ભાગ · અધ્યાય ૩૮

બાલપ્રભુના યોગથી રાક્ષસો અને ઋષિઓનો ઉદ્ધાર

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પાંચમે વર્ષે વૈશાખ માસમાં પૂર્વમાં દિશામાં બ્રહ્મવાડીમાં સાંજે સમાન વયના બાળકો સાથે ગયા. ત્યાં જારના, મકાઇના ડોડા શેકીને ખાતા હતા, તથા પવનથી પડેલા, પાકેલા ફળો, કેરી, સંતરા, ખારેક ખાતા હતા. ત્યાં ત્રણ રાક્ષસો બાળકનું રૂપ લઇ બાળકોની સાથે રમવા લાગ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણને મારવાની ઈચ્છાથી એક રાક્ષસે ગાડાનું રૂપ લીધું અને વાડીમાં પીપળા નીચે વાસ કર્યો. બીજો રાક્ષસ ભૂંડનું રૂપ લઇ ગર્જના કરતો, બાળકોને બીવડાવતો, ક્રૂર દેખાતો, પૂછડું ધુણાવતો, બાલકૃષ્ણને મારવા આવ્યો. તે ભૂંડથી ભય પામી બાળકો સર્વે ગાડામાં બેસી ગયા. બાલકૃષ્ણ પ્રભુએ રાક્ષસોનો દુષ્ટ ભાવ જાણી કાલીમાતાના વાહન કેશરી સિંહને સંભાર્યો તેથી સિંહ આવી પ્રભુને પગે લાગી, ભૂંડરૂપે રહેલા રાક્ષસ પાછળ દોડ્યો. તો ભૂંડે પણ સિંહનું રૂપ લીધું. બંને સિંહનું યુદ્ધ થયું. કાલિમાતાના સિંહે બીજા સિંહને મારી નાખ્યો. તેનો આત્મા કાલિમાતાના સિંહમાં લીન થયો.

પછી ગાડામાં બેઠેલાં બાળકોને નિરાધાર જાણી બીજો રાક્ષસ બાળકોનો નાશ કરવા ગાડાને આકાશમાં લઇ ગયો. ત્યારે બાલકૃષ્ણ પ્રભુએ પોતાના શરીરમાં અતિ ભાર વધાર્યો તેથી ગાડુ આકાશમાંથી ધીમે ધીમે નીચે આવ્યું. પછી પ્રભુએ સર્વે બાળકોને ગાડામાંથી ઉતારી, પોતે ગાડા ઉપર ડાબો પગ લાંબો કરી ઉદય ઉપર મૂકી, જમણો પગ માચડા ઉપર મૂકી, જોરથી ભાર દઇને, ગાડાને ભાંગી નાખ્યું. ત્યારે માચડાંમાં રહેલો ખિલ્લો ડાબા સાથળના મૂળમાં લાગ્યો તેથી લોહીની ધાર થઇ. તે બાળકોએ જોઇ. ફરીથી પ્રભુએ શરીરમાં ભાર મૂકી ગાડા પર ચડી ગાડું પૈડાં સહિત ભાંગી નાખ્યું. જેથી રાક્ષસ નાશ પામ્યો. તેનું તેજ બાલકૃષ્ણમાં અદૃશ્ય થયું. સર્વે બાળકો આશ્ચર્ય પામ્યા. પછી ત્રીજા રાક્ષસે પર્વતનું રૂપ ધારણ કરી જ્યાં શ્રીહરિ ઉપર પડવા ગયો ત્યાં પ્રભુએ ગરૂડને સંભાર્યા. ગરૂડે આવી પગથી પર્વતને પકડ્યો ત્યાં શ્રીહરિએ સુદર્શન ચક્ર પર્વત નીચે મૂકી પર્વતને બાળી નાખ્યો. પછી આશ્ચર્ય પામેલા સર્વે બાળકો પાંદડાનો રસ, ઔષધિ લાવી બાલકૃષ્ણના ડાબા સાથળમાં ચોપડી જેથી પીડા શાંત થઇ. પ્રભુએ તે ધ્યાનીઓને ધ્યાન કરવા માટે ડાબા સાથળમાં શંકુ ચિહ્ન સદા રાખ્યું. તે અર્ધ- નારીશ્વર ચિહ્ન છે. બાળકોથી રાક્ષસોના નાશની વાત સાંભળી સર્વેજનો આશ્ચર્ય પામી, ત્યાં ગયાં તો એક ગાઉંમાં ભૂંડનું શરીર પડેલું, અને બે ગાઉંમાં ભસ્મ પડેલી, અને ભાંગેલુ ગાડું જોઇ સર્વે અતિ આશ્ચર્ય પામ્યા.

શ્રીરાધા કહે : પ્રભુ, તે ત્રણ રાક્ષસો કોણ હતા ? શ્રીકૃષ્ણ કહે : બ્રહ્માના માનસ પુત્રો અઠ્યાસી હજાર વાલખીલ્યો ઋષિ તથા બીજા ઋષિઓ તે જપ, તપ, યજ્ઞ કરનારા અને ગૃહસ્થો હતા. તેમાં ત્રણ ઋષિઓ વનસ્પતિ, નભસ્પતિ અને સરસ્વતી હતા. તેઓ વ્રત તપ કરતા પણ રાગદ્વેષ અને અભિમાનવાળા હતા. તેણે હજાર વર્ષ શંકર ઉપર તપ કર્યું, તો પણ શંકર પ્રસન્ન ન થયા. ત્યારે પાર્વતીએ કહ્યું, શંભુ તમે આ ત્રણ ઋષિ પર દયા કરી કાંઇક સિદ્ધિ આપો. શંકર કહે : દેવી તમે ધર્મનું તત્ત્વ જાણતા નથી. આ તપસ્વીઓ મૂઢ પણે જડ જેવા અજ્ઞાની થઇ તપ જ કરે છે તેમને ભગવાન, સંત, ભક્ત, શાસ્ત્ર, ભક્તિ, સત્સંગ તેનો મહિમા જરાય નથી. કામ, ક્રોધ, લોભથી પ્રેરાઇને સિદ્ધિ માટે તપ કરે છે. હે દેવી, તે ક્રોધી છે તે તમને બતાવું તમે જુઓ. એમ કહી શંકર તે ઋષિઓ તપ કરતા હતા ત્યાં નગ્ન ગયા. તેથી સર્વે ઋષિઓ લાકડી લઇ મારવા દોડ્યા. એટલે શંકર ઋષિ પત્નીઓ પાસે ગયા અને ભિક્ષા માંગવા લાગ્યા. ઋષિ પત્નીઓ મોહ પામી. એટલે વનસ્પતિ ઋષિ લાકડી લઇ મારવા દોડ્યા. નભસ્પતિ પથ્થર લઇ મારવા દોડ્યા. સરસ્વતિ દાતરડું લઇ મારવા દોડ્યા. ત્રણે શંકરને મારવા લાગ્યા અને શંકરના લિંગને કાપી નાખ્યું. એટલે શંકર પાર્વતી પાસે આવ્યા.

પાર્વતી શંકરની આવી સ્થિતિ જોઇને ત્રણે ઋષિને શાપ આપ્યો. વનસ્પતિને કહ્યું, તું કાષ્ટરૂપે થા. નભસ્પતિને તું પર્વત થા. સરસ્વતીને તું દાંઢવાળો ભૂંડ થા. બીજા ઋષિઓ ખડના થુંબડા થયા. પછી તે ત્રણે ઋષિએ પાર્વતીની પ્રાર્થના કરી અને કહ્યું અમારો ઉદ્ધાર કરો. પાર્વતી કહે : અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ સૌરાષ્ટ્રમાં પ્રગટ થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. એમ કહી સતિ પાર્વતી અદૃશ્ય થયા. શંકરનું લિંગ પડવાથી ચારેકોરે અગ્નિ થવા લાગ્યો એટલે સર્વ ઋષિઓએ બ્રહ્માને પ્રાર્થના કરી. બ્રહ્માએ કહ્યું, જેનો તમે અપરાધ કર્યો છે તેની પૂજા કરો તો તે અગ્નિ શાંત થશે. તે પ્રમાણે ઋષિઓ શંકરના લિંગની પૂજા કરવાથી સર્વ ઉત્પાત શમી ગયો. તે લિંગના બાર જ્યોતિર્લિગ થયા. પછી તે ત્રણે ઋષિઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલકૃષ્ણપ્રભુ પાસે આવ્યા તેથી પ્રભુના યોગથી તેમનો ઉદ્ધાર થયો.