શ્રીબાલકૃષ્ણ પ્રભુ દ્વારા વલ્લિદીન અસુરનો ઉદ્ધાર
શ્રીકૃષ્ણ કહે : રાધા, હરિકૃષ્ણ પ્રભુના ચોથા વર્ષનું ભાદરવા સુદ આઠમનું ચરિત્ર કહું છું, સાંભળ. કુંકાવાવની કન્યાઓ અને સ્ત્રીઓએ ઋષિપંચમીનું વ્રત કર્યું અને ગુરુ લોમશ ઋષિનું પૂજન કર્યું. છઠનું ગૌરીવ્રત કર્યું. આઠમે ગૌરી પૂજન કર્યું. ફળ જપ પુષ્પપત્રથી પૂજન કરી મિષ્ટાન્ન, ધરી, વિસર્જન કરવા અશ્વપટ સરોવર ગયા. ગૌરીની મૂર્તિ વહાણમાં પધરાવી, પૂજન કરી અમારું સદા રક્ષણ કરજો એમ સ્તુતિ કરી સરોવરમાં પધરાવી. સર્વે દેવો, ઋષિઓ, પિતૃઓ આનંદ પામ્યા. ત્યાં ગૌરીએ આશ્ચર્ય દેખાડ્યું. એક વિકરાળ વાઘ ગર્જના કરતો બાલકૃષ્ણને મારવા, પકડવા દોડ્યો. ત્યાં રહેલા હજારો નર-નારીઓ ભય પામી નારાયણનું ભજન કરવા લાગ્યા. માતા કંભરા તથા કન્યાઓએ ગૌરીને પ્રાર્થના કરી, હે પાર્વતી આ બાલકૃષ્ણનું રક્ષણ કરજો અમે રોજ સાંજે તારી પૂજા કરશું.
શ્રીરાધા કહે : પ્રભુ તે વાઘ કોણ હતો. ક્યાંથી આવ્યો હતો. શ્રીકૃષ્ણ કહે : આરદેશના શાવદીનનો નાનો ભાઇ વલ્લિદીન હતો. શ્રીહરિ તે દેશમાં જઇ બાળકોનું રક્ષણ કરી કન્યાઓ લઇને આવ્યા. ત્યારે તે વલ્લિદીન ત્યાં ન હોવાથી રાજાનું ગુરુનું વેર વાળવા કન્યાઓને પાછી લઇ જવા મ્લેચ્છ વિધિવાળો વાઘનું રૂપ લઇ ત્યાં આવ્યો. અનાદિશ્રીકૃષ્ણનારાયણને મારવા માટે ક્યારેક ગીધનું, કાગડાનું, નારડાનું, બળદનું રૂપ લેતો પણ પ્રભુને મારવાનો સમય મળ્યો જ નહીં. પણ જ્યારે મારવાની ઈચ્છાથી વાઘનું રૂપ લીધું અને જ્યાં બાલકૃષ્ણને પકડવા ગયો ત્યાં પ્રભુએ શરભનું રૂપ ધારણ કરી વાઘને પકડી મારી નાંખ્યો. દેવોએ અસુરનું મરણ થવાથી જય શબ્દ કરી પુષ્પવૃષ્ટિ કરી, ત્યાં ગૌરી પાર્વતી કન્યારૂપે આવી પ્રભુને પગે લાગી કહે : પ્રભુ તમારું રક્ષણ હું ન કરી શકી. બાલકૃષ્ણ કહે : તે અસુરોનો અગ્રણી હતો તેથી તેને મેં માર્યો. હવે બીજા અસુરો આવશે તેનાથી તું સર્વનું રક્ષણ કરજે. બાલકૃષ્ણ પ્રભુએ શરભનું રૂપ ધારણ કર્યું તે શરભ તીર્થ થયેલું છે. પછી સર્વે અસુરો વાઘના રૂપ લઇને દેવીને અને બાલકૃષ્ણને મારવા આવ્યા. એટલે શ્રીહરિએ યુદ્ધનો શંખ ફૂંક્યો ત્યાં ગૌરી સિંહ વાહન પર આવ્યા. ગર્જના કરવા લાગ્યા તેમાંથી અનેક સિંહો થયા. તે જોઇને અસુરોએ પણ સિંહના રૂપ ધારણ કરી, ગર્જના કરી યુદ્ધ કરવા લાગ્યા. એકબીજાના આંતરડા નખથી ખેંચવા લાગ્યા. તે સમયે ગૌરી સિંહોનું અને અસુર સિંહોનું ભયંકર યુદ્ધ થયું. તેને નૃસિંહ ભગવાન ધામમાંથી જોવા આવ્યા. પછી અસુર સિંહો મરીને નૃસિંહ ભગવાનમાં લય થયા. બાકી રહેલા સિંહો શ્રીહરિને શરણે આવ્યા. તેને શ્રીહરિએ સિંહારણ્યમાં વાસ આપ્યો તથા વાઘ પણ શ્રીહરિને શરણે આવવાથી પ્રભુએ તેને વ્યાઘ્રારણ્યમાં વાસ આપ્યો. સિંહ અને વાઘનું યુદ્ધ થયું ત્યાં અશ્વપટ સરોવર કાંઠે સિંહવ્યાઘ્ર મહાતીર્થ થયેલું છે. પછી કાલીમાતા તેના સ્થાનમાં ગયા. સર્વેજનો લોમશ ઋષિને પગે લાગી પોતાને ઘેર ગયા. પછી માતાએ લોમશ ગુરુનું પૂજન કરી દાન દીધા. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું આ ચરિત્ર જે ગાશે, સાંભળશે તે મોક્ષને પામશે.