યોગનું બળ કેટલું છે ? - પરમધામ કેવું છે ?
અશ્વપાટલ રાજાએ પૂછ્યું : યોગનું બળ કેટલું છે, જેથી મુક્ત થવાય છે અને અધવચ્ચે અટકી પણ જવાય છે ?
લોમશ ઋષિ કહે : શૌચ, તપ, દયા, અહિંસા, સત્ય, પ્રાણ, નિરોધવૃત્તિ, સ્થિર મનથી પણ ચોરી ન કરવી અને ધ્યાન કરવું. યોગીઓને જેટલો યોગનો અભ્યાસ તેટલું બળ અને સિધ્ધિ પ્રાપ્ત થાય છે. નિર્બળને માયાના દોષમાં રાગ થવાથી યોગ ભ્રષ્ટ થાય છે. માછલાં જેમ જાળને કાપી નાખે છે, તેમ યોગીઓ માયાજાળને કાપી બ્રહ્મગતિને પામે છે. જેમ લક્ષવેધિ બાણથી નિશાન વીંધે છે, તેમ યોગી એક ધ્યાનથી યોગ સાધિ અક્ષર પ્રાપ્તિ કરે છે. નટ જેમ એક ધ્યાનથી દોરી પર ચાલે છે તેમ યોગી એક શ્રીહરિનું જ ધ્યાન કરે છે. પરંતુ હે રાજા, યોગમાર્ગ બહુ કઠિન છે. યોગમાં જંગલમાં નારાયણના આશ્રય વિના કોઇ પણ પહોંચતું નથી. માટે અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનમાં સર્વદોષ, રાગદ્વેષ, મદ, નિંદ્રા, પ્રમાદ આળસ, અહંતા, મમતા, આશા, તૃષ્ણા વગેરે શરીરના, ઇન્દ્રિયોના, મનના, સર્વદોષો અર્પણ કરવા અને તેનો આશ્રય કરી ભક્તિ કરવી જેથી તારો મોક્ષ થશે. પૂર્વે પણ ઋષિ- મુનિઓએ દેવોના, મનુષ્યોના, યક્ષોના, પશુ, પક્ષી સર્વના વિષયસુખને જાણી તેનો ત્યાગ કરી પરમેશ્વરને ભજીને માયાના પારને પામી ગયા છે.
અશ્વપાટલ રાજાએ પૂછ્યું : અક્ષર કેવું છે. જ્યાં જઇને કોઇને પાછું આવવાનું થતું નથી અને ક્ષર શું છે, જ્યાંથી પાછા આવવું પડે છે ?
લોમશ ઋષિ કહે : પરબ્રહ્મ અવતારી અનાદિશ્રીકૃષ્ણનારાયણને રહેવાનું ધામ, સર્વ સુખ, સર્વ ઐશ્વર્ય, સિધ્ધિ, સામર્થ્યથી પૂર્ણ ભરેલું જેમાં મુક્તો જ રહી શકે છે તેને પરમધામ કહે છે. તે ધામમાં ગયા પછી ત્યાંથી પાછા ફરવાનું થતું નથી. વૈકુંઠ અને ગોલોકથી પર એવા પરમધામમાં અવતારોના અનંતધામ રહેલા છે. તેમાં કરોડો નારાયણો અને નારાયણીઓ વાસ કરે છે, તે અક્ષરધામ મૂર્તિમાન છે. તે અક્ષરથી પર શ્રીહરિનું પરમધામ રહેલું છે, ત્યાં શ્રેષ્ટ ગજાસન પર અનાદિશ્રીકૃષ્ણનારાયણ અનંત મુક્તા-મુક્તાનિ સાથે વાસ કરે છે. જ્યાં અનંત શક્તિઓ, સિધ્ધિઓ રહેલી છે. જ્યાં નિત્યાનંદ ગુણાતીતાનંદ અનંત અનાદિમુક્તો વાસ કરે છે. જેના એક રોમનાં લેશ સુખથી અનંતધામ સુખ અને આનંદવાળા થાય છે.
હે રાજા, એવું અક્ષર પરમધામનું સુખ છે. તે અક્ષરના સુખથી સર્વે ઇશ્વરોના લોક, દેવો, માયાની સૃષ્ટિઓ આનંદવાળી છે. એવું તે અક્ષર માયા પાર રહેલું છે. તે શ્રીહરિની ઈચ્છાથી, બ્રહ્મપુરૂષથી માયામાંથી થયેલી અનંત સૃષ્ટિઓ તે સર્વ બ્રહ્માંડોને ક્ષર કહેવાય છે. મહતત્ત્વ ત્રણ ગુણ વિદ્યા, અવિદ્યા, પુણ્ય, પાપવિધિ, અવિધિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય સર્વે માયામાં પણ રહેલું છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પંચતન્માત્રા ગ્રહણ કરવા. જ્ઞાન ઇન્દ્રિયો - કર્મેન્દ્રિયો વગેરે ચોવીસ તત્ત્વો દેહમાં રહેલા છે. તે સર્વેનાશપણા સ્વભાવવાળા હોવાથી તેને ક્ષર કહેલા છે. તેથી હે રાજા, ક્ષર એવા શરીર અને શરીર સંબંધી પંચ વિષયના ભોગ્ય પદાર્થો તેનો ત્યાગ કરી, અક્ષર એવા આત્મામાં પરમેશ્વર કંભરા ગોપાલ પુત્ર કૃષ્ણવલ્લભનું ધ્યાન કર. તે કુંકુમવાપીના ઇશ્વર ત્યાગી છે, સ્વામિ છે, સદ્ગુરુ છે, આચાર્ય છે તેનું ભજન કર.
લોમશ ઋષિના મુખથી પરબ્રહ્મની કથા સાંભળીને અશ્વપાટલ રાજા અતિ તૃપ્ત થયો અને પોતાના આત્મામાં કૃષ્ણવલ્લભનું સ્મરણ ચિંતવન કરતો અતિ આનંદવાળો થયો.