ભાગ · અધ્યાય ૨૩

સોળ પ્રકારનાં ધર્મનું જ્ઞાન - વાસના નિવૃત્તિ ઉપાય ❖ રાક્ષસોનો ઉદ્ધાર

શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રહલાદના ઉપદેશથી સર્વે દૈત્યો, દાનવો, અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શનને ઈચ્છતા હતા. તે સર્વેએ ચ્યવનઋષિને પૂછ્યું, આલોક- પરલોકમાં કલ્યાણકારી ક્યું સાધન છે ? ઋષિ કહે : ધર્મ અને પૂણ્ય આલોક પરલોકમાં સુખદાયી છે. ધર્મ પરમાત્માની શાંતિ આપે છે. પૂણ્ય આત્માની શાંતિ આપે છે. યજ્ઞક્રિયા, શાસ્ત્રોનો અભ્યાસ, પ્રભુનું પૂજન આ મનુષ્યનો ધર્મ છે. પૂજા ગ્રહણ કરી ભક્તોની રક્ષા કરવી તે દેવોનો ધર્મ છે. બાહુબળથી યુદ્ધ કરવું, વંદન શરણાગતિ તે પ્રાપ્તિ તે દૈત્યોનો ધર્મ. બ્રહ્મ ચિંતન કરી યોગથી સિદ્ધિ મેળવી ભક્તિ ઉપાસના શાંતિ મેળવવી તે સિદ્ધોનો ધર્મ. ગંધર્વોને ગીત નૃત્યધર્મ. વિદ્યાધરોને વિજ્ઞાન વિદ્યાધર્મ. કિન્નરોને સૂર્ય ભક્તિધર્મ. સત્ય તપ જપ દયા ક્ષમા તે ઋષિધર્મ. ત્યાગી સતિ સાધ્વીઓને સ્વામિની સેવા અને અનાદિશ્રીકૃષ્ણનારાયણમાં સર્વે અર્પણ કરે તે ધર્મ. બીજાને દબાવી લઇ લેવું તે રાક્ષસોનો ધર્મ. અપવિત્ર, અસત્ય, અવિવેક તે પિશાચનો ધર્મ. આ સોળ પ્રકારના ધર્મો છે. તેથી પ્રભુની પૂજા, તપ, પરોપકાર, અહિંસા, સંતોષ, શ્રીહરિનો જપ આટલા ધર્મ કોઇ પણ મનુષ્ય ગ્રહણ કરે તો તે શાશ્વત શાંતિને પામે છે. પછી સર્વે દૈત્યો, દાનવો, પત્ની, પુત્રને સાથે લઇ ચ્યવન ઋષિ સાથે અશ્વપટ સરોવર, કુંકુમવાપી અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા આવ્યા. સર્વે લોમશ ઋષિના આશ્રમે આવી લોમશને પગે લાગ્યા. લોમશ ઋષિએ સર્વને સ્નાન ભોજન પાન આરામ કરાવ્યા.

ચ્યવનઋષિ કહે : આ લોમશ ઋષિની સેવાથી તમારા પાપના પુંજ બળી જશે. સાધુના દર્શનથી, સ્પર્શથી, સેવાથી, પાપ નાશ પામે છે. માટે સંત પુરુષને ભોજન, વસ્ત્ર-દાન આપી સંતોષ પમાડવા. શરીર, વાણી, મનથી બ્રહ્મનિષ્ટ સંતની સેવા મુક્તિ અપાવે છે. અહં અને મમતા વાસના તૂટે છે. આ મારું રાજ્ય નથી. આ મારા પતિ-પત્ની પુત્રો કુટુંબી નથી એમ માને, એટલે વાસના નિવૃત્તિ પામે છે. માટે હે દૈત્યો તમે આ લોમશ ઋષિના યોગથી અને અશ્વપટ સરોવરમાં સ્નાન કરવાથી પવિત્ર થયા છો, અને પ્રભુનો મંત્ર ગ્રહણ કરવા યોગ્ય થયા છો. પછી સર્વે દૈત્યો, દાનવોએ લોમશ ઋષિના ચરણ ધોઇ પાણી પી મંત્ર “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિને સ્વાહા” ગ્રહણ કરી તુલસીની કંઠી, માળા ધારણ કરી. મંત્ર જપ કરતા હતા. સાંજે અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા સર્વે ચ્યવનઋષિ સાથે આવ્યા. પ્રભુ પારણિયામાં પોઢ્યા હતા. કંભરાલક્ષ્મી, ગોપાલકૃષ્ણે, લોમશ ઋષિએ ચ્યવનઋષિનું શિષ્યો સાથે સ્વાગત કર્યું. સર્વેએ બાલકૃષ્ણના દર્શન કર્યા. પ્રભુની મૂર્તિમાં પ્રહલાદ, શુક્રાચાર્ય, કશ્યપ, દેવો, ઇશ્વરો, અવતારો, અનંત સૃષ્ટિઓના દર્શન થવા લાગ્યા. તે જોઇને દૈત્ય કન્યાઓ પાંચ હજાર પ્રભુને વરતી હતી.

આવું પરમ આશ્ચર્ય જોઇ સર્વે બાલકૃષ્ણ પ્રભુની પૂજા કરી. ભેટ, સામગ્રી પ્રભુને અર્પણ કરતા હતા. પછી સર્વેએ અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનની સ્તુતિ કરી, હે પ્રભુ અમને તમારી ભક્તિ આપી, તમારા ચરણમાં વાસ આપજો. શ્રીહરિ કહે : તથાસ્તુ. તે સમયે દશ હજાર દૈત્યોએ વૈકુંઠધામમાં જવા ઈચ્છા કરી. પ્રભુએ તેઓને વૈકુંઠમાં મોકલ્યા. શ્રીકૃષ્ણ કહે : રાધા બીજા વર્ષના શ્રાવણ માસમાં આ અદ્ભૂત ચરિત્ર થયું. પછી પ્રહલાદ વગેરે દૈત્યો દાનવો રસાતલમાં ગયા. પ્રહલાદ ચિરંજીવી ભક્ત થયા.