આંડજરા રાજાના ચિલ્લી દેશમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, ચિલ્લીદેશનો રાજા આંડજરા મંત્રાગ્નિ ઋષિ સાથે આવી શ્રીહરિને પ્રાર્થના કરી, હે પ્રભુ તમે મારી પુરીમાં પધારો. પ્રભુ વિમાનમાં બેસી તેના રાજ્યમાં આવ્યા. રાજાએ ચિલ્લી પ્રજા નરનારીઓએ ચંદનપુષ્પોથી વધાવી સ્વાગત કર્યું. શ્રીહરિને હાથી પર સોનાની અંબાડીમાં બેસાડીને રાજમાર્ગ, ચોકમાં, પધરામણી કરાવી રાજમહેલમાં લાવ્યા. સિંહાસને બેસાડીને સોનાનો મુગટ, કુંડળ, હાર, પહેરાવી પૂજા આરતી કરી. ચાર રાજકન્યાઓએ પ્રભુને વરમાળા પહેરાવી.
પછી રાત્રે શ્રીહરિ સભા કરી ઉપદેશ આપવા લાગ્યા, પ્રજ્ઞા મનુષ્યોનું કલ્યાણ કરે છે. શુધ્ધ બુધ્ધિથી જનો ધનવાન થાય છે. પછી રાજા થાય છે. પછી સ્વર્ગમાં દેવોના સુખને ભોગવે છે. શુધ્ધબુધ્ધિથી ઇશ્વરભાવને પામી બ્રહ્મપણાને પણ પ્રાપ્ત કરી બ્રહ્મલોકને પામે છે. તેથી પ્રજ્ઞાબુધ્ધિથી આત્મામાં રહેલા સનાતન બ્રહ્મ અંતર્યામી પરમાત્માને જાણીને ઉપાસના ભક્તિ કરવી. બ્રહ્મના દર્શન, સ્પર્શ, શ્રવણ, સેવા, ધ્યાન કરવાથી બ્રહ્મસમાન થાય છે. તેને માયિક સર્વ ઈચ્છા વિરામ પામે છે ત્યારે સર્વ તૃષ્ણાનો લય થાય છે. ધનવાળા, બળવાળાને પણ તૃષ્ણાદાસી થઇને બંધન કરી ક્લેશ આપે છે. દેડકો હોય કે વરાહ જંતુ હોય કે મનુષ્ય શુદ્ર હોય કે ચંડાલ, ઊચ હોય કે નીચ સર્વદેહધારી શરીરમાં જ સુખ-સંતોષ માને છે. રોગી દરિદ્ર, અપંગ તે પણ શરીરમાં જ - પંચવિષયમાં સુખ માને છે. પણ પ્રજ્ઞાબુધ્ધિથી ચેતન આત્માને જાણી મને પરમાત્માને ભજી મારું ધ્યાન જપ પૂજા કરે, વૃદ્ધ માતા-પિતાની સેવા કરે, સંત સેવા કરે તો શાશ્વત સુખને આપનારા એવા પરમધામને પામે છે. કંભરાપુત્ર ભગવાને એમ કહીને સર્વને મંત્રો આપ્યા. પછી પ્રભુની પૂજા કરી ભોજન પાન કરાવ્યા. ત્યાં બાલ્યરાજ રાજા શ્રીહરિ પાસે આવી પોતાની નગરી મંત્રિણાંગામાં પધારવા પ્રાર્થના કરી. પ્રભુ વિમાનમાં બેસી તેના રાજ્યમાં આવ્યા. રાજારાણીએ પુષ્પહાર પહેરાવી ચંદન ચોખાથી વધાવ્યા. પૂજાઆરતી કરી ચરણામૃત પીધું. રાજકન્યાઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણને વરમાળા પહેરાવી અશ્વરથમાં શ્રીકૃષ્ણવલ્લભને બેસાડી નગરમાં ફેરવ્યા. રાજમહેલમાં લાવ્યા. રાજકુટુંબે શ્રીહરિની સેવા કરી.