ભાગ · અધ્યાય ૩૦

મહાકાલીએ શાવદીન રાજાનો વધ કર્યો ❖ કુરુક્ષેત્ર ઉત્પત્તિ

શ્રીકૃષ્ણ કહે : રાધા, સવારે રાજાએ પ્રજામાં જાહેર કર્યું, મીન, ધ્વજ, ધનુષ, ચક્રવાળો સુલક્ષણો બાળક મળ્યો છે. તેનું બલિદાન દેવી આગળ થશે. જેને પુત્રની ઈચ્છા હોય તેણે દેવી પૂજન કરી ઉત્સવ કરવો. અપવિત્ર બાળકને દેવી આગળ પવિત્ર કરવા મદ્યથી સંસ્કાર કરવો પડશે. તે ગુરુ સર્વે વિધિ કરશે. મલિન મંત્રોથી ગુરુએ વિધિ કરી. શાવદીના માતા આ સહન ન કરી શકી પણ શ્રીહરિ આજ્ઞા આપે ત્યારે સર્વ કાર્ય કરવું એમ વિચારવા લાગી. રાજા સર્વને દાન આપી રાજ્યમાં ગયો. રાત્રે મંદિરમાં બાલકૃષ્ણ પાસે માતા કન્યાનું રૂપ લઇ આવી કહે : હે પ્રભુ, આ રાજા પુત્રની ઈચ્છાથી આવા બલિ ચડાવવાના પાપ મારી પાસે કરે તે મને ગમતું નથી. તેથી તમે આજ્ઞા આપો એટલે રાજા એના ગુરુ અને કાસદીન પાપીઓનો નાશ કરું. શ્રીહરિએ પ્રસન્ન થઇ આજ્ઞા આપી.

પછી માતાએ ખડગ, ભાલુ, સાંગ, કુહાડી, પાશ, તોમર, મુગદલ, ગદા, ત્રિશૂલ, અંકુશ, મુશલ, ધનુષ, ચક્ર, શંખ, ગદા વગેરે આયુધો અઢાર હાથમાં ધારણ કરી કેસરીસિંહ પર બેસી વિકરાળ સ્વરૂપ ધારણ કરી. અગ્નિસમાન નેત્રોવાળી કાલીમાતા રાજાના મહેલે આવી. તલવારથી રાજાનું મસ્તક કાપી નાખ્યું. ત્રિશૂલથી રાજાના, ગુરુના બે કટકા કરી નાખ્યા. કાસદીન વગેરે યતિઓનો નાશ કર્યો. અંત:પુરમાં હાહાકાર થઇ ગયો. સર્વત્ર ચર્ચા થવા લાગી રાજા બાળકોનું બલિદાન કરવાનો હતો તે પાપે મર્યો માટે નિર્દોષ બાળકોને મારવા નહીં. બાળકોને ત્રાસ આપવો નહીં. બાળકોમાં ઇશ્વરનો વાસ છે. પછી તે માતા કારાગારમાં આવી જ્યાં બાળકો અને બાલકૃષ્ણ હતા. માતા સુંદર સ્વરૂપ ધારણ કરી બાળકોને રમાડવા લાગી. બાલકૃષ્ણને પગે લાગી સર્વ બાળકોને ફળો આપ્યા. પછી રાજાની વિધવા રાણીઓ દેવી પાસે આવી રૂદન કરવા લાગી. દેવી મૂર્તિમાંથી કન્યાનું રૂપ ધારણ કરી કહે : જેની હું પત્ની છું, તે બાલકૃષ્ણને મારવા રાજા તૈયાર થયો. તેથી મેં તેનો નાશ કર્યો છે. તમે શોક ન કરો, અને તમારે સુખી થવું હોય, મોક્ષ પામવો હોય તો, અનાદિશ્રીકૃષ્ણનારાયણને શરણે જાવ. પછી સર્વ રાણીઓએ નારાયણ પાસે આવી સ્તુતિ કરી, હે પ્રભુ અમારો મોક્ષ કરો. બાલકૃષ્ણ પ્રભુએ તે સર્વેને અશ્વપટ સરોવર કુંકુમવાપી ક્ષેત્ર લોમશ આશ્રમ દેખાડ્યું. સર્વે આશ્ચર્ય પામ્યા. રાજકન્યાઓએ કહ્યું, તમે અમારા પતિ થાવ. શ્રીહરિ કહે, તથાસ્તુ. એમ કહી ગરૂડને સંભાર્યા. ગરૂડ આવ્યા. તે પર બેસીને દિવ્ય વિમાનમાં કન્યાઓને, બાળકોને, કાલીમાતાને બેસાડીને બદ્રિકાશ્રમ આવ્યા. ત્યાં ગંગામાં સ્નાન કરી સર્વને ચરણામૃત પાઇને નરનારાયણ ભગવાનની પૂજા કરીને કુરુક્ષેત્ર આવ્યા.

રાધા કહે : કુરુક્ષેત્ર તીર્થ ક્યારે થયું ? શ્રીકૃષ્ણ કહે : પૂર્વે સોમવંશમાં ઋક્ષ રાજા થયો, તેનો પુત્ર સંવરણ થયો. તે એકવાર વનમાં ગયો ત્યાં સૂર્યપુત્રી તાપી તપ કરતી હતી. સૂર્યને પૂછીને સંવરણે તાપી સાથે લગ્ન કર્યાં. તેનો પુત્ર કુરુ થયો. તે કુરુ મોટો થયો ત્યારે તેના પુત્રને ગાદી આપી પ્રયાગમાં તપ કરવા ગયો. તે કુરુ રાજાએ જ્યાં જમીન ખેડીને સદાવ્રત દાન-દક્ષિણા આપી યજ્ઞ કર્યાં. તે જોઇ પ્રસન્ન થઇ પ્રભુ કહે : વરદાન માંગ. કુરુ રાજા કહે : મેં જેટલી જમીન ખેડી છે તે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર નામે પ્રસિદ્ધ થાય. પ્રભુ કહે : તથાસ્તું. પછી બાલકૃષ્ણ પ્રભુ સરસ્વતીમાં સ્નાન કરી, કરાવી અશ્વપટ સરોવર આવી, જય જય ધ્વનિ શબ્દ કર્યાં. સર્વે અશ્વપટ સરોવરમાં સ્નાન કરી, ભોજન કરી આરામ કર્યો. પછી સર્વ બાળકો તેનાં માતા-પિતાને આપ્યા. કન્યાઓને લોમશ ઋષિના આશ્રમમાં વાસ આપ્યો. લોમશ ઋષિએ સર્વને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ પતયે સ્વાહા” એ મંત્ર આપી ભજન કરાવી કૃષ્ણકૃપાથી દિવ્યદેહ ધારણ કરાવી વૈકુંઠમાં મોકલ્યા. શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ એ રીતે બાળકોનું રક્ષણ કરી મ્લેચ્છોનો નાશ કર્યો. આ કથા વાંચશે, સાંભળશે તે સર્વ સ્વર્ગ અને મોક્ષને મેળવશે.