મુદ્રાંડ રાજાની મદ્રિટાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણનું સ્વાગત કરી મુદ્રાંડ રાજાએ સુર્વણના પુષ્પોના હાર પહેરાવી પૂજા કરી પછી રથમાં બેસાડીને છડી સવારીએ મદ્રિટા નગરીમાં ફેરવ્યા. નગરજનો નરનારીઓ આબાલવૃદ્ધો પ્રભુને પુષ્પો, ચંદન, ચોખાથી વધાવતા હતા. પ્રભુને પ્રસન્ન કરવા રાજાએ નગરીને શણગારી હતી. નગરજનો કહે, પ્રભુ તમે કૃપા કરી અમને દર્શન દીધા. પછી પ્રભુ રાજાના મહેલમાં આવ્યા. સભા ભરીને ઉપદેશ આપ્યો, જે રાજા વ્યસની થાય તે પ્રજાને ઉદ્વેગ કરાવે ને પરાભવ પામે છે માટે લોકોના હિતના કાર્યો કરવા. રાજાઓએ ધર્મકાર્યો કરવા. દેવાલયો કરવા. પાંચમો, દશમો, વીસમો, સોમો ભાગ કાઢી તીર્થોનું રક્ષણ કરવું, યજ્ઞો કરાવવા, ગાય વિપ્ર દીન અનાથોની રક્ષા કરવી. સવાર સાંજ શ્રીહરિની સ્તુતિ કરવી. કોઇને ત્રાસ ન આપવો તે આયુષ્યનો નાશ કરે છે. સંત ભક્તોને રાજ્યમાં વસાવવા. જેના ઘરમાં કથા, ભજન, દેવપૂજન, સંતપુરૂષોનું સન્માન થાય તે જીવાત્મા મોક્ષભાગી બને છે, રાજા જેવું વર્તન કરે છે, પ્રજા તે રીતે તેને અનુસરે છે. શ્રીહરિનો દિવ્ય ઉપદેશ સાંભળી રાજા પ્રજા સર્વરાજી થયા પછી રાજાએ શ્રીહરિને ભક્તોને ભોજન કરાવ્યું. પછી રાત્રિ વિશ્રામ કરી સવારે સર્વમંત્ર પ્રદાન કરી પૂજાદાન ભેટ ગ્રહણ કર્યા.