ભાગ · અધ્યાય ૮૬

ઐલવિલાના પૌલસ્ત્ય વંશમાં રાવણ, કુંભકર્ણ આદિક થયા

શ્રીકૃષ્ણ કહે : રાધા, ઐલવિલાની પ્રાર્થનાથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ગરૂડ પર બેસાડીને તેને અક્ષરધામતુલ્ય કુંકુમવાપી ક્ષેત્રમાં લાવ્યા. જ્યાં અશ્વપટ સરોવરમાં હજારો તીર્થો અને ઋષિમુનિઓ વાસ કરી. જ્યાં વેદનો અભ્યાસ કરતા કરાવતા લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરતા હતા. જ્યાં શુક્રાદિપક્ષીઓ પણ સંસ્કૃત ભાષા બોલતા હતા. જ્યાં અનેક ગૌદાન થતા, જ્યાં લાખો યાત્રિકો દર્શને આવતા. જ્યાં હજારો દેવમંદિરોમાં દેવપ્રતિમાઓના દર્શન થતા. જ્યાં સદા તપસ્વી સાધુ-સાધ્વી, બ્રહ્મપ્રિયાઓ વાસ કરી પ્રભુની ભક્તિ કરાવીને દાનયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, સેવાયજ્ઞ, બ્રહ્મયજ્ઞ વગેરે કરાવી કંભરા ગોપાલનંદનની કૃપા પ્રાપ્ત કરતા હતા. બાલકૃષ્ણનું કીર્તન ધૂન કરતા હતા, વૈર વિનાના જનો લોમશ ઋષિના આશ્રમમાં જોઇને ઐલવિલા આશ્ચર્ય પામી. પછી કંભરાલક્ષ્મીની, ગોપાલકૃષ્ણની, લોમશ ઋષિની પૂજા કરી પછી તેને અનાદિશ્રીકૃષ્ણનારાયણની ષોડ્શોપચારથી પૂજા કરીને પ્રભુની પ્રાગટ્યભૂમિ અક્ષરક્ષેત્રમાં વાસ કરવાની ઈચ્છા થઇ.

શ્રીહરિએ ઐલવિલાને ચરણામૃત પાઇ ભોજન કરાવી. તેના બે સ્વરૂપ કરી એકરૂપે ત્યાં વાસ આપ્યો અને બીજેરૂપે પુલસ્ત્ય ઋષિને ત્યાં મોકલી. અનાદિશ્રીકૃષ્ણનારાયણના આશિર્વાદથી ઐલવિલાનો પુત્ર વિશ્રવા થયો. તેને તેની ચાર પત્નીઓમાં અનેક પુત્ર-પુત્રીઓ થયા. તેમાં દેવવર્ણિનીમાં કુબેર થયો. કૈકસીમાં રાવણ થયો કુંભકર્ણ, વિભીષણ અને સૂર્પણખા થયા. પુષ્પોત્કટામાં મહોદર પ્રહસ્ત મહાપાર્શ્વ અને ખર થયા તથા કુંભીનસીમાં સો કન્યાઓ જન્મી. આ સર્વે પૌલસ્ત્ય વંશ કહેવાયો. તે વંશમાં ચારે યુગના ધર્મો હતા. તથા દૈવ-દૈત્ય રાક્ષસોના સ્વભાવો હતા. તપદાન, રાગવાળા હતા. તે કળીયુગના ધર્મવાળા રાક્ષસોના સ્વભાવોનો નાશ કરવા શ્રીહરિએ રામરૂપ ધારણ કરીને રાક્ષસોનો નાશ કરી વૈકુંઠમાં વાસ આપ્યો. હે રાધા, તે પ્રભુ આશરે આવનારા યક્ષ, રાક્ષસ, દૈત્ય, માનવ, સર્વનું કૃષ્ણ કલ્યાણ કરતા હતા.