ભાગ · અધ્યાય ૧૫

લોમશ ઋષિએ કન્યાઓને ધર્મ, વ્રત, ભક્તિ, જ્ઞાનનો ઉપદેશ આપ્યો

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના યોગથી લક્ષ્મીસમાન થયેલી કન્યાઓની પાવન કથા કહું છું સાંભળ. લોમશ ઋષિના આશ્રમમાં વાસ કરતી. જ્ઞાનહીન, ધર્મનિયમને નહીં જાણનારી, જપ-તપથી રહિત, પરંતુ મોક્ષની ઈચ્છાવાળી તે સર્વ કન્યાઓએ લોમશ ઋષિને પૂછ્યું - ગુરુ, આત્મશાંતિ અને મોક્ષ થાય એવું જ્ઞાન આપો. અમારો નારીદેહ વાસનાવાળો, દોષવાળો, જ્ઞાનરહિત હોવાથી પ્રભુ પ્રસન્ન થાય એવા સરળ ઉપાય બતાવો.

લોમશ ઋષિ કહે : સર્વ પાપને નાશ કરનારું, જેઠ સુદ એકાદશી વ્રત નિર્જળા કરવું અથવા નિરાહાર રહી જાગરણ કરવું. શ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરવું તથા સત્સંગ કરી ઇન્દ્રિયોનું દમન કરવું. તે વ્રત મોક્ષ આપનારું છે. સવારમાં બાલકૃષ્ણ શ્રીહરિ પાસે જઇને પત્ર, પુષ્પો, ફળ, જળથી, ચંદનથી, પૂજન કરવું. ભોજન, નૈવેદ્ય અર્પણ કરવું. પ્રભુ પાસે નૃત્ય ગીત કરવા, પારણિયામાં ઝૂલાવવા. એવી રીતે કન્યાઓએ વ્રત કરી પૂજન કર્યું. તેથી પ્રસન્ન થયેલા બાલકૃષ્ણ પ્રભુએ કન્યાઓને વૈકુંઠ દર્શન કરાવ્યું. લક્ષ્મી અને પાર્ષદોથી સેવાયેલા ચતુર્ભુજ પ્રભુનું દર્શન કરી, કન્યાઓ સ્વયંને ધન્ય માનતી હતી. પછી લોમશ ઋષિને પૂછ્યું : ગુરુ, પાપનો નાશ થાય, પુણ્ય આપે, યમપુરીના દુ:ખ મટે, સ્વર્ગ અને મોક્ષ આપે એવો કયો ધર્મ છે અને કોની સેવા કરવી ? લોમશ ઋષિ કહે : પુત્રીઓ, સર્વ દેવોનો જેમાં વાસ છે, એવી તારનારી ગાયની સેવા નિત્ય કરવી. ગાય તીર્થ રૂપ છે, અને લાભદાયી છે. ગાયના દૂધથી શંકર પ્રસન્ન થાય છે, દહીંથી દેવો, ઘીથી અગ્નિ, દૂધપાકથી પિતૃઓ પ્રસન્ન થાય છે. ગાયનું દાન કરી ગાયનું દૂધ પીને પુરુષ પવિત્ર થાય છે. પંચગવ્ય પીનારો, અશ્વમેઘ યજ્ઞફળને મેળવે છે. પછી કન્યાઓએ પૂછ્યું, ગાયની સમાન બીજી કઇ સેવા છે ?

લોમશ ઋષિ કહે : પતિસેવા પ્રભુ માનીને કરનારી સતિ સ્વર્ગ અને મોક્ષ મેળવે છે. પતિની સેવા કરનારી સ્ત્રી, લક્ષ્મી સમાન થાય છે. પતિ સેવા પરાયણ સ્ત્રી, રાત્રિ-દિવસ કોઇ કામમાં પતિને ભૂલતી જ નથી. એવી સ્ત્રીઓ, બ્રહ્મચર્ય પાલન કરનારી કન્યાઓ, ધર્મ પાળનારી વિધવાઓ, સંત પુરુષની સેવા કરનારા દાસ-દાસીઓ, ક્યારે પણ યમપૂરીમાં જતાં નથી. સ્વામિ અર્થે પ્રાણ આપનારી, માતા-પિતા, પતિ-ગુરુની સેવા કરનારી, તલ, ગાય, સુવર્ણનું દાન કરનારી, ક્યારેય પણ યમપૂરીમાં જતી નથી. ચાતુર્માસમાં કથા શ્રવણ કરનારી, વ્રત કરનારી, નિત્ય કથા શ્રવણ કરનારી, તપથી સ્વર્ગ, યશ, આયુષ, સુખ, જ્ઞાન, વિજ્ઞાન, રૂપ, સૌભાગ્ય સર્વ પામે છે. ગુરુની સેવાથી, ભુક્તિ-મુક્તિ પામે છે. પ્રભુના ધ્યાનથી મોક્ષ મળે. શ્રાદ્ધથી પુત્ર પ્રાપ્તિ થાય. શાકભાજી ખાનારો સ્વર્ગને મેળવે. ફળ-મૂળ, કંદ, ખાનારો રાજ્ય મેળવે છે. ગાયની સેવા કરનારો મોક્ષ પામે છે. અન્ન, જળના, દાનથી, તૃપ્તિ થાય છે, ફળના દાનથી પુત્ર, પુષ્પદાનથી સૌભાગ્ય મળે છે. અભયદાનથી સર્વ સંકલ્પ સિદ્ધ થાય છે. તે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુની સેવાથી અને સંતની સેવાથી અભયદાન, મોક્ષદાન મળે છે.

લોમશ ઋષિથી આવો ધર્મનો, વ્રતનો, ભક્તિ, જ્ઞાનનો ઉપદેશ સાંભળીને તે સર્વે કન્યાઓ ચાતુર્માસના વ્રત-નિયમ લઇને અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલકૃષ્ણનું રોજ પૂજન કરી, ગુરુ લોમશ ઋષિનું પૂજન કરી, લક્ષ્મીનારાયણ સંહિતાની કથા રોજ શ્રવણ કરતી હતી, અને બાલકૃષ્ણનું ધ્યાન કરતી હતી. શ્રીકૃષ્ણ કહે : રાધા, કૃપા કરી જન્મધારણ કરનારા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ પોતાના યોગમાં આવનારા નરનારીઓ, વૃક્ષ-વેલીઓ, જીવજંતુ સર્વનું કલ્યાણ કરતા હતા.