પ્રભુએ સુધન ભક્તની લૂંટારાઓથી રક્ષા કરી
શ્રીકૃષ્ણ કહે : રાધા, ગુજરાતમાં ધાધર નદીકાંઠે આમોદનગરમાં ઘણા વણિક શિવભક્તો નદી કાંઠે શિવાલયમાં રહેતા. વેદ ભણેલા વર્ચકાયન ઋષિ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરતાં. તેમાં સાંભળ્યું, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ અત્યારે સૌરાષ્ટ્રમાં કુંકાવાવ ગામે પ્રગટ થયા છે. તેથી અશ્વપટ સરોવર તીર્થ લોમશ ઋષિ વગેરેના દર્શન કરીને ઋષિ પાસે “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિને સ્વાહા” એ મંત્ર ગ્રહણ કરી પૂજા કરવા સુધન વણિક અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિ બનાવી રોજ પૂજન કરતા. શ્રીહરિ પ્રગટ થઇ તેની સેવા અંગિકાર કરી નૈવેદ્ય જમી પ્રસાદ આપતા.
એકવાર સુધનશેઠ પોતાના પુત્રને પરણાવવા જાન લઇને જંબુસર જતા હતા. લગ્ન કરી પાછાં વળતાં રસ્તામાં વીસ ચોર, લૂંટારા મળ્યા. તેણે સર્વે શેઠિયાઓને માર મારી લૂંટી લીધા. સ્ત્રીઓના વધૂના આભૂષણો લૂંટી લીધા. તેથી અતિ દુ:ખી થઇ સુધન વણિક અનાદિશ્રીકૃષ્ણનારાયણની સ્તુતિ કરવા લાગ્યા, હે કૃપાનાથ શરણાગતનું રક્ષણ કરનારા પૂર્વે તમે પ્રહલાદની ગજની રક્ષા કરી એ રીતે અમારી રક્ષા કરો. હે પ્રભુ અત્યારે તમે રક્ષા નહીં કરો તો આ સર્વજનો આશ ભંગ થશે. વણિક ભક્તની પ્રાર્થના સાંભળી અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિપ્રવેશે એક કોપીન પહેરી નંદીકાંઠે બેઠેલા ચોર લોકો પાસે આવ્યા. તે સર્વે રૂપિયા, ઘરેણાંનો ભાગ પાડતા હતા. ત્યાં આવી પ્રભુએ ભિક્ષા માંગી. ચોર કહે : અન્ન નથી ધન જોઇએ તો આપું. શ્રીહરિ કહે : ધન તો ધર્મ તજાવે, અહિંસા કરાવે, વેર કરાવે, ધનમાં બહુ દોષ રહેલા છે. ધન મેળવવામાં દુ:ખ, રક્ષણ કરવામાં દુ:ખ, વપરાય જાય તો દુ:ખ, લૂંટાઇ જાય નાશ પામે તો દુ:ખ માટે સુખ-શાંતિ જેને મેળવવી હોય તેણે ધનની તૃષ્ણા ન રાખવી. પક્ષીઓ ફળ ખાંઇ શાંતિથી નિદ્રા લે છે. બાળકો ભોજન કરી નિશ્ચિત સૂઇ જાય છે. ધન અહં મમત્વ કરનારું રાગદ્વેષ વધારનારું છે, તેથી મારે તો ભોજન અન્ન જોઇએ છે. ધન નથી જોઇતું અને તમે સર્વે આ ધન જે શેઠિયાઓનું લૂંટ્યું હોય તેને પાછું દઇ આવો.
આ સાંભળી એક ચોર લાકડી લઇને વિપ્રને મારવા ગયો. ત્યાં પ્રભુ અદૃશ્ય થઇને રાજ્યના પચાસ સિપાઇઓનો વેશ લઇ ઘોડે બેસી આવ્યા અને સર્વે ચોરલૂંટારાને પકડી બાંધીને માર્યા. ત્યારે ચોરોએ માફી માગી. તેથી દયાળુ પ્રભુએ હવે પછી ચોરી, લૂંટ નહીં કરવાની પ્રતિજ્ઞા કરાવીને છોડી મૂક્યા અને સર્વે ધન, સંપત્તિ, વસ્ત્ર-આભૂષણો લાવી સુઘનશેઠને આપ્યા. શેઠ પારિતોષિક આપવા લાગ્યા. સિપાઇરૂપે રહેલા શ્રીહરિ કહે : અમારો ધર્મ છે તે પારિતોષિક છે. તમે સદા અનાદિશ્રીકૃષ્ણનારાયણની ભક્તિ કરજો તેથી તમારું આલોક-પરલોકમાં સારું થશે. એમ કહીને નદી પાર તેને ગામ પહોંચાડી પ્રભુ અદૃશ્ય થયા. ત્યારે સુધનશેઠ આશ્ચર્ય પામી સર્વને કહે : પ્રભુ સ્વયં આપણું રક્ષણ કરવા આવ્યા હતા પણ આપણે ઓળખી ન શક્યા. એમ કહી અનાદિશ્રીકૃષ્ણનારાયણની ધૂન કરી પ્રાર્થના કરવા લાગ્યા, હે દયાળુ હે હરિ અમારું મહાન ભાગ્ય અમારી રક્ષા કરી. હે પ્રભુ ક્યારે દર્શન આપશો ? તરત પ્રભુએ બાલકૃષ્ણ સ્વરૂપે દિવ્ય દર્શન આપી એક ક્ષણમાં દિવ્ય વિમાનમાં સર્વને બેસાડી અશ્વપટ સરોવર કુંકુમવાપી લોમશ ઋષિનો આશ્રમ માતાપિતા, સર્વ તીર્થોના દર્શન કરાવી ફરીને ત્યાં સર્વને તેને ગામ પહોંચાડ્યા. પછી સુધન શેઠનું કુટુંબ સર્વે પ્રગટ પ્રભુની ભક્તિમય થયું. ભાદરવા સુદ એકાદશીએ તે વણિક ભક્તોને રક્ષા કરવા રૂપી પરચો પ્રભુએ આપ્યો. પછી કાલાંતરે તે સર્વે ભક્તો પ્રગટ પ્રભુની ભક્તિ કરી પરમપદને પામ્યાં.