ભાગ · અધ્યાય ૪૮

ઇડા, પીંગલા, સુષુમ્ણા ત્રણેય બહેનો બાલપ્રભુના દર્શને આવી

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના સાતમાં વર્ષમાં ચૈત્ર માસમાં નારદજીએ પોતાની ત્રણે બહેનોને કહ્યું, પૃથ્વીમાં પ્રભુ પ્રગટ થયા છે તેના દર્શન કરવા હું રોજ જાઉં છું. બ્રહ્માજીની કન્યાઓ ઈડા, પીંગલા, સુષુમ્ણા ત્રણે બહેનો કહે : તે પ્રભુ કેવા છે ? નારદ કહે : સત્યલોકથી પર પૃથ્વીનું આવરણ, પછી જળનું, પછી તેજના આવરણમાં વૈરાજ લોક, તેથી પર મહાવિષ્ણુનું ધામ, તેથી પર પ્રધાનપુરુષનું અવ્યાકૃત ધામ, જેમાં ભૂમાપુરુષ રહે છે. તેથી પર લક્ષ્મીનારાયણનું વૈકુંઠ, તેથી પર ગોલોક જેમાં રાધિકાપતિ શ્રીકૃષ્ણ રહે છે. તેથી મુક્તોથી સેવાયેલું અક્ષરધામ. તેનાથી પર પરમધામમાં રહેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ તે અશ્વપટ સરોવરકાંઠે કુંકુમવાપી ક્ષેત્રમાં પ્રગટ થયેલા છે. નારદના મુખેથી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયાની વાત સાંભળી ત્રણે બહેનો પૂજાની સામગ્રી વગેરે તૈયાર કરી, પિતાને પગે લાગી વિમાનમાં બેસી બદ્રિકાશ્રમ, કુરુક્ષેત્ર, પુષ્કર વગેરે તીર્થો કરી, પૂર્ણિમાએ સાંજે ચંદ્રોદય સમયે કુંકુમવાપી ક્ષેત્ર આવ્યા. દિવ્ય અશ્વપટ સરોવર, લોમશ ઋષિનો આશ્રમ વગેરે જોઇને આનંદ પામ્યા. પછી અશ્વપટ સરોવરકાંઠે વિમાન ઉતારી, બાલકૃષ્ણને ભવને ગયા. ત્યાં બહેન સંતોક તથા ભાઇ ભગવાન આવ્યા અને બ્રહ્મપુત્રીઓને પ્રભુ પાસે લઇ ગયા. ત્રણે બહેનોએ માતા કંભરાલક્ષ્મી અને પિતા ગોપાલકૃષ્ણને પગે લાગી પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણની ષોડ્શોપચારથી પૂજા કરી. સુવર્ણના વસ્ત્ર, અલંકારો ધારણ કરાવ્યા, મુગટ, કુંડળો, બાજુબંધ પોંચી, કડાં, વેઢ, વીંટીઓ, સોનાના, તોડાં, ઘુઘરીવાળા સોનાના હાર, હીરાના હાર, મોતીના હાર, બરાસકપૂરના હાર, પુષ્પોના હાર વગેરે કંકુ, ચોખાથી પૂજન કરી, કાજળ આંજી, ધૂપ-દીપ, નૈવેદ્ય, મિષ્ટાન્ન ધરી, દૂધપાક, પેંડા ધરી આરતી કરતા હતા.

પછી સ્તુતિ કરી, હે અનાદિશ્રીકૃષ્ણનારાયણ આજ તમારા દર્શન કરી અમે ધન્ય થયા. આ જ અમારો જન્મ સફળ થયો. આ જ અમારું બ્રહ્મચારીપણું, કુમારીપણું સફળ થયું. એમ કહી બાલકૃષ્ણનું ચરણામૃત લીધું. પછી પ્રસાદ ભોજન કરી રાત્રે સૂતા. સવારે જાગી અશ્વપટ સરોવરમાં સ્નાન કરી. લોમશ ઋષિ પાસેથી “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા” એ મંત્ર માળા ગ્રહણ કરી આશ્રમમાં રહેલી દિવ્ય લાખો કન્યાઓનાં દર્શન કરી, બાલકૃષ્ણ પ્રભુ પાસે આવ્યા. તે સમયે શ્રીહરિએ ઈડા, પીંગલા, સુષુમ્ણા ત્રણ બહેનોને દિવ્ય કિશોર સ્વરૂપે દર્શન આપી, તેના મનોરથ પૂર્ણ કર્યા. પછી ત્રણે બહેનોએ પ્રભુને પગે લાગી કહ્યું, અમે પિતાની આજ્ઞા લઇ ફરી દર્શને આવશું. એમ કહી પ્રભુની પ્રસાદી હાર વગેરે લઇ વિમાનમાં મૂકી અશ્વપટ સરોવરને, કુંકુમવાપીને, બાલકૃષ્ણ ભવનને નમસ્કાર કરી જય જય શબ્દ બોલી વિમાનમાં બેસી આકાશમાં અદૃશ્ય થયા. આ અધ્યાયની કથા જે કહેશે, સાંભળશે તે ભક્તિના ભાગ્યવાળો થશે.