મહામારીના રોગમાં મરેલા પાપીઓનું શ્રીહરિ દ્વારા પુર્નજીવન
શ્રીકૃષ્ણ કહે : રાધા, સર્વે ગંગામાં સ્નાન કરી નરનારાયણ ભગવાન અને ઋષિમંડળના દર્શન કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી લોમશ ઋષિને પગે લાગ્યા. શ્રીહરિએ સર્વનો સત્કાર કરી આવવાનું કારણ પૂછ્યું, સર્વે સંત ભક્તોએ રૂદન કરતા કહ્યું, હે પ્રભુ અધર્મજીવ રાક્ષસનું વેર લેવા રાક્ષસીઓ આવી હતી. તેનો ભૈરવી મહામારીએ નાશ કર્યો. પછી ભૂખી થઇ શંકર પાસે નરમાંસ ખાવા માગ્યું. શંકર કહે : શ્રીહરિ વૈષ્ણભક્તો શિવભક્તોને તજીને પાપી અધર્મી નાસ્તિકોનો નાશ કરી ખાઇ જા. તેથી મહામારીએ કાળરૂપે લાખો માનવોને મારી નાખ્યા. માટે તમે જલદી આવી અમારું સર્વનું રક્ષણ કરો. સંતભક્તોની પ્રાર્થના સાંભળી શ્રીહરિ ઉદાસ થયા.
નરનારાયણ ભગવાને કહ્યું : પ્રભુ, આપની ઈચ્છા વિના કંઇ થતું નથી. તમે અહીં પધાર્યા કાર્તિકમાં યજ્ઞ થયો સર્વેને તમારા દર્શન થયા. આ હિમાલયમાં ગંગા વગેરે તીર્થો પાવન થયા એમ કહીને નરનારાયણ ભગવાન, ધર્મદેવ, ભક્તિમાતા, ઋષિ-મુનિઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી, આરતી, પ્રદક્ષિણા કરી. શ્રીહરિએ સર્વને આશિર્વાદ આપી અશ્વપટ સરોવર કુંકુમવાપી આવવાનું કહીને ત્યાંથી માગશર પૂનમે નીકળી વિમાનમાં બેસી સાંજે કુંકુમવાપી આવી શંકરને બોલાવી કહ્યું, હવે મહામારીનું નિવારણ કરો. શંકરે મહામારીને બોલાવી પ્રભુની આજ્ઞા સંભળાવી. સર્વે નાશ થતો અટકાવ્યો. શ્રીહરિ કહે : આજથી મારા આશ્રિતો કંઠી માળા, તિલક, ચાંદલો ધારણ કરનારા, વૈષ્ણવ ભક્તોને તારે કદી મારવા નહીં અને અત્યારે જે મર્યા છે તેને જીવતા કર. મહામારી કહે : પ્રભુ અમે કોઇને સજીવન કરવા સમર્થ નથી. તેથી શ્રીહરિએ મહામારીને કલ્પલતા આપી તેનાથી સર્વને સજીવન કર્યાં. ત્યારથી આરંભી સર્વે જનો વૈષ્ણવો થયા અને ભજન કરવા લાગ્યા. સર્વેને શંકરની આજ્ઞાથી મહામારી એ “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર આપી ભજન કરાવતી હતી. અનાદિશ્રીકૃષ્ણનારાયણની અસીમ કૃપાથી જીવતા થયેલા જનો પોષ, માઘ, ફાગણમાં શ્રીહરિને દર્શને આવતા હતા. પછી નરનારાયણ ભગવાન ધર્મદેવ, ભક્તિમાતા, ઋષિમાતા વગેરે શ્રીહરિના દર્શને આવ્યા તેમના કુંકુમવાપીમાં તીર્થો થયેલા છે.