કુંકુમવિપ્ર - સતીશા ચારણ - વણીકપત્ની અને ચૈત્યબ્રહ્મ વિપ્રની કથા
લોમશ ઋષિ કહે : હે અશ્વપાટલ રાજા, કુંકુમ નામે વિપ્ર મહા શિવભક્ત હતો. વીસ વર્ષ સુધી ભક્તિ કરવાથી શંકરે પ્રસન્ન થઇ દર્શન દઇને કહ્યું કે, વિપ્ર તારે શું ઈચ્છા છે ? વિપ્ર કહે, દેવ મને મોક્ષ આપો. શંકર કહે, તને કૈલાસધામમાં જવાની ઈચ્છા હોય તો હું લઇ જાઉં. તેથી પર ગોલોકમાં જવાની ઈચ્છા હોય તો હાથમાં મોરલીવાળા રાધિકા પતિ શ્રીકૃષ્ણનું ભજન કર. અને તેથી પર પરમધામમાં જવાની ઈચ્છા હોય તો અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમનું ભજન કર. વિપ્ર કહે, સર્વથી પર પરમધામમાં જવાનું સાધન શું છે તે કહો. શંકર કહે, “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા.” એ મંત્ર ગ્રહણ કરી તેનું સ્મરણ ભજન તપ કર. એમ કહી શંકર અદૃશ્ય થયા. તે વિપ્ર શ્રીકૃષ્ણનારાયણનું ભજન કરી પરમધામમાં ગયો. ત્યાં કુંકુમેશ્વરતીર્થ થયું છે.
અશ્વપટ સરોવરકાંઠે ચારણ કુટુંબમાં એક સતીશા ચારણ હતી. તે ગાયોનું પાલન કરતી અને શિવ ભક્તિ કરતી હતી. એકવાર પાંચ ચોર આવી સતીશાને એકલી જાણી લાજ લુંટવા તૈયાર કરી ત્યાં સતીશાએ દુર્ગાની પ્રાર્થના કરી. તરત દુર્ગામાતા સિંહ પર બેસી હાથમાં તલવાર લઇ આવી. સર્વચોરને મારી નાખ્યા અને સતીશા ચારણીની રક્ષા કરી, તેને સાથે લઇ અશ્વપટસરોવર આવી પાણી પીને અદૃશ્ય થયા. સતીશાએ ત્યાં દુર્ગા મંદિર કરાવ્યું. તે દુર્ગાતીર્થ થયું છે.
હે રાજા, કુંકુમવાપીમાં એક વણીક પત્ની એકવાર બાલકૃષ્ણને રમાડવા ગઇ. કંભરાલક્ષ્મીના ઘરમાંથી દશ રૂપિયાની ચોરી કરી ઘેર આવી ઘડામાં મુક્યા. સંક્રાતિએ દાન દેવા, રૂપિયા લેવા, જ્યાં ઘડામાં હાથ નાખ્યો. ત્યાં ઘડામાં હાથ ચોંટી ગયો અને ઘડો જમીન સાથે ચોંટી ગયો. બહુ મહેનત કરી પણ હાથ ઘડા બહાર ન નીકળ્યો. ત્યારે ઘડામાંથી અવાજ આવ્યો, મારું મંદિર કર તો હાથ છુટ્ટો થાય. એવી વાણી સાથે ચતુર્ભૂજ લક્ષ્મીએ દર્શન દીધા. તરત હાથ છુટ્ટો થયો. લક્ષ્મી અદૃશ્ય થયા પછી લોમશ ઋષિને બોલાવી લક્ષ્મીનું મંદિર કરાવ્યું, ત્યાં લક્ષ્મીતીર્થ થયું છે.
એક ચૈત્યબ્રહ્મ નામે વિપ્ર ધર્મ કર્મથી રહિત, નિંદક, ચોરી કરનારો, દારૂ પીનારો, પરસ્ત્રીનો સંગ કરનારો, ચાંડાલસમાન વર્તન કરનારો હતો. એકવાર તેને ત્યાં સંતપુરૂષ આવ્યા. તેમને વિપ્રે તિરસ્કાર કરી કાઢી મુક્યા. સંતપુરૂષે અતિ પાપી જાણી દંડ દેવા યમદૂતને બોલાવી દંડ અપાવ્યો, તે વિપ્ર ક્ષમા માગવા લાગ્યો. સંતે ક્ષમા આપી, યમદૂત ગયા પછી તે વિપ્રે પોતાના ઉધ્ધાર માટે લોમશ ઋષિના આશ્રમે આવી પ્રાર્થના કરી. લોમશ ઋષિએ એક વર્ષ સુધી ચાંદ્રાયણ વ્રત કરવાનું પ્રાયશ્ચિત દીધું અને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર આપી શાલગ્રામ પૂજવા આપ્યા. તે વિપ્ર અશ્વપટ સરોવરકાંઠે શાલગ્રામ પધરાવીને જપ કરતો. ઘણા વર્ષો પછી શાલગ્રામે વિષ્ણુરૂપે દર્શન આપ્યા. સાથે તુલસીરૂપે લક્ષ્મી હતા. વિપ્રને કહ્યું, તું અહીં તુલસી મંદિર તથા મારું શાલગ્રામ મંદિર કરજે. પછી તું ધામમાં જઇશ. એમ કહીને વિષ્ણુ ભગવાન અદૃશ્ય થયા. ત્યાં વિષ્ણુતીર્થ થયું છે. ત્યાં તુલસી દિવ્ય સ્વરૂપે બીરાજેલા છે. ત્યાં તુલસી વિવાહ કરવાથી સ્નાન દાન કરવાથી સ્વર્ગ ભુક્તિ મુક્તિ સર્વ પ્રાપ્ત થાય છે. અશ્વપાટલ રાજાએ તે સર્વ તીર્થોમાં સ્નાન કરી દાન દીધા અને દંડવત પ્રદક્ષિણા કરી.