ભાગ · અધ્યાય

ષષ્ટીદેવીએ દૈત્યોથી બાલકૃષ્ણપ્રભુનું રક્ષણ કર્યુ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના છઠ્ઠે દિવસે બાળકોનું રક્ષણ કરનારી માનસાદેવી રાત્રે રક્ષા કરવા સેવા કરવા આવી. રાધા લક્ષ્મી સમાન તે દેવીએ પ્રભુનું પૂજન કર્યું. ભૂત-પ્રેત બાલગૃહ વગેરેથી રક્ષા કરવા ત્યાં કાળી ચૌદશની રાત્રિએ રહી. તે સમયે રાત્રિમાં પાતાલવાસી દૈત્યો કન્યાનારૂપ ધારણ કરી બાલપ્રભુને રમાડવા આવ્યા. તે સમયે પાતાલમાં સર્વ દૈત્યો ભેગા થઇ કહે : આપણો શત્રુ શ્રીહરિ અત્યારે સૌરાષ્ટ્રમાં જન્મ્યો છે. જે વારંવાર દેવોના પક્ષમાં રહી આપણો નાશ કરે છે, જે સર્વે અવતારોનો કારણ છે, જે સર્વનું મૂળ છે. તેનો નાશ કરીએ એટલે વૃક્ષની શાખા થાય જ નહીં. રોગ, શત્રુ અને અગ્નિ તેનો તરત નાશ કરવો, નહીં તો આપણો નાશ થશે. માટે અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવા આ બાળકરૂપે છે. ત્યાં જ એને મારી નાખી. એનો નાશ કરવાથી સર્વ અવતારો, ઇશ્વરો, દેવોનો નાશ થશે. એવું વિચારી સર્વ દૈત્યો દુર્ગંધથી ભરેલા શસ્ત્રો લઇને આવ્યા.

અશ્વપટ સરોવર કાંઠે કોઇએ ઘુવડના, ચીબરીના, ટીટોડીના, શિયાળના, બિલાડાના, નોળિયાના રૂપ લઇને વાસ કર્યો. રાત્રિમાં પ્રભુ પોઢ્યા હતા. માનસાદેવીએ તે કરડવા આવેલા દૈત્યોનો નાશ કર્યો. સવારે શયનમાં લોહીના ડાઘ જોઇને ગોપાલકૃષ્ણ શાંતિ પાઠ કરાવતા હતા. દિવાળીની રાત્રિએ તે દૈત્યો શસ્ત્રો લઇને શ્રીહરિને મારવા આવ્યા. ષષ્ટિદેવીએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનો જપ કરતાં અગ્નિ પ્રગટ કરી સર્વ દૈત્યોને ભસ્મ કર્યા તથા ભાગી ગયેલાને માનસાદેવીએ પોતાના શરીરમાંથી કન્યાનું સૈન્ય કાઢી દૈત્યોનો નાશ કર્યો પછી તે સર્વે કન્યાઓએ શ્રીહરિના દર્શન કરી વરદાન પ્રાપ્ત કરી કુંકાવાવમાં મુક્તિ તીર્થમાં વાસ કર્યો પછી લોમશ ઋષિના આશ્રમમાં વાસ કર્યો. લોમશ ઋષિ કહે : પ્રભુ, આ સર્વ કન્યાઓ તમારી પત્નીઓ થશે. કાર્તિક પડવે સર્વે અન્નકોટ શ્રીહરિને ધરીને સર્વપ્રસાદ ગ્રહણ કરી, રાત્રે સૂતા હતા. ત્યારે ફરીથી દૈત્યો આવ્યા તેમાં એક સુતક નામે દૈત્ય બાલપ્રભુને પાતાલમાં ઉપાડી ગયો. રાધા કહે : હે કૃષ્ણ, તે સુતક દૈત્ય કોણ હતો ? શ્રીકૃષ્ણ કહે : પૂર્વે સંકર્ષણે હિરણ્યકુર્ચ દૈત્યને માર્યો તેના શરીરના મેલમાંથી કેટલાય દૈત્યો થયાં. તેમાં એક સુતક નામે થયો. તેને સંકર્ષણે અભય દાન આપી જન્મથી દશ દિવસ સુધી પ્રસૂતા નારી પાસે વાસ આપ્યો તથા બીજા દૈત્યોને દુર્ગંધમાં વાસ આપ્યો.

સર્વ દૈત્યોએ મળી સુતક પુરુષને કહ્યું, આ બાળકને બાંધી દે તે તારો ધર્મ છે. એટલે સુતક પુરુષે બાલકૃષ્ણ પ્રભુનું અપહરણ કરીને દૈત્યોને આપ્યો. ત્યાં ધર્મરાજાના શ્રવણ દેવે જઇને શેષ નારાયણને કહ્યું, આ દૈત્યો બાલપ્રભુનો નાશ કરશે. એટલે શેષનારાયણે શંખ ફૂંક્યો. દૈત્યો બાલપ્રભુને મૂકી યુદ્ધ કરવા આવ્યા. શેષનારાયણે સૂદર્શનચક્રથી દૈત્યોનો નાશ કર્યો. તે સમયે સુતક પુરુષે બાલપ્રભુને લઇને શેષનારાયણને શરણે આવ્યો. ત્યારે બાલપ્રભુને લક્ષ્મી, ગરૂડનંદ, સુનંદ, રમાડતા હતા, તથા રાધા, રમા, માણિકી, મંજુ, હંસા, સગુણા, લલિતા, જયા, મુક્તા, હેમી, દયા, ચંપા, મનુ, દેવીકા, શાંતિ, શાંતા સર્વે સખીઓ બાલપ્રભુને રમાડતી હતી. પછી સુતક પુરુષ બાલપ્રભુને લઇ લક્ષ્મી સાથે કંભરાગૃહે આવ્યા. સવારે લક્ષ્મીએ સુતક પુરુષની વાત પ્રભુના માતા-પિતાને કરી. પિતાએ શાંતિપાઠ કરાવ્યા પછી પ્રભુએ સુતક પુરુષને આશિર્વાદ આપી કહ્યું, આજથી તારો આસુર ભાવ નાશ પામશે. પછી સર્વને ભોજન કરાવી, દાન આપ્યા.