લોમશ ગીતા - ગુરુ લોમશ ઋષિ અને શિષ્ય અશ્વપાટલ રાજાનો સંવાદ - શ્રદ્ધાનું મહત્વ - માયિક પંચવિષયનાં દ્વાર કઇ રીતે બંધ થાય ?
માગશર વદ તેરસે લોમશ ઋષિએ સભામાં સર્વેને ઉપદેશ આપ્યો, શ્રધ્ધાથી જે સેવાકાર્ય કરાય છે. તેનું ફળ મળે છે. શ્રધ્ધા વિના કરે તેને ફળ મળતું નથી. ઘી, દૂધ, દહીં, સોમ ફળ વગેરેની શ્રધ્ધાથી આહુતિ આપે છે તેને યજ્ઞફળ મળે છે. શ્રધ્ધા છે તે ભક્તિ, શાંતિ, સુખ અને બ્રહ્મધામ આપનારી છે. શ્રધ્ધા છે તે માતા છે, અહિંસા બહેન છે. માતા-બહેનનો નાશ કરનારો કોણ સુખી થાય ? શ્રધ્ધા, ભક્તિ, સેવા, સર્વયજ્ઞ ફળ આપનારા શ્રીકૃષ્ણવલ્લભની પૂજા કરવી તેથી પર બીજો કોઇ યજ્ઞ નથી. ધર્મ નથી-ગતિ નથી.
અશ્વપાટલ રાજા કહે : લોકો પરલોકમાં શ્રેષ્ટગતિ કેમ પામે ?
લોમશ ઋષિ કહે : બ્રહ્મદૃષ્ટિ રાખનારો અહિંસા સત્ય-માયાના દોષથી રહિત થઇને પરબ્રહ્મના આશ્રિત તેને શ્રેષ્ટ ગતિ પોતાના હાથમાં જ છે. આ ઉપનિષદ્ વિદ્યા છે. જ્ઞાન, ભક્તિ, ધર્મ, વૈરાગ્ય, મંદિરમાં વાસ, પ્રસાદ લોભથી કોઇપણ ઈચ્છાથી શ્રીહરિ પાસે જાય તે સર્વે ઉપનિષદ્ વિદ્યા છે. યજ્ઞ, સેવા, સ્વાર્થ, દાન, તૃષ્ણા વગેરે જે ભાવથી મંદિરે જાય, સાધુ પાસે જાય તે સર્વે ઉપનિષદ્ વિદ્યા છે. તે સત્સંગીને બ્રહ્મપ્રાપ્તિ કરાવનારી છે. ગોપીઓને કામ ભાવથી પ્રભુ પ્રાપ્તિ થઇ. વિપ્રોને યજ્ઞોથી, ગોપબાળકોને મિત્રતાથી, સુદામાને લોભથી, હાથીને જીવનથી, ધૃવને તપથી, પ્રહલાદને નિશ્ચયથી, પૂતનાને વૈરભાવથી, નારદને કિર્તનથી પ્રભુ પ્રાપ્તિ થઇ તે સર્વે ઉપનિષદ્ વિદ્યા બ્રહ્મ પ્રાપ્તિ કરાવનારી છે.
લોમશ ઋષિ કહે : અશ્વપાટલ રાજા તે અહિં સોમયાગ કરી દિવ્યમૂર્તિ અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીકૃષ્ણવલ્લભની પ્રાપ્તિ કરી તે પણ ઉપનિષદ્ વિદ્યા છે. સર્વ યજ્ઞમાં જો પ્રભુની ભક્તિ ન હોય તો તે મોક્ષ આપતા નથી. સતી, સાધ્વીઓ, બ્રહ્મચારી, સાધુઓ સર્વે માયિક પંચવિષયના દ્વાર બંધ કરી બ્રહ્મદ્વાર ખોલે છે. રાજા કહે: દ્વાર બંધ કેમ કરવા, અને તેનું ફળ શું ? લોમશ ઋષિ કહે : હાલવું, ચાલવું, સ્પર્શ, સૂંઘવું, સાંભળવું, ચોકમાં બેસવું, અસત્ય સંકલ્પ વગેરે ઇન્દ્રિયો અંત:કરણની જે ક્રિયા છે, તે સર્વે ભક્તિમય ભગવાન પરાયણ કરવાથી માયિક પંચવિષયના દ્વાર બંધ થાય છે. તેનું ફળ આત્મામાં રહેલા અમૃતરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. સૂર્યના તાપથી પાણી સૂકાઇ જાય છે. તેમ માયિક દ્વાર બંધ કરવાથી ઇન્દ્રિયોની વૃત્તિઓ લય પામે છે.