શ્રીબાલકૃષ્ણ પ્રભુનો આઠમો જન્મજયંતિ મહોત્સવ
શ્રીકૃષ્ણ કહે : રાધા, ઉદયન રાજા તથા બસો નર-નારીઓ, કુંકુમવાપીમાં ચાતુર્માસ વાસ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન, ભક્તિ, જપ, તપ, કરતા હતા. ત્યાં બાલકૃષ્ણ પ્રભુનો આઠમો જન્મજયંતિ મહોત્સવ આવ્યો. તેમાં પિતા ગોપાલકૃષ્ણે સાધુ, વિપ્રો, બાળકો, અનાથ અતિથિઓને ભોજન આપી. દાન-દક્ષિણાઓ આપી. તે સમયે દેશાંતરથી આવેલા અંધ બહેરા, મુંગા, કાણા, લુલા, લંગડા, કુઠા, રોગી, દુ:ખી સર્વેને અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને ભોજન કરાવી સાકર પ્રસાદી આપી. સર્વના શરીરે સ્પર્શ કરી સર્વના દુ:ખ, રોગને મટાડ્યા અને સુખીયા કર્યાં. ત્યારે કેટલાક ષંઢ, નપુંસકો ત્યાં આવ્યા. તેમને શ્રીહરિએ અશ્વપટ સરોવરમાં સ્નાન કરવાનું કહ્યું. તે સર્વે અશ્વપટ સરોવરમાં સ્નાન કરવાથી નર- નારી જાતિવાળા થયા અને અનાદિશ્રીકૃષ્ણનારાયણની સ્તુતિ કરવા લાગ્યા. હે અક્ષરપતિ, મુક્તપતિ, અનેક ધામનાપતિ, ગોપીપતિ તમને નમો નમ: જડ-ચેતન, સ્થાવર, જંગમ, જીવનપ્રાણી માત્રમાં રહી સર્વને સુખ આપનારા તમને નમો નમ: એવી રીતે સ્તુતિ કરી.
સર્વે નરનારી તથા આર્યાયન ઋષિએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી. પછી બાલકૃષ્ણ પ્રભુએ દિવ્ય વિમાનમાં બેસાડી ઉદયનરાજા ઋષિ તેના બસ્સો કુટુંબ સેવકોને ઉદયપુર પહોંચાડ્યા. તે રાજા સદા અનાદિશ્રીકૃષ્ણનારાયણનો જપ કરતા કરતા અંતે મુક્તિમાં શ્રીહરિના પરમધામમાં ગયો તથા હજારો લાખો ભક્તો ચાતુર્માસમાં અશ્વપટ સરોવરમાં સ્નાન કરવા આવતા તેને શ્રીહરિ સાક્ષાત્ દર્શન આપી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે ધામમાં લઇ જતા હતા.