ભાગ · અધ્યાય ૯૫–૯૬

ઉષ્ણાલય ખંડમાં સમુદ્રરેલ્યાનાં આપત્તકાળમાં પ્રભુ દ્વારા પ્રજાનું રક્ષણ

આ અધ્યાય 95–96 સંયુક્ત છે

શ્રીકૃષ્ણ કહે : રાધા, પૂર્વે અનાદિશ્રીકૃષ્ણનારાયણની આજ્ઞાથી અગસ્ત્ય ઋષિ અને તેના પત્ની લોપામુદ્રા ઉષ્ણાલય ખંડમાં વન પર્વતમાં વાસ કરતા. એકવાર તેઓ તપસ્વી ભક્તોને પાવન કરવા સમુદ્ર ઓળંગી આકાશ માર્ગે બાલસરોવરમાં ગયા. માંગી, શ્વાનિક, કુવન, લાભરૂચિ, ઉતંગ, આર, તુરુ, ગ્રાગી વગેરે સરોવરોમાં સ્નાન કરી તથા મુરા, તુરા, ગોશંકુ, ઝીંકુ, રીંકુ, ફીંકુ, કારૂ, દારૂ, ચારૂ, લિંગી, ક્વીલ્પી, લવીંગાહેલી, ફીજરા વગેરે અનેક નદીઓમાં સ્નાન કરી તીર્થરૂપ કરી અને દેવની પૂજા કરી. ત્યાં હેમશાલા પર્વતમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણના મંત્રનો જપ કરતા પત્ની સાથે વાસ કરતા તપસ્વી ભક્તો હેમશાલાયન, બાલાયન, રાવાસન, ઘરા, લિંગાયન, ભેકુ, દાનેય, મસીગ્રીવ, શાલવનાયન, આચાલ, ગ્રામાયન, વાટાયન, દિવાદિંગાયન વગેરે અગિયાર ઋષિઓએ અગસ્ત્ય મુનિની પૂજા કરી. અગત્સ્ય મુનિએ તે સર્વેને પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું આત્મપતિ અંતર્યામિ તે પ્રભુ અત્યારે પ્રગટ થયા છે. તેનો મંત્ર ગ્રહણ કરી ભજન કરો, પછી સર્વે તપસ્વી ઋષિ “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર ગ્રહણ કરી સતત જપ કરતા હતા. તે રીતે અગત્સ્ય મુનિએ ત્યાં લાખો ઋષિ બ્રાહ્મણોને મંત્ર આપી સર્વને ભોજન કરાવીને અગસ્ત્ય મુનિ પત્ની સાથે આકાશમાર્ગે અશ્વપટ સરોવર આવી રહ્યા.

ત્યાં ઉષ્ણાલય ખંડમાં ભાદરવા માસમાં આકાશમાં ધૂમકેતુ ગ્રહ જોઇને સર્વે લોકો ભય પામ્યા અને બાલકૃષ્ણનું ભજન સ્મરણ કરવા લાગ્યા. પૂનમે વાવાઝોડાથી સમુદ્ર રેલાયો ચારેકોર પાણી ફરી વળ્યા. વન, પર્વત, ગામ, શહેર, વાડી, ખેતર, સર્વ સ્થાનમાં સમુદ્રનું પાણી ભરાઇ ગયું. મનુષ્ય પશુ-પક્ષીઓ, જીવ-જંતુઓ મરવા લાગ્યા. મનુષ્યો પર્વત પર ચડી જઇ રૂદન કરવા લાગ્યા. ત્યારે હેમશાલાયન વગેરે ઋષિઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ તમે ગર્ભમાં સર્વનું રક્ષણ કરો છો માટે અમારા પાપને નહીં ગણી શરણાગતની રક્ષા કરો. હે સ્વામિનારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ અમારું રક્ષણ કરો. તમારું નામ હરિ છે દુ:ખને કેમ નથી હરતા.

હે પ્રભુ, પૂર્વે ઘણા ભક્તોની તમે રક્ષા કરી છે. જો તમે અમારા ગુરુ હો, અમે તમારા ભક્ત હોય તો અમારું સર્વનું રક્ષણ કરજો. સર્વે ઋષિ, બ્રાહ્મણોની સ્તુતિ પ્રાર્થના સાંભળી દયાળુ કૃપાળુ અનાદિશ્રીકૃષ્ણનારાયણ અને લક્ષ્મી સાથે અગસ્તસ્ય મુનિ લોપામુદ્રાને લઇને વૈદ્ય અશ્વિનીકુમાર સંજીવની ઔષધી સાથે લઇ વિમાનમાં ઉષ્ણાલય ખંડમાં હેમશાલાયન ઋષિ વગેરે અગિયાર ઋતુ ઋષિ પાસે આવી જોરથી શ્વાસ લીધો અને વાવાઝોડાને પી ગયા. અગસ્ત્ય મુનિ ચારે કોર ફરી વળેલા પાણીને એક અંજલિ કરી પી ગયા. લોપામુદ્રાએ પૃથ્વીદેવીને પહેલા હતી તેવી જ થવા કહ્યું પછી પ્રભુએ પવનદેવને આજ્ઞા આપી, રેતીમાં ઢંકાયેલા પ્રાણીઓને બહાર કાઢો. વાયુએ તે કાર્ય કર્યું.

વન, પર્વતમાં, નદી, સરોવરમાં, સમુદ્રમાં, રણમાં, ગામ, શહેર, સીમવાડીમાં જ્યાં જ્યાં મનુષ્યો પશુ-પક્ષી મર્યા હતા. મૂર્છા પામેલા સર્વને શ્રહરિની આજ્ઞાથી અશ્વિનીકુમારોએ મંત્ર આપી સજીવન કર્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ સર્વને નવું જીવન આપ્યું. એ રીતે બે ઘડીમાં વાવાઝોડામાં નાશ પામેલા લાખો પ્રાણીઓને જીવંત કરી શ્રીહરિએ રક્ષણ કર્યું અને ઉપદ્રવ શાંત કર્યો. પછી સમુદ્ર વાયુએ પ્રભુને પગે લાગી ક્ષમા માગી. તેથી શ્રીહરિએ તેને અભયદાન આપી કહ્યું, જ્યાં મારા ભક્તો વાસ કરતા હોય ત્યાં તારે પ્રલય ન કરવો. ક્યારે પણ મર્યાદાનો લોપ ન કરવો. એ જ રીતે મેઘ પણ વૃષ્ટિ કરી પાક આપનારો થાવ પણ ઉન્મત થઇ પ્રલય ન કરવાની આજ્ઞા કરી. ત્યારથી આરંભીને સર્વ તત્ત્વો શ્રીહરિની આજ્ઞાથી નિયમથી રહેવા લાગ્યા પછી પ્રભુ હેમશાલય ઋષિ પાસે આવ્યા.