અનાદિશ્રીકૃષ્ણનારાયણે જામવંથલી પધારી ભક્તોને ઉપદેશ અને આજ્ઞા આપી
શ્રીકૃષ્ણ કહે : રાધા, સુરતાયન ઋષિને યોગે રોગ મુક્ત થયેલા ભક્તિ જ્ઞાન પામેલા તે બ્રાહ્મણો રોજ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન ધૂન કરતાં. એકવાર ચાતુર્માસમાં તાપીમાં સ્નાન કરી ધૂન કરી સ્તુતિ કરવા લાગ્યા, હે અક્ષરપતિ, મુક્તપતિ, આત્મપતિ, રાધાલક્ષ્મીપતિ, જયા લલિતાપતિ, માણિકીપતિ, પ્રભા પાર્વતીપતિ, હંસા મંજુલાપતિ, કસ્તુરી શાંતિપતિ, તમે સદા અમારું રક્ષણ કરજો. ભક્તો વિપ્રોની સ્તુતિ સાંભળી અનાદિશ્રીકૃષ્ણનારાયણે પાર્ષદો સાથે વિમાનમાં બેસી ત્યાં આવી દિવ્યદર્શન આપ્યા. મણિરત્નોથી શોભતા, મુગટ, કુંડળવાળા, રેખાવાળા, ભાલમાં તિલક ચાંદલાને ધારણ કરતાં, પિતાંબરધારી, સુંદર નેત્રો નાસિકાવાળા, શ્રી વત્સના ચિહ્નવાળા, હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મને ધારણ કરતા. હાથમાં શુલ, મીન, ધ્વજ, ધનુષ, ચક્ર, સ્વસ્તિકના ચિહ્નથી શોભતા ઉદરમાં ત્રિવળી, સાથળમાં ખાપાનું ચિહ્ન, લક્ષ્મી ચિહ્નથી શોભતા, બંને ચરણમાં ત્રણ ત્રણ ઘુંટીવાળા, ચરણમાં ચિહ્નોથી શોભતા મંદ હાસ્યવાળા શ્રીહરિની સર્વે વિપ્રોએ પૂજા કરી.
ત્યાં સુરતાયન ઋષિ આવ્યા. તેણે પણ ચંદન પુષ્પથી પ્રભુની પૂજા કરી ચરણમાં આળોટવા લાગ્યા. પછી સર્વે વિપ્રોએ પ્રભુની પ્રાર્થના કરી, અમોને કુંકુમવાપી ક્ષેત્રના દર્શન કરાવો. શ્રીહરિ તે સર્વે વિપ્રોને અશ્વિનીકુમાર તીર્થના સ્નાન કરાવી સુરતાયન ઋષિ સાથે પાંચ હજાર વિપ્રોને વિમાનમાં બેસાડી શેત્રુંજી નદીમાં સ્નાન કરી ગોપનાથ તીર્થના દર્શન કરાવી સોમનાથ થઇ ચમત્કારપુર (જામનગર) જઇને તીર્થો કરી જામવંથલીના ભક્તોની પ્રાર્થનાથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ વંથલીને પાવન કરવા શ્રાવણવદ પાંચમના રવિવારે આવ્યા.
ત્યાં સર્વે ભક્તોને ભોજનપ્રસાદ આપી ભવપાર થવાનો ઉપદેશ આપ્યો, હે મારા ભક્તો સાંભળો. મારામાં સર્વે અર્પણ કર્યા વિના પાપ પુણ્ય અને ભોગનો અંત આવતો નથી. હું નારાયણ છું. નરનારી નપુંસક સર્વેને નિષ્પાપ કરી મારા ધામમાં લઇ જઇશ. મારી થોડી કૃપાથી પણ મોક્ષ થાય છે. માટે હેતથી મારી ભક્તિ કરજો અને અહીં મંદિર કરી તેમાં મારી મૂર્તિ પધરાવજો અને સતત મારું ભજન કરજો. શરણે આવેલા સર્વનો ઉદ્ધાર કરનારો હું છું. એ પ્રમાણે કહી ચરણામૃત પાઇ ભવરોગ નાશ કરી, રોગીઓનો રોગ નાશ કરી. વંથલીને પાવન કરી નરનારીઓને આશિર્વાદ આપી દર્શન, સ્પર્શ, ચરણસેવા આપી, પોતાની ભક્તિમાં જોડી પૂજા ગ્રહણ કરી એક જ ક્ષણમાં રાજકોટ આવ્યા. જ્યાં વિશાળ ઊચા શિખરબંધ મંદિરમાં લક્ષ્મીનારાયણ અને પોતાની મૂર્તિ(સ્વામિનારાયણ)ને સ્પર્શ કરી ધર્મ ભક્તિ માતાપિતાનો સ્પર્શ કરી સૂર્ય શેષનારાયણ, દત્તાત્રેય, શિવ, હનુમાન, ગણપતિને ભેટી, એક ક્ષણમાં કુંકુમવાપી ક્ષેત્રના બગીચામાં વિમાન ઉતારી લોમશ ઋષિના દર્શન કરાવી, માતા કંભરાલક્ષ્મી, પિતા ગોપાલકૃષ્ણના દર્શન કરાવી, અશ્વપટ સરોવરમાં સ્નાન કરાવી, તે સર્વે વિપ્રોને ભોજન પ્રસાદ આપ્યો. પછી સર્વે વિપ્રોએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી સો કન્યાઓ અર્પણ કરી. પછી પ્રભુએ તે સર્વે વિપ્ર કુટુંબોને વિમાનમાં બેસાડી તેના દેશમાં પહોંચાડ્યા. શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ કૃપાસાધ્ય છે. તે પ્રભુ વ્રત, દાન, હોમહવનથી પ્રસન્ન થતા નથી પણ પ્રેમભક્તિ, નામસ્મરણ ભક્તિ, સમર્પણ ભક્તિ, સેવકોની સેવાભક્તિથી પ્રગટ પ્રભુ રાજી રાજી થાય છે.