા બાંધી પ્રભુ પાસે નૃત્ય કરવું. મારી સ્તુતિ પ્રાર્થના કરવી. એવી રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું મારી ધાતુની, કાષ્ટની, માટીની, મૂર્તિ બનાવીને, નર- નારીઓએ સર્વે અર્પણ કરી, સર્વ ભાવે મારી પ્રેમ સહિત, નવધા ભક્તિ કરવી, અને મારે આધીન થઇ મારી આજ્ઞામાં રહી સર્વ ક્રિયા કરવી.
અનાદિશ્રીકૃષ્ણનારાયણ પિતૃકન્યાઓને તથા શરણાગતિ મંત્ર ગ્રહણ કરેલા સર્વભક્તોને કહે : મારી મૂર્તિ રાખીને મારો મંત્રજપ, ભક્તિ કરતા વચ્ચે વિઘ્ન કરનારા કુટુંબ હોય તો તેનો પણ ત્યાગ કરવો. નેત્રથી મારા અંગે અંગનું દર્શન કરવું. કાનથી મારી કથા સાંભળવી. ત્વચાથી મારા સર્વ અંગનો સ્પર્શ કરવો. જીભથી મારા મંત્ર, જપ, ગુણનો ઉચ્ચાર કરવો. મુખથી પ્રસાદ, જલ ગ્રહણ કરવા. નાસિકાથી મારા તુલસી, પુષ્પ ગંધ લેવા. હાથથી મારી સેવા કરવી. પગથી પ્રદક્ષિણા કરવી. મસ્તકથી વંદન કરવું. મનબુદ્ધિથી મારા સ્વરૂપ નિશ્ચયની દૃઢતા કરવી. ચિત્તથી ચિંતવન કરવું. હું પ્રભુનો દાસ છું એવું અભિમાન કરવું. મારે અર્થે સર્વે વેપાર ક્રિયા, ખેતી, ઉદ્યમ કરવો. જે જે પોતાને વ્હાલી વસ્તુ હોય તે મને અર્પણ કરવી. સર્વ વસ્તુ મને ધરી પ્રસાદીની કરી ગ્રહણ કરવી.
હે ભક્તો મને અર્પણ કર્યા વિના પત્ર, પુષ્પ, જલ પણ ગ્રહણ ન કરવું. મારી પ્રસન્નતા માટે જપ, તપ, યજ્ઞ, દાન સર્વ કરવા. સાધુ-સાધ્વી, ભક્તોની સેવા મારી પ્રસન્નતા માટે કરવી. સંત ભક્તોના સર્વે અંગમાં મારા અંગો રહેલા છે. તેની સેવા કરવાથી સર્વે મનોરથો સફળ થાય છે. મહાભાગવત ભક્તો મારા પરાયણ હોવાથી ચાર પ્રકારની સિદ્ધિ અને ચાર પ્રકારની મુક્તિ હું આપું છું. મારા ભક્તો સંપત્તિ અને ઐશ્વર્ય ઈચ્છતા નથી તે ભક્તિમાં વિઘ્ન કરે છે. સંત ભક્તો યોગીને રમણીય પંચવિષય પણ દુ:ખરૂપ લાગે છે. મારા વિના મારા ભક્તને ચંદન પણ ઝેર જેવું લાગે છે. મારા વિના પુષ્પ, આભૂષણો, ગરોળી જેવા લાગે છે. મારા વિના સ્ત્રી, શય્યા, વસ્ત્રો, સર્વ નરક જેવું લાગે છે. મારા વિના મહેલ, ગુફા જેવો લાગે છે. મારા ભક્તને મનુષ્યોના વસવાટમાં હું ન હોઉં તો ભૂતોના વાસવાળું વન હોય તેવું લાગે છે. મારા વિના સાદું ભોજનપાન ઝેર જેવા લાગે છે. મારા વિના મારા ભક્તને સર્વ સુખ-દુ:ખ રૂપ લાગે છે એવો મારો ભક્ત મારામય થઇને ક્યારેક હસે છે. ક્યારેક રૂદન કરે છે. ક્યારેક મારી સાથે બોલીને મને ભેટે છે, ચુંબન કરે છે. ક્યારેક સ્નાન ભોજન કરાવે છે. ક્યારેક મૌન ધારણ કરી, હૃદયમાં મારું ચિંતવન કરે છે. ક્યારેક મને વનમાં લઇ જાય છે. રમાડે છે, ક્યારેક દાસી થઇ દાસપણું કરે છે.
ક્યારેક મારી પ્રાર્થના કરી અપરાધ ક્ષમા કરો એમ કહે છે. ક્યારેક હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ આત્મપતિ પરબ્રહ્મ પરમાત્મા તમે ક્યાં છો. એમ મને બોલાવે છે. આવા મારા ભક્ત, દાસ-દાસી, બ્રહ્માંડને પૃથ્વીને પાવન કરે છે. તેના ચરણરજથી દુ:ખો દૂર ભાગી જાય છે. તે ભક્તના દર્શનથી જનો પવિત્ર થાય છે. એવા ભક્તના આશ્રયથી મુક્તિ થાય છે એવા સંત ભક્તની સેવાથી મારી સેવા થાય છે. મારામાં અને તેનામાં ભેદ નથી. તે મારું જ શરીર છે. તેના નેત્રમાં જોનારો હું છું. તેનામાં બોલનારો હું છું. તેવા સંતમાં ચાલનારો હું છું. તે ભક્તની સર્વ ક્રિયા ભક્તિરૂપ અને મોક્ષરૂપ જ છે. હું સંતરૂપે પ્રત્યક્ષ છું, જેને સંતનો યોગ નથી તેને હું પરોક્ષ છું. સર્વ વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ટ છે. બ્રાહ્મણોમાં સાત્વિક શ્રેષ્ટ છે. સાત્ત્વિકમાં મારા ભક્ત આત્મનિવેદી શ્રેષ્ટ છે. આત્મનિવેદિમાં દીક્ષાવાળા સાધુશ્રેષ્ટ છે. સાધુમાં શ્રેષ્ટ હું છું. મારાથી પર કોઇ નથી. સંત છે તે મારી બ્રહ્મની મૂર્તિ છે. સંત સમાન મને કોઇ પ્રિય નથી. દેવ, ઇશ્વર, ગાંધર્વ, સાક્ષાત્ રાધાલક્ષ્મી પણ સંતસમાન પ્રિય નથી. એ રીતે મારો મંત્રજપ, મારી ભક્તિ કરજો અને મારો મંત્ર અન્યને આપી દેહધારીઓને મોક્ષ અપાવજો. આ પ્રમાણે પ્રભુએ દેવોને, ઋષિઓને, પિતૃકન્યાઓને આજ્ઞા આપી.