ભાગ · અધ્યાય ૨૨૩

ઉરૂગવાક્ષમાન રાજાની રાયગ્રામાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, રાયગ્રામાપુરીનો રાજા ઉરૂગવાક્ષમાન ત્રિવેદ ઋષિ સાથે આવી શ્રીહરિને આવવાની પ્રાર્થના કરી. શ્રીહરિ તે પુર પાસે હોવાથી કહ્યું, બહુ સારૂં તમે જાવ અમે આવશું. પછી પ્રભુ વિમાનમાં ઋષિઓ અને કુટુંબ સાથે બેસી રાયગ્રામાપુર આવ્યા. રાજાએ આખું શહેર ધજાપતાકા, વાવટાથી અનેક શોભાથી શણગાર્યું અને વાજીંત્રોથી, જયકારોથી, પુષ્પચંદન, ચોખાથી વધાવી શ્રીહરિનું સ્વાગત કર્યું. પછી શ્રીહરિને શ્વેત અશ્વના રથમાં તથા માતા-પિતા કુટુંબને બ્રહ્મપત્નીઓને અન્ય રથમાં બેસાડી નગરમાં ફેરવ્યા. દરવાજામાં, રાજમાર્ગપર ચોકમાં, શેરીઓમાં ચારે બાજું શહેરમાં, શ્રીમંતોએ, પ્રધાન કર્મચારીઓએ, નરનારીઓએ પરમાત્માની પૂજા કરી હાર પહેરાવ્યા. નાળીયેર, ફળફૂલ અર્પણ કર્યાં. સુવર્ણ, ચાંદી, રત્નો, રૂપીયા, વસ્ત્ર, આભૂષણોની ભેટ કરતા હતા. પછી રાજમહેલમાં આવી ઉરૂગવાક્ષમાન રાજાએ શ્રીહરિના બંને ચરણને દૂધથી અભિષેક કરી જલથી ધોઇ ચરણામૃત પીધું. રાજારાણીએ પૂજા કરી આરતી કરી. બે રાજકન્યાએ શ્રીહરિને વરમાળા પહેરાવી પછી પ્રભુને ભોજનપાન કરાવી સર્વ મહેમાનોને ભોજન કરાવ્યા. બપોર પછી સભામાં શ્રીહરિએ સર્વને ઉપદેશ આપ્યો, જ્યારે વાસનાવૃત્તિનો લય થાય છે ત્યારે શ્રીહરિ આત્મામાં દેખાય છે. યોગીઓ ધ્યાનથી પ્રભુને જોઇને સિદ્ધિને મેળવે છે. ધ્યાન અને જ્ઞાનથી તૃપ્ત થયેલા આ સંસારમાં ફરી જન્મ પામતા નથી, તે રાગદ્વેષથી રહિત થઇ સાત્વિકપણે રહી મુક્ત સ્થિતિને પામેલા વાદવિવાદ વિના મારી ભક્તિ કરે છે, મનને સદા મારામાં રાખી માયિક પંચવિષયને ગ્રહણ કરતા નથી. ચંચળ મન વિષયમાં જાય ત્યાંથી પાછું વાળી રમણિય વસ્ત્રઅલંકારોવાળી મારી મૂતિર્નું ધ્યાન કરે તો મન વશ થાય છે. એ રીતે ઇન્દ્રિયો અંત:કરણની વૃત્તિઓ મૂતિર્માં રહેવાથી મોક્ષ થાય છે. અથવા સર્વકાર્યોમાં મને સાથે રાખવો અથવા સર્વકાર્યો મને અર્પણ કરવા અથવા વ્યવહારમાં જોડાવું જ નહીં. તો ચિત્તવૃત્તિ મારામાં રહે.

યોગીએ સર્વ વસ્તુનો ત્યાગ કરવો અથવા કોઇ વસ્તુની ઈચ્છા ન કરવી અથવા મારે અર્થે જ સર્વક્રિયા કરે અને મારા નામનો જપ કરે તો મારા લોકને પામે છે. ભગવાનની મૂતિર્નું ધ્યાન કરતાં ઐશ્વર્યની ઈચ્છા તે સાત્વિકી માયા છે, તે જન્મ અપાવે છે માટે ભક્તિ, સેવા વિના બીજી ઈચ્છા ન કરવી. તૃષ્ણા અને ઈચ્છાઓ તે રાક્ષસી છે તેમાં જે રહે તેને ચિંતા પિશાચી વળગે છે. તે ત્રણ નરકમાં લઇ જનારા છે. રાગ-રાક્ષસ, મોહ-યક્ષ, દ્વેષ- પિશાચ આ ત્રણ જેને છે, તે સર્વે નરકમાં પડેલા છે. માયાના બ્રહ્માંડોમાં રહેલાં લોકપાલો, દેવો, ઇશ્વરો, સિધ્ધો સર્વે દુ:ખ મિશ્રિત સુખમાં હોવાથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનના ધામના સુખ પાસે નરક જેવા છે. ગોલોક, વૈકુંઠ, અમૃત, અવ્યાકૃત વગેરે ધામો મારા યોગથી માયાથી રહિત દિવ્ય છે. જ્યાં મારો યોગ સંબંધ અર્પણ ભાવ નથી, ત્યાં કાળનું શાસન છે. જ્યા મારો વાસ છે, ત્યાં કાળ નથી. એવું વિચારી બુધ્ધિવાળાએ મારો સંબંધ નિત્ય રાખવો તો મારા ધામને પામી દિવ્ય સુખઆનંદને ભોગવશે. એમ ઉપદેશ આપી શ્રીહરિએ રાજકુટુંબને તથા સર્વે પ્રજાને મંત્રો આપ્યા.