ભાગ · અધ્યાય ૨૩૮

બાલપ્રભુ અન્નકુટ ઉત્સવ કરી જમ્યા અને સર્વને પ્રસાદી જમાડી

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ નવા વર્ષે પડવાને દિવસે સર્વેને ભોજન કરાવવાની ઈચ્છાથી અન્નપૂર્ણા દેવી, લક્ષ્મી, બ્રહ્મપત્નીઓ તેમજ સર્વે રસદેવીઓને બોલાવી રસોઇ તૈયાર કરવા કહ્યું. અષ્ટસિધ્ધિ, નવનિધી વગેરે દેવીઓ આવી ભોજન, મિષ્ટાન્ન, ફરસાણ, દાળભાત, સંભારા, શાક, અથાણા, પાપડ, ચટણી, દહી, દૂધ, છાસ વગેરે તૈયર કર્યાં. મધ્યાહને અનાદિશ્રીકૃષ્ણનારાયણ કરી સર્વને ભોજન માટે બોલાવી પોતે પીરસવા લાગ્યા. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર સર્વની પંકિત થઇ. મોતિયાલાડું, જલેબી, ઘેબર, ખાજા, મેસુબ, મોહનથાળ, પેંડા, બરફી, બુંદી, મોતીચુર, ચુરમાના લાડુ, મગજ, સેવ, ગાંઠિયા, શીરો, કંસાર, પુરણપોળી, દૂધપાક, ઘારી, સુતરફેણી, માલપુવા, ઘુઘરા, સાટા, ગુંદપાક, તલપાક, વડાં, ભજીયા, અથાણા, પાપડ, દાળ, ભાત, સર્વે લીલા શાકભાજી, સર્વ મિષ્ટાન્ન સર્વ ફરસાણ દૂધ, દહીં, ઘી, માખણ વગેરે એકસો એક વસ્તુ સર્વને પીરસી જમાડી તૃપ્ત કર્યા. પછી બ્રહ્મપત્નીઓ બાલકૃષ્ણ પતિને ભોજન કરાવવા આવી. શ્રીહરિને સુવર્ણ આસન પર બેસાડી કેસર, ચંદનથી પૂજા કરી. લક્ષ્મીએ સોનાનો થાળ મુક્યો. રાધાએ સોનાના વાટકા મુક્યા. માણકીએ સોનાનો કળશ મૂક્યો. રમા પદ્માવતી ચામર, વીંઝણો લઇ પાસે ઉભા. અન્નપૂર્ણા દેવી પ્રભુને પીરસવા લાગી. સર્વેએ પ્રાર્થના કરી, પ્રભુ જમો અને અમને દર્શનથી તૃપ્ત કરો.

કૃષ્ણ પ્રભુ નવી નવી વસ્તુ જમતા જાય અને પૂછતા જાય, આ વસ્તુ કોને બનાવી બહુ સરસ છે. શારદા અને સરસ્વતિ પ્રભુને થાળ-કિર્તન-સ્તૂતિ-પ્રાર્થનાથી રાજી કરતા હતા. હે પ્રભુ, રસદાર સર્વ વસ્તુ ધીમેધીમે જમો અને ભક્તોને દર્શન આપી સંકલ્પ પૂર્ણ કરો. પછી શ્રીહરિ અનેકરૂપ ધારણ કરી સર્વના હાથે જમ્યા. સર્વેના હાથે મુખવાસ લીધો. મુખવાસ ગ્રહણ કરી સર્વને ભોજન પ્રસાદી આપી. એ રીતે પ્રભુએ અન્નકુટોત્સવ કરી સર્વને પ્રસાદી આપી તેમજ પશુ, પક્ષી, જીવજંતુ, વૃક્ષવેલી સર્વને તૃપ્ત કર્યા. એ રીતે અષ્ટસિધ્ધિ નવનિધિ વગેરે દેવીઓ શ્રીહરિની આજ્ઞા પાળી અન્નકુટોત્સવમાં સેવા કરી, પ્રભુને રાજી કરી કૃષ્ણવલ્લભનો જયકાર કરતી અદૃશ્ય થઇ. આ કથા જે વાંચશે, સાંભળશે તે અન્નકુટ ફળને પ્રાપ્ત કરી ભુક્તિ-મુક્તિ પામશે.