આ લોક-પરલોકમાં સુખી કેમ થવાય ? - કલ્યાણનું મૂળ સાધન કયું ?
અશ્વપાટલ રાજાએ ફરી પૂછ્યું : આલોક અને પરલોકમાં સુખી કેમ થવાય અને મોક્ષ કેમ થાય, તે ઉપાય બતાવો.
લોમશ ઋષિ કહે : તૃપ્તિ વિનાનો મનુષ્ય જીવનયાત્રાનો રથ ચલાવે છે. તેમાં ભુખ- તરસ બે બળદ છે. શોક-મોહ બે પૈડા છે. આગળ-પાછળ સુખદુ:ખ છે, મધ્યે વાસના રહેલી છે. ઇન્દ્રિયોરૂપી ચોરથી વારંવાર લુંટાય છે. તેથી સુખ, શાંતિરૂપી દ્રવ્યથી રહિત થઇને ક્લેશને પામે છે. તેથી વ્યવહારરૂપી બળદગાડાનો ત્યાગ કરી, આત્મરૂપ થઇ યોગીની જેમ પરમાર્થના કાર્ય કર. જેથી મુક્ત સ્થિતિ પ્રાપ્ત થાય. એવા તેજસ્વીને સંસારના કોઇ દોષ સ્પર્શતા નથી. આ માર્ગે સંતો, મહર્ષિઓ પ્રભુના કામ કરવાથી મેળવે છે. રાજાઓ કર્મથી, યોગીઓ ઉપાસનાથી, સ્ત્રીઓ શુદ્રો દાસ-દાસી વગેરે સેવાભાવનાથી આ લોક-પરલોકમાં સુખ અને મોક્ષ મેળવે છે. પંડિતો જ્ઞાનમાર્ગથી, ગાયો દૂધ દાનથી, વૃક્ષો ફળ દાનથી, મનુષ્યો ઉપકારથી, મુનીઓ નારાયણને ઉદ્દેશી વ્રત, યજ્ઞ, કરનારા, તે સર્વે સિધ્ધિ અને મુક્તિને પામે છે તથા સેવા, ભક્તિ, દાન, યજ્ઞ, તપ, વ્રત વડે અપૂજ્ય પણ પૂજ્યપણાને પામ્યા છે. શુક્રાચાર્ય, વિશ્વામિત્ર, વાલ્મિકી તપથી પૂજ્યપણાને પામ્યા છે. મહેનતથી મેળવેલું સુખકારી થાય છે. અન્યાયથી મેળવેલું સુવર્ણ પણ દુ:ખ કરે છે. અન્યાયનું અન્ન ઊલટી કરે છે. અન્યાયનું ધન સર્વ નાશ કરે છે. અન્યાયથી નારી અપકીર્તિ અને મૃત્યુ કરનારી થાય છે. પૂર્વે બ્રહ્માએ સર્વધર્મ ઉત્પન્ન કરી સર્વના સુખ માટે સર્વને ધર્મથી રહેવા કહ્યું. તેથી ધર્મથી સર્વે સુખી રહે છે. અને જ્યારે મનુષ્ય અજ્ઞાનથી, જડબુધ્ધિથી, અવિવેકથી સાર-અસારનો વિભાગ નથી કરતો અને સ્ત્રી, પુત્ર, બાંધવ, નોકર પંચવિષયમાં રચ્યો પચ્યો રહે છે. તેને માયાનું બંધન થાય છે અને દુ:ખ પામી મોક્ષનો પણ પ્રયત્ન કરી શકતો નથી. સર્વે મનુષ્યો સૂર્ય, ચંદ્ર વગેરે સર્વે દેવો, ઇશ્વરો, સિધ્ધો, મહર્ષિઓ, સતી, સાધ્વીઓ, દાનવો, રાજાઓ, ગુરુઓ, સર્વે તપથી સિધ્ધિને પામ્યા છે, અને તપનું સુખ ફળ ભોગવે છે. તે સર્વ સુખમાં અસંતોષ છે, તે દુ:ખનું કારણ અજ્ઞાન છે. માટે ચિંતામણિ તુલ્ય મનુષ્યદેહથી જે નરનારીઓ મોક્ષને અર્થે પ્રયત્ન નથી કરતા તેનો મનુષ્ય જન્મ નિષ્ફળ જાય છે.
અશ્વપાટલ રાજાએ પૂછ્યું : એવું કલ્યાણનું મૂળ સાધન કયું છે જે ક્યારેય પણ નાશ ન પામે ?
લોમશ ઋષિ કહે : સંતપુરૂષની સેવા અને વૃદ્ધોના આશીર્વાદ તે કલ્યાણના મૂળ સાધન છે, જે નાશ નથી પામતા. તેથી તપ ભક્તિ, નારાયણનો આશ્રય, અભયદાન, આત્મા અર્પણ સર્વ થાય છે અને ક્યારે પણ મોક્ષસાધન નાશ થતા નથી. તપથી પ્રત્યક્ષ શ્રીહરિમાં મનની વૃત્તિ રાખવી તે અતિ ઉત્તમ છે. પ્રત્યક્ષની અનુભૂતિ-દર્શન થયા પછી અભયદાન પ્રાપ્ત થાય છે અને બીજાને પણ અભયદાન આપે છે તે આ લોક અને પરલોકમાં અક્ષય રહે છે, નાશ પામતો નથી, શાશ્વત અને નિર્ભય રહે છે. એવા તેજસ્વીને, જ્ઞાનીને, પંચવિષય પરાભવ કરી શકતા નથી. એ રીતે આત્માના કલ્યાણ માટે અને પરમાર્થમાં રહેલાને શ્રીહરિનો ભક્તિમાર્ગ સુગમ છે. હે રાજા, આ તને ગુપ્ત બ્રહ્મજ્ઞાન મોક્ષનું સાધન કહ્યું.