ભાગ · અધ્યાય ૩૫

શ્રીબાલકૃષ્ણ પ્રભુને પ્રસન્ન કરવા શંકર દ્વારા નાટ્યોત્સવ

શ્રીકૃષ્ણ કહે : રાધા, એકવાર કૈલાશથી અર્ધ નારેશ્વર એવા શંકર પોતાના ગણો, નટમંડળને લઇને અશ્વપટ સરોવર આવ્યા. સાથે હજારો પુરુષો, પાંચસો કન્યાઓ, સો હાથી, સો અશ્વો, સો સિંહ, સો મૃગ, વીશ વાઘ, દશ રીંછ, વાંદરા પોપટ વગેરે અનેક પશુ-પક્ષીઓ લાવ્યા અને પડાવ નાખી ભોજનપાન કરી અનેક પ્રકારના ખેલ શરૂ કર્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ લોમશ ઋષિ માતા-પિતા કન્યાઓ વગેરે લાખો માનવો જોવા ભેગા થયા. ખેલ-રમતના મંડપની શોભા દરવાજા વગેરે શોભા અલૌકિક હતી. પછી નટરૂપે રહેલા શંકર તથા નટો અનાદિશ્રીકૃષ્ણનારાયણની સ્તુતિ કરતા હતા, હે મુક્તપતિ, હે અવતારો અને ઇશ્વરોના પતિ, અનેક ધામના પતિ તમને નમસ્કાર. કૃપા કરી કુંકુમવાપીમાં પ્રગટ થયેલા કંભરાગોપાલ બાલ તમને નમસ્કાર. આમ સ્તુતિ કરી ત્યાં શંકર તથા સર્વે નટો બાલકૃષ્ણની મૂર્તિમાં સર્વે ધામ, અવતારો, ઇશ્વરો, કોટી કૃષ્ણ, રામનારાયણ વગેરેના દર્શન કર્યા અને બ્રહ્માંડો તથા સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ જોઇને આશ્ચર્ય પામ્યા.

પછી પ્રભુએ સર્વેને આશિર્વાદ આપ્યા અને નટોનો ખેલ શરૂ થયો. નટો સુતરની દોરી બાંધી હાથમાં વાંસ લઇ દોરી ઉપર ચાલવા લાગ્યા. સામસામા એકબીજાને અડ્યા વગર ચાલતા હતા. થાળીમાં પગ મૂકી ચાલતા હતા. અંગકસરતના ખેલ કરતા, હીંચકવાના ખેલ કરતા. પશુ-પક્ષીના ખેલ થતા હતા તથા મસ્તક ઉપર, એક ઉપર, બીજા ઉપર, એમ સાત ઘડા મૂકી નૃત્ય કરતા. આકાશમાં કૂદકો મારી હાથી પર બેસી જતા. તથા હાથી પર સિંહ, અશ્વ, ઊટ વગેરેને બેસારતા હતા. પછી મલ્લ યુદ્ધ થયા. પછી સર્વે નટો સર્વે પશુ પર બેસી ફરતા હતા. એવા અનેક પ્રકારના ખેલ કર્યા પછી નટેશ્વર શંકર છેલ્લો ખેલ બતાવવા આવ્યા. તે વખતે પાંચસો કન્યાનો ખેલ આકાશમાં યુદ્ધ કરવાનો ચાલતો હતો. તે સર્વે કન્યાઓ પૃથ્વી પર પડી અને મરણ પામી. એવો ખેલ બનાવટી સર્વને બતાવી ત્યાં રહેલો સેનાપતિ રોવા લાગ્યો, મારી કન્યાઓ મરણ પામી હવે કેમ જીવતી થશે. ત્યારે બાલકૃષ્ણ પ્રભુએ સર્વે કન્યાઓને દૃષ્ટિમાત્રથી જીવતી કરીને સર્વને આશ્ચર્ય પમાડ્યા. તે સર્વે કન્યાઓ પ્રભુની સ્તુતિ કરી પ્રભુને પતિ થવાનું વરદાન માગ્યું. શ્રીહરિ કહે : તથાસ્તું. એમ કહી લોમશ ઋષિના આશ્રમમાં સર્વ કન્યાઓને વાસ આપ્યો.

પછી સર્વ સિંહોને રંગભૂમિમાં વચમાં લાવી સર્વે નટ સિંહોના મોઢામાં પોતાનું માથું મૂકીને સર્વ જનોને આશ્ચર્ય પમાડતા હતા. તે સમયે અર્ધનારીશ્વર, નટેશ્વર નટના અધિપતિ શંકરે પણ સિંહના મોઢામાં પોતાનું માથું મૂક્યું. પણ ગર્વ થયો, મારા જેવું કામ કોઇ ન કરી શકે. તેથી ગર્વ ગંજન પ્રભુએ સિંહને પ્રેરણા કરવાથી ફાડેલું મોઢું દબાવી દીધું અને ગળું દબાવી દીધું. તેથી જનતામાં-નટમાં હાહાકાર થઇ ગયો. પાર્વતી શંકરના મસ્તિકને ખોળામાં રાખી રોવા લાગ્યા. બાલકૃષ્ણ પ્રભુ આસનેથી ઊઠી પાર્વતી પાસે આવી શંકરના મસ્તકને સ્પર્શ કર્યો. તરત જ શંભુ બેઠા થઇ, પ્રભુને પગે લાગી ગર્વનો ત્યાગ કર્યો. પછી પ્રભુએ શંકરને કહ્યું, તમે સર્વને અર્ધનારીશ્વર રૂપે દર્શન આપો. એટલે શંકરે અર્ધું અંગ પુરુષનું, અર્ધુ અંગ સ્ત્રીનું એ રીતે સર્વને દર્શન આપ્યા. પછી પ્રભુએ સર્વેને પારિતોષિક દાનરૂપે ધામમાં વાસ આપવાનું વરદાન આપ્યું. શંકરે જ્યાં નટનો ખેલ કર્યો તે નટેશ્વર તીર્થ, અશ્વપટ સરોવર કાંઠે થયેલું છે તથા સર્વે ગણોને ત્યાં વડ, બિલ્વ, કદંબના વૃક્ષમાં વાસ આપ્યો. શ્રીકૃષ્ણ કહે : રાધા, આ અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રસન્ન કરવા શંકરે નાટ્યોત્સવ કર્યો હતો.