રાજધાની ઓંકારેષ્ટ અને જરસ્થળીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
આ અધ્યાય 174–178 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ ઉરલ રાજા પ્રજાને આશીર્વાદ આપી. ઋષિ અને ભક્તો સાથે વિમાનમાં બેઠા. સર્વે જયજયકાર કરી વિદાય આપી. શ્રીહરિ ક્રથકરાજાની રાજધાની ઓંકારેષ્ટનગરમાં આવ્યા. રાજાએ રાજરીતીથિ વાજીંત્રો વગાડી સ્વાગત કર્યુ. રાજા-પ્રજાએ જયકાર કરી પુષ્પ અક્ષતથી વધાવ્યા. રાજારાણી, પુત્રો, પુત્રીઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી વસ્ત્ર આભૂષણો ધારણ કરાવ્યા. પછી શ્રીહરિને ગજાસને બેસાડી રાજસભામાં લાવ્યા. વીજળીના દીવાથી સભા શોભતી હતી. બીજે દિવસે શ્રાવણસુદ ચૌદસે રાજા કુટુંબે શ્રીહરિની પૂજા કરી, આરતી કરી, સ્તુતિ કરી કહ્યું કે, હે પ્રભુ તમે આ ભૂમિ પાવન કરી તો અહીં મંદિર કરવા માટે મુહૂર્ત જોઇ આપો. શ્રીહરિ કહે, જ્યારે પ્રભુ પૃથ્વી પર પ્રત્યક્ષ હોય ત્યારે તે કહે તે મુહૂર્ત શુભ. તેની આજ્ઞા જ્યારે થાય. રાત્રે કે દિવસે સંધ્યામાં કે સૂતકમાં, શુભ કે અશુભ, પ્રભુ કહે તે સર્વે શુભ. દેશકાળ સર્વે શ્રીહરિને આધિન છે.
પછી પ્રભુએ કયા માસમાં કઇ તિથિમાં કયું કામ કરવાથી કેવું શુભ અશુભ ફળ થાય તે કહ્યું તથા વ્યતિપાત, દુર્યોગ, અમાસ, સંક્રાતિ, જન્મતિથિ, અધિકમાસ, સૂર્ય ચંદ્રનું ગ્રહણ, ક્ષયવૃદ્ધિ. કઇ તિથિમાં માંગલિક કાર્યો ન કરવા, તે શ્રીહરિએ જ્યોતિષ ગણતરી પ્રમાણે કહ્યું, ચંદ્રબલ, તારાબલ નક્ષત્રોમાં શુભ-અશુભ કાર્ય તેનું ફલ યોગકરણ, ભદ્રાચક્ર, ભ્રમણ, સિધ્ધિ, યોગચક્ર રવિબલ તેમજ અઠ્યાવીશ યોગ, તિથિ, વાર, નક્ષત્ર, ઉત્પન્ન, દુષ્ટ, યોગ, ત્રિવિધ, ગંડાંતયોગ, કુલિકાદિમુહૂર્ત, દુદમુહૂર્ત, અભિજિત, છાયામુહૂર્ત, ઉચનીચ ફલ, પ્રતિષ્ઠાનમાં લગ્ન, કુડંલીમાં રહેલા ગ્રહોનું ફળ, ચંદ્રફળ, પિડાદિ યોગ, યુતિદોષ, લગ્નબલ, પૃથ્વી, સુપ્ત, પરિક્ષા વગેરે શ્રીહરિએ જ્યોતિષ શાસ્ત્રનો ઉપદેશ આપ્યો પછી પરમેશ્વર કૃષ્ણવલ્લભે વિશ્રામ કર્યો પછી રાજાએ શ્રીહરિને નગરીમાં ફેરવી પધરામણી કરાવી મહેલમાં પધરાવી પૂજા કરી પોતાની પાંચ કન્યાનું દાન શ્રીહરિને કર્યું. પછી પ્રભુ પૃથુ રાજાની રાજધાની જરસ્થળીમાં રોમાયન ઋષિ, લોમશ ઋષિ, કુટુંબ, ભક્તો, પત્નીઓ સાથે વિમાનમાં બેસી પધાર્યા.
પૃથુરાજાએ તથા પ્રજાએ વાજીંત્રો વગાડી જય ઘોષ કરી સ્વાગત કર્યું. રાજારાણી, કુમારો, કુમારીઓએ સર્વની પૂજા કરી. શ્રીહરિને રાજસભામાં સિંહાસનમાં પધરાવી પૂજા કરી. પછી શ્રીહરિ કહે, જેમ ચોમાસામાં વાદળા થાય અને પાછા લીન થાય, તેમ સર્વે જીવાત્માઓ માયામાંથી ઉત્પન્ન થાય પાછા તેમાં લીન થાય. ગર્ભમાં પાકે, બહાર પુષ્ટિ પામે. બાળ, યુવાન, વૃદ્ધ, ત્રણ અવસ્થા ભોગવી ચાલ્યો જાય છે. મન, શરીર સર્વ અસ્થિર છે. ક્યારે વિયોગ થાય ખબર પડતી નથી. રાજ્ય, કુટુંબ, સેવક, પ્રજા, પત્ની, સંતાન, સર્વ પૂર્વકર્મને અનુસારે પ્રાપ્ત થાય છે. તે સર્વમાં પ્રભુની પ્રાપ્તિ બહુ પુણ્યવાળાઓને થાય છે. હે રાજા, તારા, પ્રજાના, કુટુંબના દેશના મહાન ભાગ્ય છે. જે હું ઋષિઓ સાથે તારા રાજ્યમાં આવ્યો.
રાજાએ પૂછ્યું : પ્રભુ, પૂર્વ જન્મમાં હું કોણ હતો ? શ્રીહરિ કહે, પૂર્વે તું અરણ્ય ઋષિ નામે હતો. તારી સાથે પચીશ ઋષિ હતા તે સર્વે આશ્રમમાં અતિથિઓની સેવા કરવાથી દેહ મુકી સ્વર્ગ અને સત્યલોકમાં ગયા પછી કોઇ મનુ થયા કોઇ સૂર્ય થયા તે સર્વ સેવાથી અત્યારે તમે આદેશમાં છવીશ ઋષિ હતા. તે છવીસ રાજાઓ થયા છો. અને અનાદિશ્રીકૃષ્ણનારાયણ કૃષ્ણવલ્લભ હું તમારું કલ્યાણમોક્ષ કરવા આવ્યો છું. પછી પૃથુરાજા પોતાનું પૂર્વ વૃતાંત જાણી આશ્ચર્ય પામ્યા. રાજ્ય કુટુંબે શ્રીહરિની પૂજા આરતી કરી ભેટ મુકી, રાજાએ શ્રીહરિને કન્યાઓ અર્પણ કરી. કન્યાઓએ શ્રીહરિને વરમાળા પહેરાવી.