શ્રીબાલકૃષ્ણ પ્રભુ દ્વારા સામુદ્રિક માત્રાગસ્કર રાક્ષસનો ઉદ્ધાર
આ અધ્યાય 45–46 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, મુરશેષદ્વિપમાં માત્રાગસ્કર, દૈત્ય, ગદા, લઇને ઊભો હતો. પર્વત સમાન ઊચો, સમુદ્ર તેને ગોઠણ સુધી થતો. માંજાલીકાનો પુત્ર સમુદ્રમાં રહેતો. મોટાં માછલાં ખાતો. શ્રીરાધા કહે : પ્રભુ માંજાલીકા કોણ હતી ? શ્રીકૃષ્ણ કહે : સૌરાષ્ટ્રમાં તલાજા રાક્ષસીની દાસી અજા નામે હતી. તે વનમાં રખડતી પશુ હિંસા કરી માંસ ભોજન કરતી. એકવાર સોમનાથ તીર્થમાં ગઇ. ત્યાં કથામાં સાંભળ્યું કે, નારાયણ ભજન કરવાથી, પ્રભુનું સ્મરણ, કિર્તન કરવાથી કલ્યાણ થાય છે. તે પરમાત્માએ સર્વના સુખ માટે ઈન્દ્રિયો, અંત:કરણ, શરીર, ભોગ, વિષયો, પદાર્થ સર્વ નિર્માણ કરેલું છે. પ્રભુમાં સ્નેહવાળા દેવ થાય છે. મદ્યમાંસ, હિંસા પરાયણ રહેનારા દૈત્યો રાક્ષસો થાય છે. આત્મા દેવ નથી, રાક્ષસ નથી. કર્મથી દેવ-દાનવ અને માનવ કહેવાય છે. નારી દેહ અશુદ્ધ હોવા છતાં નારાયણનો આશ્રય કરવાથી સંસાર દુ:ખને તરી જાય છે. પહેલા કર્મથી રાક્ષસ થાય છે. પછી દેહેથી પણ રાક્ષસ થાય છે. સત્ય, અહિંસા, દાન, પરોપકાર, વ્રત, સંતોષ, તપ, પવિત્રપણું, વૃદ્ધ સેવાઓ, આ સર્વે સ્વર્ગ સમાન સુખ આપનારું છે. મળ-મૂત્રથી ભરેલા આ શરીરથી જો ભગવાનનું ભજન ન થયું. ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત ન કર્યું તો ગયેલા દિવસો ફરી પાછા આવતા નથી અને આત્માને વારંવાર જન્મ-મરણમાં આવવું પડે છે.
તે રાક્ષસી આવી કથા સાંભળીને મન વાણી શરીરથી શ્રીહરિનો આશ્રય કરી કૃષ્ણનારાયણનું ભજન કરવા લાગી. પછી સોનાયન ઋષિએ તેને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા” એ મંત્ર અને કંઠી આપી. તે કૃષ્ણ ભજન કરતી તલાજા રાક્ષસી પાસે આવી, તેનું દાસીપણું કરતી. એકવાર વનમાં તેને ફળફૂલ વીણતી જોઇને સમુદ્રનો રાક્ષસ ઝાંઝીવર મુરાલય ટાપુમાં ઉપાડી ગયો અને તેની સાથે લગ્ન કર્યા. તેનો પુત્ર થયો તે માત્રાગસ્કર. તે યુવાન થતાં એકવાર જલમાનવ સ્ત્રીને સમુદ્રમાંથી ઉપાડી લાવ્યો. જળમાં રહેનારી તેણે સ્થળમાં રહેવાથી રોગ થયો તેથી પીડાવા લાગી. તેથી આ રાક્ષસ માત્રાગસ્કર પત્નીને મારપીટ કરવા લાગ્યો. તેની મા માંજાલીકાએ ના પાડી, બેટા સ્ત્રીને તાડન ન કરાય. દયા રાખી તેનું રક્ષણ કર. રાક્ષસપણાનો ત્યાગ કરી મદ્યમાંસનો ત્યાગ કરી અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું ભજન ભક્તિ કર તો તારો ઉદ્ધાર થશે, મેં પણ પૂર્વે કથા સાંભળીને દુષ્ટ વૃત્તિનો ત્યાગ કરી પ્રભુને ભજ્યા છે તો હું રાજ્યને પામી સુખી થઇ છું. માટે તું પણ આસુરી વૃત્તિનો ત્યાગ કરી પ્રભુનું ભજન કર. શ્રીકૃષ્ણ કહે : રાધા, લીંબડાને સાકરનું પાણી પાય તો પણ લીંબડો કડવો જ થાય. તેમ આસુરી જીવને આપેલો અમૃત ઉપદેશ ઝેર રૂપ બને છે. તેમ અતિ ક્રોધ પામેલો રાક્ષસ માત્રાગસ્કર લાકડી લઇને માતાને અને પત્નીને મારવા લાગ્યો અને દોરડેથી બાંધી સમુદ્રમાં નાખી આવ્યો.
માંજાલીકા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્મરણ કરવા લાગી. પ્રભુએ તરત આવી ગરૂડ પર બંનેને બેસાડીને તેના ઘેર પહોંચાડ્યા. રાક્ષસના પિતાએ આ વૃતાંત જાણીને વિચાર્યું આ પુત્રને મારી નાખવો જોઇએ. માત્રાગસ્કરે મૃત્યુના ભયથી ભાગી અને સમુદ્રના ટાપુમાં વાસ કર્યો. તે ટાપુ તેના માત્રાગસ્કર નામનો થયો. તેના પિતાના નામે જે રાજ્ય હતું તે તેના ઝાંઝીવર નામે દેશ થયો અને અનાદિશ્રીકૃષ્ણનારાયણે માજાનું રક્ષણ કરવાથી તેના નામે જે દેશ થયો તે માંજાલીકા નામે પ્રસિદ્ધ થયો. શ્રીકૃષ્ણ કહે : રાધા, એ રીતે મ્લેચ્છ એવા દૈત્યો અને રાક્ષસો પણ પ્રભુનું ભજન કરે તો પૂજ્યપણાને પામે છે.
રાક્ષસ માત્રાગસ્કર તે રણંગમ રાજા સામે ગદા લઇ યુદ્ધ કરવા આવ્યો. તે બંનેનું અસ્ત્ર-શસ્ત્રથી ભયંકર યુદ્ધ થયા પછી લક્ષ્મણ આર્યે અનાદિશ્રીકૃષ્ણનારાયણને સંભાર્યા. પ્રભુએ આવી પોતાના પાર્ષદ તેજસ્વી પુરુષથી રાક્ષસને બાળી નાંખ્યો. દસ યોજનમાં તેની ભસ્મ પડી તે તેના નામનો દેશ થયો. પછી સર્વ વિમાનમાં બેસી કુંકુમવાપી આવ્યા. કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણના દર્શન કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ષોડ્શોપચારથી પૂજન કરી વસ્ત્ર અલંકારો ધારણ કરાવી લક્ષ્મણઆર્યે પોતાની બે હજાર કન્યા પ્રભુને અર્પણ કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને તે સર્વ કન્યાઓને તથા પાંચસો કુમારોને લોમશ ઋષિ પાસે “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર આપી ઉપદેશ અપાવ્યો. સર્વાર્પણ, વિશ્વાસ, મહિમા, ભાવના, સ્મરણ અને આત્માનું હેત આ છ વાના પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા છે. વૃદ્ધ સેવામાં ઉત્સાહ, કર્તવ્ય, ન્યાય, મમતા રહિત, સરલતા આ છ પુણ્ય વધારનારા છે. દેવદર્શન, વિવેકદર્શન, ધ્યેયદર્શન, ફળદર્શન, અવિઘ્ન દર્શન, સંતદર્શન આ છ મુક્તિ અપાવનારા છે. ગુણ ગ્રહણ, ગુણ આપવા, ગુણ દૃષ્ટિ, ગુણમાં જોડવા, ગુણતત્ત્વમાં આનંદ માનનારા, અગુણમાં ઉદાસ રહેનારા આ છ આત્માને નિર્મળ કરી પરમાત્મામાં જોડનારા છે. લોમશ ઋષિ પાસેથી આ ઉપદેશ ગ્રહણ કરી રાજા અને લક્ષ્મણઆર્ય પોતાના કુટુંબ સાથે દેશમાં ગયા.