ભાગ · અધ્યાય ૨૫૦

ત્યાગમાર્ગનું ફળ શું ? - કોના આશ્રયથી મોક્ષ થાય ?

અશ્વપાટલ રાજાએ પૂછ્યું : ત્યાગમાર્ગથી શું ફળ થાય ? ગુરુ તમે પણ હર્ષશોકને તો પામો છો કે નહી ?

લોમશ ઋષિ કહે : શ્રીહરિમાં સર્વ અર્પણ કરવું તે સર્વોત્તમ ત્યાગ છે. તેથી સર્વત્યાગ કનિષ્ટ છે. પ્રભુ પ્રસન્નતાથી આત્મસુખનો પ્રત્યક્ષ લાભ થાય છે. તેથી હું મારા આત્મામાં રહેલા પરબ્રહ્મ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રત્યક્ષ ઉપાસના કરૂં છું. તે શ્રીકૃષ્ણવલ્લભ લક્ષ્મીપતિ, સત્પુરૂષોનાપતિ, મુક્તપતિ, બ્રહ્મપ્રિયાપતિ, આત્મપતિ, વિદ્યાપતિ તે સર્વપતિ છે. તેની ઉપાસના ભક્તિ મારા આત્માથી કરવાથી હું દેહથી હર્ષ-શોક પામું છું. પણ મારા આત્મામાં હર્ષશોક પ્રવેશતા નથી. તેજ રીતે માર્કંડેય મુનિ, સનત્કુમાર, નારદ, સ્વયંપ્રકાશ, શંકર, કપિલ વગેરે જાણે છે. તે પૃથ્વીમાં જલકમળની જેમ નિર્લેપ રહે છે. બીજાઓ સ્વાર્થથી ભરેલા લેપવાળા છે. અમે સંત સતત નારાયણના ભજન પરાયણ રહેતા હોવાથી અમને ચિંતા રોગ થતો નથી. જે ચિંતા દેહધારી આત્માઓને સદા જીવતા બાળ્યા જ રાખે છે. માટે હે રાજા, તું પણ શ્રીહરિના ભજન ભક્તિ પરાયણ થઇને અમારી જેમ નિર્લેપ થા. રોગનું મૂળ વાસના છે. તે નારાયણમાં અર્પણ કરવી. નારાયણ ધન્વંતરીને ચિંતારોગની નાડી અર્પણ કરવી. શુષ્કજ્ઞાનથી નિરામય નથી થવાતું પણ પ્રભુમાં અર્પણ ભક્તિથી નિરામયતા થાય છે. પ્રભુએ આપેલા જ્ઞાનકર્મથી સર્વ પ્રભુમય કરવાથી તથા એકાત્મપણે વર્તવાથી અમે જ્ઞાનવાળા ભવરોગથી રહિત છીએ. વાદવિવાદ કરનારા, મોહમાં પડેલા, તમોગુણીજનો ભવરોગથી રહિત થતા નથી. યજ્ઞ, દાન, અભ્યાસ, સંપત્તિ, કુટુંબ સર્વ પ્રાપ્ત કરીને જો તે સર્વે સાધનથી શ્રીહરિની ભક્તિ કરીને મોક્ષ ન મેળવ્યો તો તે સર્વ ધિક્કારને પાત્ર છે. વૈરાગ્યથી વનમાં રહ્યો, નિસ્પૃહ રહ્યો સર્વદુ:ખ સહન કર્યાં પણ જો ભક્તિ ન કરી, આત્મા પ્રભુને અર્પણ ન કર્યો તો સર્વ નિષ્ફળ છે. જેને પ્રત્યક્ષ પરબ્રહ્મ શ્રીહરિમાં શ્રધ્ધા થઇ તેનો જન્મ, કર્મ, વિદ્યા, સર્વ સફળ થયા.

અશ્વપાટલ રાજાએ પૂછ્યું : હે ગુરુ, સર્વે મનુષ્યો ધર્મ, અર્થ, કામને ઈચ્છે છે. તેમાં કેટલાંક મોક્ષની ઈચ્છા રાખે છે, તે કોના આશ્રયથી મોક્ષ થાય છે ?

લોમશ ઋષિ કહે : સર્વ સંકલ્પ કામના દુ:ખ, દોષથી ભરેલા છે. અર્થ સંપત્તિમાં પણ દુ:ખ રહેલું છે, તે શાંતિ આપનારા નથી. ધર્મ એક મનુષ્યને શાંતિ સુખ સ્વર્ગ અને મોક્ષ આપે છે. તેમાં સકામ ધર્મ ભાવનાવાળા સ્વર્ગને પ્રાપ્ત કરે છે અને નિષ્કામ ધર્મવાળા શ્રીહરિના ભક્તો પરમપદને પામી શાશ્વતસુખને મેળવે છે. તેથી ધર્મથી તપથી સર્વ પ્રાપ્ત થાય છે.