ભાગ · અધ્યાય ૧૯૨

લીનોર્ણ રાજાની વારૂણીનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિમાનમાં બેસીને લીનોર્ણ રાજાની વારૂણી નગરીમાં આવ્યા. રાજા-પ્રજાએ જયજયકાર કરી હારતોરાથી સ્વાગત કર્યું. નગરીમાં ફેરવી રાજમહેલમાં લાવી રાજાએ શ્રીહરિને ભોજન કરાવી પૂજન કરી પોતાની ચાર કન્યાનું દાન કર્યું. પછી પ્રભુ રાજા-પ્રજાને આશીર્વાદ આપીને દશમને દિવસે વલ્લીજીવન મુનિ સાથે વિમાનમાં બેસીને દરિયાકાંઠે રહેલા બૃહદ્રથ રાજાના ધીવરા રાજ્યમાં આવ્યા. રાજાએ- પ્રજાએ વાજીંત્રોથી શ્રીહરિનું સ્વાગત કરી પુષ્પો, અક્ષતથી વધાવ્યા. શ્રીહરિને રાજમહેલમાં પધરાવી રાજારાણી, કન્યાઓએ પ્રભુનું પૂજન કર્યું. બે કન્યાઓએ શ્રીહરિને વરમાળા પહેરાવી. રાજાએ દાન-ભેટ આપ્યા. પ્રભુ આશીર્વાદ આપી વિમાનમાં બેસી પશ્ચિમ સમુદ્રકાંઠે અંગ રાજાની મીલીંદાનગરીમાં પધાર્યા. રાજાએ સૈન્ય સાથે વાજીંત્રોથી સ્વાગત કરી શહેરમાં પ્રભુની પધરામણી કરાવી, રાજમહેલમાં લાવી, બપોરે શ્રીહરિને સર્વને ભોજન કરાવ્યા.

પછી શ્રીહરિએ સાંજની સભામાં આવેલા લાખો પ્રજાજનોને ઉપદેશ આપ્યો, પરબ્રહ્મની ભક્તિ કરવી. ખોટું બોલવું નહીં. ખોટા શપથ લેવા નહી. માતાપિતાની સેવા કરવી, ચોરી ન કરવી, પરધન, પરસ્ત્રી ગ્રહણ ન કરવા. પ્રજાઘાત, વિશ્વાસઘાત, ધર્મઘાત ન કરવો, ધર્મનું પાલન કરવું તેથી રાજાઓને સ્વર્ગ અને સુખની પ્રાપ્તિ થાય છે. કોઇનો દ્રોહ ન કરવો, સર્વ સાથે સરલતાથી રહેવું. સ્વાધ્યાય, તપ, યોગ સાધે તો વિપ્ર સ્વર્ગ મેળવે છે. ખેતી, વ્યાપાર કરી પશુપાલન કરી ધન મેળવી યજ્ઞ દાન કરવાથી વૈશ્યો સ્વર્ગસુખ ભોગવે છે. સેવાદાસપણું, દૂતપણું કરીને દાસવર્ગ મહાસુખ મેળવે છે. સેવાધર્મ મહાન છે. સેવાથી સર્વે વશ થાય છે, સેવાથી રાજા ગુરુ ગ્રહ સિંહ વશ થાય છે. સેવાથી શત્રુ-મિત્ર પતિ-પત્ની સર્વે વશ થાય છે. ત્યાગી થઇને ધર્મ બ્રહ્મચર્યનું પાલન કરે અથવા ગૃહસ્થાશ્રમી થઇને મારા પરાયણ મારી ભક્તિ કરે તે પણ સાધુ છે. રાગદ્વેષથી રહિત થઇને મારા ધર્મનું પાલન કરે તે સાધુ મારા ધામને પામે છે. ઓછી નિંદ્રા આહાર કરનારો, આશારહિત બંધન નહીં પામનારો સાધુ મને પામે છે. આત્મતૃપ્તિવાળો, બ્રહ્મસુખવાળો, સંતોષી, નિષ્કપટી, સ્વપત્નીમાં તૃપ્તિવાળો દેવપૂજા કરનારો ક્ષમા દયાવાળો દાન કરનારો એવો ગૃહસ્થાશ્રમી તે મને પામે છે. પ્રવૃત્તિવાળો કે નિવૃત્તિવાળો મારો આશ્રય કરનારો, મારા યોગથી અસંખ્ય કર્મના પારને પામે છે. આવો શ્રીહરિનો અલૌકિક ઉપદેશ સાંભળી રાજા-પ્રજા અતિ રાજી થયા અને શ્રીહરિની આજ્ઞાથી લોમશ ઋષિ પાસેથી “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામીને સ્વાહા” એ મંત્ર ગ્રહણ કર્યો. પછી રાજા-પ્રજાએ પ્રભુની પૂજા કરી પ્રભુએ આશિર્વાદ આપ્યા. રાજા રાણીએ પોતાની અગિયાર કન્યાઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણને અર્પણ કરી.