ભાગ · અધ્યાય ૫૩

દિવ્ય વિમાન પર વિજય મેળવવા અસુરોની કપટયુક્તિ - પરાજય

શ્રીકૃષ્ણ કહે : રાધા, દૈત્યો અસુરો યુદ્ધમાં પાછા પડ્યા એટલે જુમાસેમ્લા અને સેનાપતિઓએ વિચાર કર્યો હવે આપણે શું કરવું ? એક અસુર સેનાપતિ બોલ્યો હવે આપણે કપટયુક્તિ રચી તેમની શરણાગતિ સ્વીકારી તેને આપણા પુરમાં લાવી, પાછળથી વિમાનની ઉપર હલ્લો કરવો. એમ વિચારી આકાશમાં ધજા નમાવી દીધી. નારદ શંકરને કહે : આ અસુરોએ શરણાગતિ સ્વીકારી. શંકર કહે : અસુરો કોઇ દિવસ દેવ ન થાય, ઉંદરને હંસ પાંખમાં રાખીને આશરો આપે તો ઉંદર હંસની પાંખ કાંપે, માટે શઠ પ્રત્યે શઠ થવું. સાધુ પ્રત્યે સાધુ થવું. બગલો માછલા માટે, બિલાડો ઉંદર માટે, વાઘ અશ્વ માટે મૌન ધારણ કરે પણ સમય આવ્યે ઘાત કરે છે. તેમ અસુરો દૈત્યોનો વિશ્વાસ સંત પુરુષોએ ન કરવો. શંકર ભગવાનના વચન સાંભળી સનત્કુમાર કહે : તેજસ્વીઓનો નાશ થતો નથી. પાપીઓ કપટીઓનો નાશ થાય છે.

ધર્મરાજા કહે : શરણે આવેલાના પાપ આપણે નાશ કરવા જોઇએ. ત્યાં જુમાસેમ્લા રાજા સેનાપતિ વગેરે આવી કહે : અમે તમારે શરણે આવ્યા છીએ. વિમાનને પૃથ્વી પર ઉતારો તમે અમારા પુરમાં પધારો અમને શરણાગતિ દીક્ષા આપો. અમારા પૂર પાવન કરો અમે તમારા દાસ છીએ. અસુરોના આવા વાક્યો સાંભળી શંકરે ત્રિશૂળ સર્વને સ્પર્શ કરાવી પાવન કર્યા. નારદે બ્રહ્મપાત્રમાંથી પાણી છાંટી સર્વે અસુરોને પવિત્ર કર્યાં. નારદે સર્વેને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર અને માળા આપી પછી સર્વ અસુરોની સાથે નારદ, સનતકુમાર તેના નગરમાં ગયા. અગ્નિ, યમ, કાર્તિક, ગણો વગેરેને વિમાનના રક્ષણ માટે રાખ્યા. પ્રથમ જુમાસેમ્લા રાજાએ મહાદાના નગરીમાં પોતાના મહેલમાં પધરામણી કરાવી. પછી નીંબકટુ, ચાલહોમ, શાબાન, આલદામ, આમેદ, નીરબીજ, કંગુ, તુંગાનીક, પ્રતારક, સુપાલ, વીરકેસર વગેરે રાજ્યોમાં ફેરવ્યા, પધરામણીઓ કરાવી. મિષ્ટાન્ન, દૂધપાક, ભોજન આપ્યા. દાસ-દાસીઓ, ધન, સંપત્તિ, રત્નો આપીને સર્વે સાથે એકમેક ભળી ગયા. પછી તે અસુરો નારદ, સનત, શંકરને પોતાના વાહનમાં બેસાડી હજારો ગાઉ દૂર મુરાર્કનગર લઇ ગયા, અને અહીં પાછળથી સેનાપતિ અને યોદ્ધા અસુરોએ અસ્ત્રોશસ્ત્રોથી વિમાન ઉપર હલ્લો કર્યો. મેલી વિદ્યાથી અગ્નિ ઉત્પન્ન કર્યો, પથ્થરની વૃષ્ટિ કરી વાવાઝોડું ઉપજાવ્યું. ત્યારે ગણેશ અને કાર્તિક સ્વામિએ ગદાથી સર્વ સેનાપતિના માથા ભાંગી નાખ્યા તથા સર્વે ગણોએ અસુરોનો શસ્ત્રોથી નાશ કર્યો. અસુરોની માયાઝાળનો નાશ કર્યો. ત્યાં નારદ, સનત, શંકરને ખબર પડી એટલે આવ્યા. શંકરે તરત બ્રહ્માંડ જેવડું શરીર ધારણ કરી બાકી રહેલા અસુરોને મસ્તકની જટામાં ગૂંચવી દીધા. સર્વ અસુરોનું સૈન્ય મહાત્રાસ પામવા લાગ્યું.