શ્રીબાલકૃષ્ણ પ્રભુનો સાતમો જન્મજયંતિ મહોત્સવ
શ્રીકૃષ્ણ કહે : રાધા, પછી રણંગમ રાજાએ માતાપિતાની ઔર્ધ્વ દૈહિક ક્રિયા કરી સાધુ, વિપ્રો, બાળકો, અતિથિને ભોજન કરાવી દાન આપ્યા. પછી લોમશ ગુરુ પાસે “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર ગ્રહણ કરી તુલસીની કંઠી, માળા લઇ વૈષ્ણવ ભક્ત બની લોમશ ઋષિનો સમાગમ કરતો. શ્રીરાધાએ પૂછ્યું, તે કંથાધાર રાજા કોના વંશમાં થયો ? શ્રીકૃષ્ણ કહે : ચંદ્રનો પુત્ર ઋક્ષ થયો તેનો પુત્ર સંવરણ થયો તેણે સૂર્યપુત્રી તપતિ સાથે લગ્ન કર્યાં. તેને બે પુત્રો થયાં. મોટો કુરુ. તેના નામથી કુરુક્ષેત્ર થયું. નાનો કંથાધર. તેને ભાઇ ભાગમાં સૌરાષ્ટ્ર કોડીનારનું રાજ્ય આવ્યું. તેનો પુત્ર રણંગમ થયો. તેણે અનાદિશ્રીકૃષ્ણનારાયણના છઠ્ઠા વર્ષના ચાતુર્માસમાં મહાવિષ્ણુયાગ કરવાની ઈચ્છાથી પોતાના રાજ્યમાંથી સર્વે અન્ન, ધન, વાહન, વસ્ત્ર વગેરે લાવી યજ્ઞની તૈયારી કરી. જપ કરનારા, પાઠ કરનારા બેસાડ્યા. રાજાએ ચોવીશ અવતારો સાથે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કર્યું. બ્રહ્મ, મુક્તો, હંસ, પરમહંસો તથા રાધિકા, લક્ષ્મી, શ્રી, કમલા, પાર્વતી, પ્રભા, મંજુલા, સગુણા વગેરેનું પૂજન કર્યું, સર્વ દેવોનું પૂજન કર્યું, અષાઢ એકાદશીથી કાર્તિક એકાદશી પર્યંત સાધુ, સાધ્વી, ઋષિ-મુનિઓ, બાલ-બાલિકાઓને ભોજનથી તૃપ્ત કર્યાં. સ્વયંપ્રકાશ હોમ કરતા તે શ્રીકૃષ્ણનારાયણ અગ્નિરૂપે ગ્રહણ કરતા. તે વખતે રાજાએ નકારનો લોપ કરી કથા સિવાય સર્વસ્વ દાનમાં આપતા હતા.
આલોકમાં પવિત્ર તીર્થ દુર્લભ છે. સત્સંગી દુર્લભ છે. શ્રીહરિની કથા પ્રસાદ અને ચરણામૃત દુર્લભ છે. તે સર્વે સુલભ થયું માટે કુંકુમવાપી સરોવર ધન્ય છે. અશ્વપટ સરોવર ધન્ય છે. જ્યાં સાક્ષાત્ અનાદિશ્રીકૃષ્ણનારાયણ બીરાજે છે. તેને તુલ્ય બ્રહ્મસરોવર, નારાયણસંહિતા, પુરુષોત્તમસંહિતા, માનસસંહિતા, પંપાસંહિતા થતાં નથી. ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનો સાતમો જન્મજયંતિ મહોત્સવ આસો વદ અષ્ટમીનો આવ્યો. તેમાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથાનો બીજો ભાગ વંચાવ્યો તથા હજારો લાખો નરનારીઓ બાળકોને તથા સાધુ-સાધ્વી વિપ્રોને ભોજન કરાવ્યા. કથાને અંતે ભક્તોએ ધૂન-કીર્તન ઉત્સવ રાસ-સ્મરણ ભગવાન શ્રીહરિ સાથે કર્યું પછી યજ્ઞ પૂર્ણ કરી અવભૃથ સ્નાન કરી રણંગમ રાજા પોતાના રાજ્યમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતો આવ્યો. ત્યાં રાજાની કીર્તિ સાંભળી ચિત્રમાલ પક્ષે પોતાની પુત્રી કૃતમાલા રાજાને પરણાવી. દાસ-દાસીઓ ધન વગેરે ભેટ આપ્યું.