ભાગ · અધ્યાય ૧૧

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો કર્ણવેધ સંસ્કાર - તન્નવાયઆશ્રમ તીર્થ

શ્રીકૃષ્ણ કહે : રાધા, માતાથી પોષણ પામતા માતા-પિતાને આનંદ આપતા અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલચંદ્રની જેમ વૃદ્ધિ પામતા હતા. પ્રભુના દર્શન કરનારા પોતાને પુણ્યશાળી માનતા. યોગીઓ ઇશ્વર છે એમ કહેતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણને છઠ્ઠે મહિને પિતા લોમશ ઋષિને બોલાવી કર્ણવેધ સંસ્કાર કરાવતા હતા. અશ્વિનીકુમારનું પૂજન કર્યું ત્યાં સાક્ષાત્ અશ્વિનીકુમારે આવી બાલપ્રભુના બંને કાનમાં દવા-રસ લગાવી, સોનાની સોઇથી કાન વીંધ્યા. ત્યાં સોઇ દેવી આવી. માતા-પિતાને, પ્રભુને નમસ્કાર કરી બોલી, આજ મને નારાયણનો સ્પર્શ થવાથી હું માયાથી રહિત થઇ. હે માં હું બ્રહ્માની માનસપુત્રી સુચી છું. કાંટારૂપી દૈત્યોનો નાશ કરું છું. બ્રહ્માના પુત્ર વિશ્વકર્મા તેનો પુત્ર દરજી તે મારો સાસરો થાય. દોરાની સાથે મને પરણાવી છે. સાંધવાનું કામ કરું છું. કારણ દેવતારૂપે રહી ભૌતિક કાર્યો કરું છું. પછી શ્રીહરિએ તેને કુટુંબ સહિત અશ્વપટ સરોવર કાંઠે વાસ આપ્યો. તે તન્નવાય આશ્રમ તીર્થ થયું.

પછી ચૈત્રી પૂર્ણિમાએ માતા-પિતાએ લોમશ ઋષિને બોલાવી બાલપ્રભુને અન્નપ્રાશન દહીં, ઘી, મધ, મુખમાં આપતા હતા. તે સમયે કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણ લોમશ ગુરુને, બ્રાહ્મણોને, અતિથીને, ગરીબોને, સતિને, સાધુને, સાધ્વીને, કન્યાને, કુમારોને સર્વને ભોજન કરાવતા હતા. પશુ-પક્ષીને, વૃક્ષ-વેલને, પાણીમાં વાસ કરનારા સર્વ જીવજંતુને અન્નકણ આપતા હતા. સર્વને યથાયોગ્ય દાન, વસ્ત્ર, પાત્ર વગેરે દાન આપતા હતા. તે સમયે ત્યાં રહેલી સર્વ ઔષધિઓ બાલપ્રભુને જમાડવા ત્યાં આવી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ પણ લાખ સ્વરૂપ ધારણ કરી. સર્વેના ભોજન અંગિકાર કરતા હતા. તે સર્વ ઔષધિઓ, વન દેવીઓ, બાલપ્રભુને ખોળામાં બેસાડી ભોજન કરાવી, પૂજન કરી, ચૂંબન કરી, આનંદ પમાડતી હતી. પછી સર્વ દેવીઓએ સ્તુતિ કરી, હે પ્રભુ તમે અમારા પ્રાણ છો, પરમાત્મા છો, રસ બળ પણ તમે છો. ફળ-ફૂલ, પત્ર, પુષ્પ, ગર્ભ મંજરી, સર્વ તમે છો. મૂળ મધ્ય શાખા અંકુર સર્વ તમે છો. ભોક્તા, ભોજય તમે છો. સૃષ્ટિનું પાલન, રક્ષણ, પોષણ અને લય કરનારા સર્વે તમે છો. હે પ્રભુ, અમને સદા સેવામાં રાખો. પ્રભુએ પ્રસન્ન થઇ તે સર્વ દેવીઓના કન્યાના રૂપો ધારણ કરાવીને લોમશ ઋષિના આશ્રમમાં વાસ આપ્યો. બીજે રૂપે ઔષધિઓમાં વૃક્ષવેલીમાં ફળ પુષ્પોમાં વાસ આપ્યો.

પુત્રના ચમત્કાર ઐશ્વર્ય લોમશ ઋષિ પાસેથી જાણી ગોપાલ પિતા વિચારવા લાગ્યા, આ બાળક કોઇ દિવ્ય પુરુષ છે. પછી લોમશ ઋષિને પૂછ્યું, આ બાળક રાજા થશે કે મોટો દેવ થશે. ગુરુ થશે કે મહાત્યાગી, શું થશે તે કહો ? લોમશ ઋષિ કહે : તમારા પુત્ર પાસે વસ્ત્ર, ધન, પાત્રાદિ મૂકો એટલે જાણી શકાય. પછી પિતાએ બાલપ્રભુ પાસે વસ્ત્ર, પાત્ર, આયુધ, ધન, ગ્રંથ, લેખિની, લાકડી, દર્ભ, હીરો, માળા, અન્ન, યશપાત્ર, સોપારી, દોરો, ફળ, શંખ, ભિક્ષાપાત્ર, જલપાત્ર, દર્પણ, લીલો મોલ, રમકડા, દીપ, છત્ર, પથ્થર, કાષ્ટ, ઘી, ઔષધ, પુષ્પ, લોઢું, પાદુકા, સોઇ, કલ્ગી વગેરે બત્રીશ વસ્તુઓ મૂકી પ્રભુએ બત્રીસ ભૂજા ધરી સર્વે વસ્તુનો સ્પર્શ કર્યો. લોમશ ઋષિ કહે : પૃથ્વી પર ચોસઠ કળાઓ છે. તે સર્વ પ્રભુથી પ્રગટ થયેલ છે. આ તમારા પુત્ર સર્વોપરી પરમાત્મા છે. સર્વ ગુરુના ગુરુ છે. પછી પ્રભુએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી પુસ્તક, માળા, લેખિની અને દાભડો ધારણ કર્યાં, અને પછી બે ભૂજાવાળા થઇને માળા કંઠમાં નાખી પુસ્તક ખોળામાં રાખી પુષ્પ લઇને સૂંઘવા લાગ્યા અને હસતા થકા સર્વને આનંદ ઉપજાવવા લાગ્યા. શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના ચરિત્રો ભુક્તિ અને મુક્તિ આપનારા છે.