શ્રીહરિએ લાલાસન યોગીને મંત્રદીક્ષા આપી - મંત્રદીક્ષા મહાત્મ્ય
શ્રીકૃષ્ણ કહે : રાધા, બીજે દિવસે મહાસભામાં લાલાસન યોગી આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણને પગે લાગી પ્રગટ પ્રભુની જય બોલ્યા. પછી શ્રીહરિએ મંડળ પૂરી વેદવિધિથી લાલાસન યોગીને મંત્રો, તુલસીની કંઠી અને દીક્ષા આપી. “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લ્ભ સ્વામી શ્રીહરિ: શરણં મમ” - “બાલકૃષ્ણ પરબ્રહ્મ મમવૈ શાશ્વત: પતિ, પિતાબંધુ સુહૃદ્ મિત્ર રક્ષક: પાલકોસ્તુ સ:” વગેરે શરણમંત્ર, રક્ષણમંત્ર, અર્પણમંત્ર, બ્રહ્મમંત્રો આપી અને કહ્યું, તમે નરનારી સર્વેને આ મારા મહામંત્રો આપી અને ઉપરનું એક વસ્ત્ર ભગવા રંગનું આપજો તથા ચક્ર આદિના ચિહ્નો આપજો. આજથી તમારું નામ સચ્ચિદાનંદ છે. તમે મારી ભજન ભક્તિ કરજો અને સર્વને કરાવજો. પછી સચ્ચિદાનંદ યોગી પ્રભુને પગે લાગી સર્વને કહેવા લાગ્યા, મંત્ર દીક્ષા તે બ્રહ્મ પુત્રી છે. મોક્ષ અને ધામ અપાવનારી છે. મંત્ર દીક્ષા વિનાના નર-નારીઓનું આપેલું અન્ન જલ પ્રભુ ગ્રહણ કરતા નથી. દીક્ષાવાળા નરનારીઓએ આપેલ પત્ર, પુષ્પ, ફળ, જલને પ્રભુ પ્રેમથી અંગિકાર કરે છે. દીક્ષાવાળો ભક્ત તીર્થરૂપ છે. શ્રીહરિ ઉત્તમ તીર્થ છે. સર્વ તીર્થો શ્રીહરિના ચરણમાં વસે છે. દીક્ષાવાળામાં સર્વ દેવતા ઇશ્વરોનો વાસ કરે છે. દીક્ષાવાળાના સ્પર્શથી પાપ નાશ પામે છે. દીક્ષાવાળાની સેવાથી મોક્ષ મળે છે. દીક્ષાવાળાની અન્નજલની પ્રસાદી પાવન કરનારી છે. દીક્ષાર્થીની સાથે સત્સંગ ભગવાન તુલ્ય છે. દીક્ષાર્થીની સર્વ ક્રિયા દિવ્ય છે. દીક્ષાર્થીમાં સર્વે યજ્ઞો પુણ્યો વસેલા છે. ઋષિમુનિઓ યોગીઓ સિદ્ધો યતિઓ બ્રહ્મચારીઓ સર્વે દિક્ષાવાળાને નમે છે. દીક્ષાવાનને જે ભોજન કરાવે છે તે શ્રીહરિનો પાર્ષદ થાય છે.
હું લાલાસન દીક્ષાથી સચ્ચિદાનંદ થઇને શ્રીહરિના આનંદવાળો થયો છું. મંત્ર-દીક્ષા લીધા પછી મારું સર્વે તે અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનનું. અને જેટલું ભગવાનનું એટલું મારું. મારું અને પ્રભુનું કાંઇ જુદું છે જ નહિ. એવો બ્રહ્મભાવવાળો ભક્ત શ્રીહરિના શાશ્વત સુખને મેળવે છે. દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી જે માયાને તજતો નથી અને પરમેશ્વરને ભજતો નથી તેને પગલે પગલે દુ:ખ જ છે. સચ્ચિદાનંદયોગીનો ઉપદેશ સાંભળી લાખો માનવો બાલકૃષ્ણ પાસે આવી મંત્રોગ્રહણ કરતા હતા અને દીક્ષા લેતાં હતા. કુલ પાંચ હજાર સાધુ થયા. તે સર્વને શ્રીહરિએ રાશિયાન પ્રદેશમાં જનોને ઉપદેશ આપવા મોકલ્યા.