સનતઋષિ અને ઉર્વશી અપ્સરા પરસ્પર શાપથી બિલાડો-ચકલી થયા
હેમશાલાયન ઋષિએ પૂછ્યું : પ્રભુ, તમે રક્ષા કરી તે ચકલી અને બિલાડી પૂર્વ જન્મમાં કોણ હતા ? શ્રીહરિ કહે : પૂર્વે બ્રહ્માના પુત્ર સનત ઋષિ ચૌદલોકમાં ફરતા કચ્છમાં નારાયણ સરોવર તીર્થમાં નાહીને ધ્યાન કરતા હતા. તેજસ્વી કિશોર સ્વરૂપ જોઇને ઉર્વશી અપ્સરા મુનિ પાસે આવી. સનત મુનિને મોહ પમાડવા નૃત્ય કરી હાવભાવ ચેષ્ટા કરવા લાગી. જ્યાં સ્પર્શ કર્યો ત્યાં મુનિ કહે : મને અડીશ નહીં. એમ કહી દૂર જઇ બેઠા. ઉર્વશી ત્યાં ગઇ. મુનિ કહે : તું નારાયણ પુત્રી થઇ ચકલીની જેમ કેમ ફરે છે. તને લજ્જા નથી આવતી. ઉર્વશી કહે : અમારો અપ્સરાનો આ ધર્મ છે. તે બ્રહ્મા, વિષ્ણુ, શંકરે અમને સર્વને મોહ પમાડવા આજ્ઞા આપેલી છે. તેમાં અમારા માટે, તમારા માટે ભાઇ-બહેનનો સંબંધ છે જ નહીં. નારાયણની સર્વે પત્નીઓ નારાયણના શરીરમાંથી જ થયેલી છે. કૃષ્ણના અંગમાંથી થયેલી રાધા કૃષ્ણની પત્ની છે. બ્રહ્માના શરીરથી થયેલી ગાયત્રી બ્રહ્માની પત્ની છે. બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિ તેની પુત્રીઓ ધર્મની પત્નીઓ છે. તેથી દેવની સૃષ્ટિમાં પુત્ર-પુત્રીનો સંબંધ નથી. એમ કહીને ઉર્વશી સનત મુનિના ખોળામાં બેસી ગઇ. પણ મુનિ પ્રાણાયામ કરી સમાધીમાં બેસી ગયા.
ઉર્વશીએ સંકલ્પ પૂર્ણ ન થવાથી ઋષિને શાપ આપ્યો કે, સ્ત્રીના દુ:ખને નહીં જાણનારો, સ્ત્રીની કિંમત નહીં કરનારો નપુંષક જેવો તું બિલાડી થઇ જા. એટલે તને સ્ત્રી જાતિનું ભાન થાય. ઉર્વશીના શાપથી સનત ઋષિ તરત બિલાડીના જન્મને પામ્યા. ક્રોધ પામેલા મુનિએ પણ ઉર્વશીને શાપ આપ્યો કે, તું મને વગર વાંકે શાપ આપે છે માટે તું પણ નિર્જન સ્થાનમાં ચકલી થા, જ્યાં પાણી પણ પીવા ન મળે. ઉર્વશી સખીઓને તજીને તરત ચકલીના જન્મને પામી. ઇન્દ્રને ખબર પડી એટલે બ્રહ્મા પાસે આવ્યા, બ્રહ્મા અને ઇન્દ્ર નરનારાયણ ભગવાન પાસે આવ્યા. પૂજા કરી પ્રાર્થના કરી કહ્યું, હે પ્રભુ તમારી પુત્રી ઉર્વશી કામના દોષથી ચકલીના જન્મને પામી છે અને મારો પુત્ર સનત ઋષિ બિલાડી થયો છે તેનો ઉદ્ધાર કરો. તમે સમર્થ છો.
નરનારાયણ ભગવાન કહે : હું ટૂંક સમયમાં તે બંનેનો ઉદ્ધાર કરીશ. તે શાપથી થોડું કષ્ટ પામશે પછી ઉદ્ધાર થશે. પછી ઇન્દ્ર બ્રહ્મા નરનારાયણ ભગવાનને પગે લાગીને કચ્છમાં નારાયણ સરોવર આવ્યાં, જ્યાં ચકલી અને બિલાડીના શાપને પામ્યા હતા બ્રહ્મા ઈન્દ્ર પાસે ચકલી, બિલાડી રોવા લાગ્યાં. બ્રહ્મા કહે : જ્ઞાનીને કદી શોક થતો નથી, આવેલું દુ:ખ સદા રહેતું નથી, માટે તમે સર્વના સ્વામિ એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરજો. અજ્ઞાનીઓ જે દુ:ખ માને છે. જ્ઞાનીઓ તેને સુખ માને છે. દુ:ખ સર્વ ત્રીવિધ તાપના છે. યૌવન સદા દુ:ખ આપનારું છે. તેની સાથે તૃષ્ણા ભળે છે. તેથી સુખી હોવા છતાં દુ:ખ પામે છે. સંસાર જ દુ:ખરૂપ છે તેથી મોક્ષને સદા સુખ રૂપ માનેલો છે. જ્ઞાની અને યોગીઓને વિષયભોગ તૃષ્ણા ક્ષય માટે હોય છે. તેથી તેને વિષયો બંધન કરી શકતા નથી. જ્ઞાનથી મૂઢતા, જડતા, અજ્ઞાન નાશ પામે છે. જ્ઞાન ગુરુથી થાય છે. ગુરુની પ્રાપ્તિ પુણ્યથી થાય છે. પુણ્ય શાસ્ત્ર શ્રવણથી થાય છે. શાસ્ત્ર શ્રવણ શ્રદ્ધાથી થાય છે. શ્રદ્ધા મુમુક્ષુતાથી થાય છે. મુમુક્ષુતા શ્રીહરિની કૃપાથી આવે છે. શ્રીહરિની કૃપા અનાદિશ્રીકૃષ્ણનારાયણના ભજન સ્મરણ તેની શરણાગતિ લેવાથી થાય છે. માટે શ્રીહરિની પ્રેમમય ભક્તિ સદા કરવી. બ્રહ્મા એ રીતે ઉપદેશ આપી સત્યલોકમાં ગયા. ઇન્દ્ર સ્વર્ગમાં ગયો. તે ચકલી અને બિલાડી સદા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતા નારાયણ સરોવરમાં વાસ કરતા હતા. પછી હિંસક પશુના ભયથી બિલાડીએ જ્યાં મનુષ્યો રહેતા હતા ત્યાં ખેતરમાં વાસ કર્યો.