ભાગ · અધ્યાય ૧૬૧

ધનમોદ નામના ધીવરને શ્રીહરિએ મત્સ્યરૂપે દર્શન આપી મોક્ષ કર્યો

એક ધનમોદ નામનો ધીવર કુટુંબ સાથે કુંકુમવાપી દર્શન કરવા આવતા રસ્તામાં નદીકાંઠે મંદિરમાં હાથી પર બેઠેલા તુરી દેવીને જોયા. સ્નાન કરી તુરીદેવીની પૂજા કરી સ્તુતિ કરી, અમારું કલ્યાણ કરજો. ત્યારબાદ પત્ર, પુષ્પ, ફળ, જળથી પંદર દિવસ પૂજા કરી. મંદિરમાં નૃત્ય કરવા લાગ્યા. ત્યાં તૂરીદેવીએ દિવ્યદર્શન આપી કહ્યું, હું પોતે લક્ષ્મી છું. તમે મારું મંદિર વાળી સાફ કર્યું, પંદર દિવસ મારી પૂજા કરી. તેથી હું પ્રસન્ન થઇ છું માટે તમે વરદાન માગો.

લક્ષ્મી કહે : એકવાર મારું મંદિર વાળે તેનું દરિદ્ર નાશ કરી અને સ્વર્ગ આપું છું. એકવાર દીપદાન કરે તે હજારો યુગ સૂર્યલોકમાં વાસ આપું છું. એકવાર તુલસી પત્ર અર્પણ કરે તો તેને ચક્રવર્તી રાજા બનાવું છું. એકવાર પુષ્પહાર પહેરાવાથી સુવર્ણ આભૂષણો આપું છું. એકવાર ફળ આપવાથી ઇન્દ્રપદ આપું છું. એકવાર જલદાનથી વરૂણ પદ આપું છું. આત્મા અર્પણ કરી ભક્તિ કરે તેને શાશ્વત ધામ આપું છું. મારા પતિ અનાદિશ્રીકૃષ્ણનારાયણ છે. લક્ષ્મીજીના વચનો સાંભળી ધનમોદ ધીવર કહે, હે માતા મારે રાજ્ય, સંપત્તિ, ઐશ્વર્ય કંઇ નથી જોઇતું, હું કુટુંબ સાથે તમારી દાસ ભક્તિ કરું એવું વરદાન આપો. લક્ષ્મી કહે : સંસારમાં લાખો દાસ નોકરો છે પણ હૃદયથી, આત્માથી દાસ થવું દુર્લભ છે. કપટીદાસ થાય તે ક્લેશરૂપે થઇ લોહી પીનારા થાય છે. તેથી હું લક્ષ્મી જેવી પુરુષોત્તમ નારાયણની દાસી છું. તેવું દાસપણુ પ્રભુનું કરવું તથા જેમ પાર્વતી શંકરની દાસી, પ્રભા સૂર્યની દાસી, રાધા, રમા, જયા, લલીતા, માણિકી, મંજુ, હંસા, સગુણા શ્રીહરિની દાસી છે. તથા અક્ષર બ્રહ્મ, ગરૂડ, હનુમાન, હેમંત, ભગવંત આદિ દાસ છે. તે દરેક કલ્પમાં શ્રીહરિના દાસ થાય છે, માટે દાસ ભક્ત થવું.

લક્ષ્મી કહે : હે ધીવર, તું અત્યારે કુંકુમવાપીમાં મનુષ્યરૂપે રહેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા જાય છે. ત્યાં મારા જેવી કરોડો લક્ષ્મીઓ તે પ્રભુની સેવામાં રહે છે. તું ફળ પુષ્પ લઇને ત્યાં જા તારું કલ્યાણ થશે. એમ કહીને લક્ષ્મીજી અદૃશ્ય થયા. ધનમોદ નામનો ધીવર કુટુંબ સાથે માઘ માસમાં કુંકુમવાપી આવ્યો. અશ્વપટ સરોવર લોમશ ઋષિ આશ્રમ દિવ્ય બગીચા જોઇને આનંદ પામ્યો. અનાદિશ્રીકૃષ્ણનારાયણના મંદિરે આવી ફળ-પુષ્પ અર્પણ કરી પૂજા કરી ચરણોદક પીધુ-ભોજનપ્રસાદ જમી અશ્વપટસરોવર ગયો. ત્યાં વડ નીચે વાસ કરી રાત્રે ધૂન-કિર્તન કરી રાત્રે સૂતો. સવારે સરોવરમાં માછલાં જોઇને જાતિ સ્વભાવથી માછલાં મારવાનું મન થયું. પ્રભુ પણ માછલાંનું રૂપ લઇ તેને હાથે પકડાઇ ગયાં. પછી મોટુ સ્વરૂપ ધારણ કરી શંખ, ચક્ર, ગદા, પદ્મ, ચતુર્ભુજ રૂપે દર્શન દઇ કહ્યું, હે ધીવર તારા સ્વભાવને તજી દે અને મને ભગવાનને ભજી લે. પ્રભુની આજ્ઞાથી લક્ષ્મીના આશીર્વાદથી લોમશ ઋષિ પાસે મંત્ર લઇ ત્યાં વાસ કરી ભક્તિ કરી અંતે અક્ષરધામમાં ગયો. એ રીતે ધીવરોનો પણ પ્રભુએ મોક્ષ કર્યો. ત્યાં મત્સ્ય તીર્થ થયું છે.