ભાગ · અધ્યાય ૨૬૯

બાલપ્રભુના લક્ષ્મીનારાયણરૂપે અભયાક્ષ રાજાને દર્શન

લોમશ ઋષિ કહે : હે અશ્વપાટલ રાજા, પૂર્વે અભયાક્ષ પંચાલ દેશના રાજા હતા. તે ધર્મપાલન કરી ભગવાનની ભક્તિ પરાયણ રહેતા. જેને ઘરે સાધુ, સાધ્વી, અતિથિઓ રોજ ભોજન કરી તૃપ્તિ પામતા. તે રાજાને ત્યાં સાક્ષાત નારાયણ સાધુરૂપે વસતા હતા. લક્ષ્મી અને રાધાજી સાધ્વીરૂપે વાસ કરતી હતી. જેને દેવદેવીઓ અને માનવો જાણી શકતા નહીં. પણ દિવ્ય દૃષ્ટિવાળા મુનીઓ જાણતા. રાજા પુરુષોત્તમ નારાયણની સેવા કરી મુનીના મુખથી કથા જ્ઞાનવાર્તા સાંભળતા. પ્રજા સર્વે પણ સુખી અને ભક્તિવાળી હતી. તેના રાજ્યમાં કોઇ પણ મનુષ્ય સ્નાન પૂજા રહિત ન હતો. કંઠી, તીલક, ચાંદલા વિનાનો કોઇ ન હતો. સર્વવસ્તુ પદાર્થ ભોજન ભગવાનને અર્પણ કરી પછી ગ્રહણ કરતાં એવા આત્મનિવેદી સર્વે ભક્તો હતા. તેના રાજ્યમાં પશુપક્ષીઓ પણ ભગવાનના દર્શનથી ભગવાનની વાણી બોલતા.

તે રાજા એકવાર સાધુ-વિપ્રો સાથે ધૂન કિર્તન કરતા અશ્વપટ સરોવર આવ્યા. ત્યાં સર્વ તીર્થોના દર્શન કરી લોમશ ઋષિના આશ્રમમાં આવ્યા. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણે મંદિરે આવી પ્રભુની પૂજા કરી માતાપિતાને પગે લાગી પ્રસાદીજલ પીધું. પછી રાજાને વિષ્ણુયાગ કરવાની ઈચ્છા થતાં, લોમશ ઋષિને વાત કરી. લોમશ ઋષિએ વિપ્રોને બોલાવી યજ્ઞ કરાવ્યો. રાજાએ યજ્ઞમાં સાધુ વિપ્રોને જમાડી અનેક દાન આપ્યા. યજ્ઞ પૂર્ણાહુતિમાં સાક્ષાત લક્ષ્મીનારાયણ ભગવાને ચતુર્ભૂજ દર્શન આપ્યા. રાજા તથા સર્વેજનો દર્શન કરી આશ્ચર્ય પામ્યા. પછી લક્ષ્મીનારાયણ ભગવાને રાજાને કહ્યું, તું અહીં મારું મંદિર કરાવી, લક્ષ્મી સાથે મારી પ્રતિષ્ઠા કરાવજે અને તું સાધુ-દીક્ષા ગ્રહણ કરી મારી પૂજા કરજે. એમ કહીને પ્રભુ અદૃશ્ય થયા. પછી રાજાએ ઉપવાસથી દેહશુધ્ધિ કરી મુંડન કરાવી સ્વયંપ્રકાશ ઋષિ પાસેથી ત્યાગી દીક્ષા ગ્રહણ કરી “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લ્ભ સ્વામી શ્રીહરિ: શરણં મમ” મંત્ર ગ્રહણ કરી, ભગવા વસ્ત્ર ધારણ કરી, અધોક્ષજપ્રકાશ નામ ધારણ કરી અશ્વપટસરોવર કાંઠે લક્ષ્મીનારાયણનું મંદિર કરાવી પ્રતિષ્ઠા કરાવી, પોતે સેવા ભક્તિ કરવા લાગ્યા. લોમશ ઋષિ કહે : હે અશ્વપાટલ રાજા, તે આ લક્ષ્મીનારાયણ તીર્થ, દીક્ષાતીર્થ કહેવાય છે, ત્યાં બારેમાસ તીર્થવાસીજનો આવી દાન, પુણ્ય, જપ, તપ, યજ્ઞ, બ્રહ્મભોજન કરાવે છે. તેને અક્ષયફળ થાય છે. એવું સાંભળીને અશ્વપાટલ રાજાએ ત્યાં કુટુંબ સાથે સ્નાન કરી લક્ષ્મીનારાયણના દર્શન કર્યા. ત્યાં શ્રીહરિ અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિમાં કેશવાદિ ચૌદ મૂર્તિના દર્શન થયા અને ફરી પાછા લીન થયા.

અશ્વપાટલ રાજાએ અતિ આશ્ચર્ય પામી અને કહ્યું, ગુરુ મને આવા દર્શન કેમ થયા ? લોમશ ઋષિ કહે : જ્યાં પરબ્રહ્મ પ્રગટ હોય, જ્યાં તેના ભક્તો વાસ કરતા હોય, તે તીર્થ દિવ્ય છે. અને ભુક્તિ-મુક્તિ આપનારું છે. પછી લોમશ ઋષિ રાજાને મહાવિષ્ણુ તીર્થ તથા પુરૂષોત્તમ તીર્થમાં લઇને ગયા અને તેની કથા કહેવા લાગ્યા.