ભાગ · અધ્યાય ૨૫૧

આત્મા પાપવાળો કેમ થાય છે ? - મુક્તિ કેમ થાય છે ?

અશ્વપાટલ રાજાએ પૂછ્યું : ધર્મવાળો શુધ્ધ આત્મા, રાગવાળો અને પાપવાળો કેમ થાય છે ? પછી મુક્તિ કેમ થાય અને મુક્તિ થયા પછી ક્યાં વાસ કરે છે. ત્યાં કઇ રીતે રહે છે અને પાછો અહીં કેમ આવતો નથી ?

લોમશ ઋષિ કહે : સચ્ચિદાનંદ એવો આત્મા માયાના સંગથી અવિવેકથી પાપવાળો થાય છે. ઇન્દ્રિયોથી અંત:કરણથી માયાના પંચવિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધમાં અજ્ઞાનથી રાગ થાય છે ત્યારે પાપ કરવા પ્રયત્ન કરે છે. ઈચ્છેલી વસ્તુ નથી મળતી એટલે દ્વેષ થાય છે. તેથી ધર્મનાશ કરનારા લોભ અને મોહથી તે જીવાત્મા દુ:ખી થાય છે. અધર્મથી, અનેક દોષથી આત્મા અશાંતિવાળો થાય છે. તેથી આલોક પરલોકમાં સુખ પામતો નથી. વારંવાર અનેક યોનિમાં જન્મો ધરીને અતિ દુ:ખી થાય છે. જ્યારે સત્સંગથી પુણ્યથી ધર્મથી નારાયણનો આશરો કરી સત્કાર્યો કરે છે. ત્યારે તે વિવેકથી જ્ઞાનથી માયાના સર્વે દુર્ગુણોને તજે છે અને સેવા, ધૂન, કિર્તન, તપ, યજ્ઞ, દાન, દેવ, પૂજા વગેરે અનંત પ્રભુ પ્રસન્નતાના સાધનોથી સાધુ આચારવાળો થાય, ત્યારે આ જીવાત્મા શુધ્ધ ધર્મવાળો થાય છે ત્યારે આલોક, પરલોકમાં સુખ મેળવે છે.

હે રાજા, એ રીતે ધર્મફળ પ્રાપ્ત કરીને જીવાત્માને વિવેકજ્ઞાન પ્રગટે છે ત્યારે તેને માયિક પંચવિષયમાં અરૂચિ વૈરાગ્ય થાય છે અને પ્રભુમાં પ્રીતિ ભક્તિ થાય છે, ત્યારે તેને જગતના કોઇ વસ્તુ પદાર્થમાં મોહ થતો નથી. તેથી તેમાં તેને બંધન થતું નથી. પછી સત્પુરૂષના પ્રસંગથી રોજ મોક્ષ માટે પ્રયત્ન અભ્યાસ કરે છે. વ્યર્થવાર્તા પ્રસંગનો ત્યાગ કરી સતત બ્રહ્મચિંતન કરતો હોવાથી પરમમોક્ષ જે વૈકુંઠ ગોલોક અક્ષરધામ અને પરમધામને પ્રાપ્ત કરી, બ્રહ્મધરામાં સ્નાન કરી દિવ્યરૂપે શ્રીહરિ જેવો થાય છે. પછી ધામમાં દિવ્યરૂપે પ્રભુ પાસે રહી અનેક સ્વરૂપે અનંત દિવ્ય ભોગને ભોગવે છે. સર્વે રસ, સુગંધ, આનંદ, સુખ, પ્રભુ સાથે ભોગવે છે. સર્વ સિધ્ધિવાળો, ઐશ્વર્યવાળો થઇને પોતાના હાથમાં સર્વસૃષ્ટિને દેખે એવો સમર્થ થાય છે. તે મુક્ત જ્યાં જાય ત્યાં સર્વ સામર્થી સાથે હોય છે. તે મુક્તના સંગથી માયા સર્વે તત્વો દિવ્ય થાય છે. તો દેવ અને મનુષ્યની તો વાત જ શી કરવી. તે મુક્તના દર્શન-સ્પર્શથી સેવાથી, સંગથી, નરનારીઓ મુક્ત સ્થિતિ મેળવે છે.

માટે હે રાજા, માયાના દોષને જીતવા, ક્ષમાથી ક્રોધને જીતવો, ભોગ નહીં કરી કામને જીતવો. તપથી આહારને, વિવેકથી ભયને, આત્માના અભ્યાસથી મૃત્યુને, ધીરજથી ઈચ્છા દ્વેષ-મોહને, સંતોષથી લોભને, ધર્મથી મોક્ષને, અનિત્યથી સ્નેહને, ધ્યાનથી નિદ્રાને, મૌનથી વાણીને, વિદ્યાથી મનને, શાસ્ત્રોથી સંશયને, જ્ઞાનથી તમોગુણને, આત્મનિષ્ટાથી જ્ઞાનને, પરમેશ્વરને આત્મા અર્પણ કરવાથી આત્માને જીતવો. ત્યારે માયાના સર્વદોષો નાશ પામીને બ્રહ્મલોકનો પ્રકાશ અને સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે, પરમાત્માનું વિજ્ઞાન વધે છે, અક્ષરપદથી પ્રાપ્તિ થાય છે. શ્રીહરિના આશ્રયથી ધામને પામવાનો આ માર્ગ નિર્વિઘ્ન છે. માટે હે રાજા, તૃષ્ણારોગનો ત્યાગ કરી સંતોષ, શાંતિ, ભક્તિ, સેવા સમર્પણ, ગુણ ગ્રહણ કરીને બ્રહ્મધામની પ્રાપ્તિ કરવી. મૃત્યુ કોઇની પણ રાહ જોતું નથી કે, કેટલું કામ કર્યું કેટલું બાકી છે. બ્રહ્મબળવાળો, ભક્તિબળવાળો મૃત્યુને તરી જાય છે. સત્સંગરૂપી વાહનમાં બેસીને પ્રભુને સારથી બનાવીને મૃત્યુને તરી પરમધામમાં જાય છે. માટે અનાદિશ્રીકૃષ્ણનારાયણના ચરણકમળનો આશ્રય કરી પરમ તૃપ્તિ મેળવવી.