શ્રીબાલકૃષ્ણ પ્રભુનો ચૌદમો જન્મજયંતિ મહોત્સવ
જયંતનગરમાં સંતારણ વિપ્ર પત્ની તરણિકા બે પુત્રી - એક પુત્ર સાથે શાલિગ્રામ વિષ્ણુની પૂજા કરી નવધા ભક્તિ સેવા કરતા હતા. પ્રભુને નૈવેદ્ય ધરી સર્વને પ્રસાદી આપી, ધૂન કિર્તન કરતા કરાવતા. એવા ભક્ત કુટુંબ પર પ્રસન્ન થયેલા પ્રભુએ અષાઢ સુદ એકાદશીએ જાગરણ કરતા ભક્તોને દર્શન દીધા. સુવર્ણના વસ્ત્ર-અલંકારો, મુગટ કુંડળથી શોભતા, છડી પાદુકાને ધારણ કરતા, મંદ મંદ હસતા શ્રીહરિ દિવ્ય દર્શન આપી સર્વને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર આપી માથે હાથ મૂકી અદૃશ્ય થયા. ત્યારથી રોજ સવારે આવી પૂજા ગ્રહણ કરતા. એમ કરતા અનાદિશ્રીકૃષ્ણનારાયણનો ચૌદમો જન્મજયંતિ મહોત્સવ આવ્યો. સંતારણ વિપ્ર પત્ની સંતાનો સાથે પ્રગટ પ્રભુના કહેવાથી સાતમે કુંકુમવાપી ક્ષેત્ર અશ્વપટ સરોવર આવી લોમશ ઋષિના માતાપિતા કંભરા ગોપાલના દર્શન કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણ, સર્વ સાધુ, સાધ્વી, કન્યાઓના દર્શન કરી પ્રભુનું પૂજન કરી, ભોજન કરી, રાત્રે જાગરણ ઉત્સવ સ્નેહથી ધૂન કિર્તન કરતા હતા. ત્યાં આકાશમાં વિમાનો જોયા તેમાં અક્ષર, ગોલોક, વૈકુંઠ વગેરે ધામોથી મુકતો આવતા હતા, તથા વૈરાજ, બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે ઇશ્વરો, દેવો-દેવીઓ, ઋષિ-મુનિઓ, સાધ્વીઓ, સાંખ્ય યોગિનીઓ, નરનારીઓ, અસંખ્ય અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા આવતા હતા. કંભરા, ગોપાલ, સંતોક, ભગવાન, શુક્ર વલ્લભ, હેમંત, ભગવાન, મંજુલા, હંસા, સગુણાએ સર્વેનું સ્વાગત કરતા હતા. તે સમયે અશ્વપટ સરોવરમાં અનેક વહાણોમાં ભક્તજનો બેઠા હતા. તેમાં એક વહાણ બીજા સાથે ભટકાઇને ભાંગી ગયું તેમાં સંતારણ વિપ્ર કુટુંબ હતું. તેણે અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રાર્થના કરી. હે પ્રભુ, પૂર્વે તમે નદીમાં સમુદ્રમાં અનેક ભક્તોની વાવાઝોડામાં રક્ષા કરી છે. અત્યારે અમારી રક્ષા કરો. તરત બાલકૃષ્ણ પ્રભુ કાચબાનું રૂપ લઇને સંતારણ વિપ્ર તેની પત્ની સંતાનો વગેરે છ ભક્ત કુટુંબને પોતાની પીઠ પર બેસાડી અને કાંઠે લાવી. કિશોર સ્વરૂપે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ રક્ષણ કરી દર્શન દીધું. પછી અષ્ટમીએ સર્વે મુક્તો ઇશ્વરોએ અનાદિશ્રીકૃષ્ણનારાયણને પૂજા, ભેટ ધરી, પ્રસાદ લઇને ધામમાં ગયા. પછી સંતારણ વિપ્રે પ્રભુની પૂજા કરી બંને કન્યાઓ તરલીકા-કુમુદા શ્રીહરિને અર્પણ કરી. શ્રીહરિએ તે કન્યાઓને લોમશ આશ્રમમાં વાસ આપ્યો. પછી વિપ્ર પોતાને ગામ જયંતનગર ગયો. શ્રીકૃષ્ણ કહે : રાધા, આવા પ્રભુનું સ્મરણ પણ પાપ, તાપનો નાશ કરી મોક્ષ આપે છે. તો તે પ્રભુનું સેવન, પૂજન અને પ્રત્યક્ષ દર્શનની તો વાત જ શી કરવી.