શ્રીહરિ દ્વારા લાપલાત્રીપુરી નગરમાં નવજીવન દૈત્યનો ઉદ્ધાર
શ્રીકૃષ્ણ કહે : રાધા, રાજા રાયપતિ સાથે શ્રીહરિ વિમાનમાં બેસી લાપલાત્રીપુરી પધાર્યાં. રાજાએ નગરમાં ફેરવ્યા. પછી રાજમહેલમાં આવ્યા. રાજકુટુંબે શ્રીહરિની પૂજા કરી ભેટ મુકી આરતી ઉતારી. તે દિવસે સમુદ્રદ્વિપનો નવજીવન દૈત્યરાજ મહેલમાં આવી રાજાની નાની બહેન વિદ્યુમણિને ઉપાડી ગયો. શ્રીહરિએ શંકરને તે દૈત્ય સાથે યુદ્ધ કરવાની આજ્ઞા કરી પોતે વિમાનમાં બેસીને દૈત્યની નગરી નવજીવન દ્વિપમાં આવ્યા. રાજકન્યાએ પ્રભુને વરમાળા પહેરાવી પછી શ્રીહરિ રાજા સાથે વિમાનમાં બેસી સો યોજનની દૈત્યની નગરીમાં આવ્યા. નવજીવન દૈત્ય પણ સર્વે દૈત્યો વીસ લાખને સાથે લઇ શ્રીહરિ સામે યુદ્ધ કરવા આવ્યો. શંકરે કામનાયક આદિ દશ લાખ ગણો ઉત્પન્ન કર્યા. તે દૈત્યો સાથે ગણોનું ભયંકર યુદ્ધ થયું. ગણોએ સર્વ દૈત્યોનો નાશ કર્યો.
શ્રીહરિએ સુદર્શન ચક્રથી નવજીવન દૈત્યનો નાશ કરી તે સમુદ્રદ્વિપનું રાજ્ય કામનાયક ગણને આપ્યું. પછી શ્રીહરિ રાજા સાથે દ્વિનેદિષ્ટપુર આવ્યા. ત્યાં પ્રજાજનોને દર્શન આપી પ્રભુ વિમાનમાં બેસી સીંહલદ્વિપમાં થઇને પંપા સરોવર આવ્યા. ત્યાંથી ગોપનાથતીર્થ કરી કુંકુમવાપી પધાર્યા. ત્યાં નરનારીઓ, બાળકો, બાલિકાઓ વૃદ્ધો સર્વે ઋષિ મુની ભક્તોએ અનાદિશ્રીકૃષ્ણનારાયણ, લોમશ ઋષિ, બ્રહ્મપત્ની વગેરેનું જયજયકાર કરી સ્વાગત કર્યું. પરસ્પર કુશળ સમાચાર પૂછ્યા. પછી સર્વેએ ભોજન કર્યા. શ્રીહરિએ સર્વપત્નીઓને લોમશ ઋષિના આશ્રમમાં વાસ આપ્યો.