ભાગ · અધ્યાય ૨૧૩

રાયલંબાર રાજાની કિમુવક્રાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, રાયલંબાર રાજા રૂપર્તુ ઋષિ સાથે આવી પોતાની રાજધાની કિમુવક્રાપુરીમાં પધારવાની પ્રભુને પ્રાર્થના કરી. શ્રીહરિ કુટુંબ અને લોમશ ઋષિ સાથે વિમાનમાં બેસી સાંજે તે પુરીમાં પધાર્યા. રાજાપ્રજાએ પુષ્પ, ચંદન, ચોખાથી વધાવી શ્રીહરિનું સ્વાગત કર્યું. રાજમહેલમાં પધરાવી રાજારાણીએ પૂજા કરી રત્નો ભેટ કર્યા. છ રાજકન્યાઓએ શ્રીહરિને કંઠમાં વરમાળા પહેરાવી, દૂધપાક ભોજન કરાવ્યા પછી રાજાએ આચાર્ય કૃષ્ણવલ્લભને સૈન્ય સાથે રાજમાર્ગ પર નગરમાં ફેરવ્યા. પ્રધાનો, શ્રીમંતો નરનારીઓએ ફળફૂલથી પ્રભુની પૂજા કરી ભેટ આપી પછી રાજમહેલે આવી રાત્રે વિશ્રામ કર્યો. રાજકુટુંબે સેવા કરી. પ્રભુ સવારે જાગી નિત્યક્રમ કરી, દૂધપાન કરી યજ્ઞસ્થળમાં આવ્યા. બારસને દિવસે સભા કરી સર્વનું સન્માન કર્યું. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ અવતારોનું, ઇશ્વર-ઇશ્વરાણીઓનું, દેવ-દેવીઓનું, ઋષિમુનિઓનું સર્વનું સન્માન કરી ધન્યવાદ આપી કહ્યું, તમે સર્વે તમારા ધામ સ્થાન છોડીને યજ્ઞમાં આવ્યા તેથી અને યજ્ઞના સેવાકાર્યમાં રહ્યા તેથી હું પ્રસન્ન થઇને તમને આશીર્વાદ આપું છું કે, તમો સર્વે દિવ્યસિધ્ધિ, સમૃધ્ધિવાળા, ઐશ્વર્યવાળા થશો. હું તમને મારું દિવ્યજ્ઞાન, ભક્તિ, સેવા અને શાશ્વત સુખશાંતિ આપું છું.

એમ કહીને ભગવાન શ્રીકૃષ્ણવલ્લભાચાર્યે સર્વને સોના, ચાંદી, રૂપિયા, વસ્ત્ર, અલંકારો, પ્રસાદરૂપે પારિતોષિકો આપ્યા. એ રીતે નરનારી દાસવર્ગને પણ યથાયોગ્ય પારિતોષિકો આપ્યા. તથા શ્રીહરિએ સર્વે રાજાઓ પાસે યજ્ઞના વિપ્રો, આચાર્યોને, ઋષિઓને અનેક પ્રકારના દાન અપાવ્યા. પછી સર્વ મહેમાનોને બારસને દિવસે પારણાં, ભોજન કરાવ્યા. દૂધપાક, પુરી, મિષ્ટાન્ન, ભોજન કરાવ્યા. ઋષિને સાત્વિક ભોજન તથા સર્વને રાજસી ભોજન મિષ્ટાન્ન, ફરસાણ, દાળ-ભાત, શાક, સંભારા, અથાણાં, પાપડ વગેરે ખુબ જમાડી તૃપ્ત કર્યા. મુખવાસ આપ્યો. પછી પ્રભુએ કુટુંબ સાથે રાધા, રમા, લક્ષ્મી, સતી, પ્રભા, પાર્વતી, માણિકી, મંજુલા, અમૃતા, સગુણા, શારદા, હંસા, દુર્ગા, સરસ્વતિ વગેરે પત્નીઓ સાથે માતા પિતા લોમશ ઋષિ સર્વ સાથે ભોજન કર્યું. બપોર પછી સર્વ મહેમાનો પ્રભુને પગે લાગી વિદાય થયા. વિશ્વકર્માએ યજ્ઞમંડપની રચના સર્વે સંકેલી લીધી.