ભાગ · અધ્યાય ૨૧૮

કોટીશ્વર રાજાની પેયિસ્થાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, બ્રાહ્મીલ દેશના ગોયાજનીપુરીના રાજા કોષ્ટક ઋષિ સાથે આવી શ્રીહરિને પોતાના પુરમાં પધારવા વિનંતી કરી. શ્રીહરિએ રાજાને કહ્યું, તમે લોમશ ઋષિ, લાલાયન, વૃકાયન, નીલકર્ણ, યવકીત, સ્વયંપ્રકાશ વગેરેને સાથે લઇ જાવ. અમે પાંચમે ત્યાં આવશું અને પાંચમથી એકાદશી સુધી યજ્ઞ થશે તેવી દેશમાં જાહેરાત કરી દેજો. ત્યાં કોટીશ્વર રાજા આવ્યા. શ્રીહરિ આસો વદ પડવે તેના દેશમાં પધાર્યા. કોષ્ટક ઋષિ સાથે પેયિસ્થા નગરીમાં આવ્યા.

સૂર્યસમા તેજસ્વી બાલકૃષ્ણનું રાજાપ્રજાએ જયજયકારથી પુષ્પ, ચંદન, અક્ષતથી વધાવી સ્વાગત કર્યું. કોટીશ્વર રાજાએ શ્રીકૃષ્ણવલ્લભને હાર પહેરાવી હાથી પર બેસાડીને પેયિસ્થાનગરીમાં ફેરવ્યા. નરનારીઓ હીરામોતી રત્નો સુવર્ણના હાર, પુષ્પોના હાર, પહેરાવી આરતી ઉતારી ભેટ મુકતા હતા. પછી શ્રીહરિને રાજમહેલમાં સિંહાસનમાં બેસાડીને રાજારાણીએ પૂજા કરી ચરણામૃત પીધું. પ્રભુને ભેટ ધરી, આરતી કરી. બે રાજકન્યાઓએ શ્રીહરિને વરમાળા પહેરાવી પછી પ્રભુએ ઉપદેશ આપ્યો, લોભ ક્રોધ રસાસ્વાદ, માન અને ચોરી આ દોષો સ્ત્રી-પુરૂષોને સદા દુ:ખ આપતા રહે છે. તે દોષોમાંથી અનંત દુર્ગુણો પ્રગટે છે અને જીવાત્માને અધોગતિમાં લઇ જાય છે. માટે અવસ્થા, સંપત્તિ, વસ્તુ, કળાથી સત્પુરૂષોની સેવા કરી આશીર્વાદ મેળવવાથી અને મારી ભક્તિ કરવાથી દોષથી રહિત થવાય છે. જે બીજામાં દોષ નહીં હોવા છતાં દોષ જુવે છે અને પોતાના દોષ જોતો નથી, સ્ત્રીને છેતરે છે, માતાપિતાની સેવા નથી કરતો તે નિંદાપાત્ર થાય છે. ધર્મ માટે જીવનારા, પ્રભુ પરાયણ રહેનારા તેને સાધુ જાણવા. તેનો આશ્રય કરવાથી મોક્ષ થાય છે. મારા કલ્યાણગુણે યુક્ત મારા સાધુ મારા સ્વરૂપો છે. લોભી, ધર્મભક્તિથી રહિત, આળસુ, સઠ એવા પાપીજનોનો સંગ ન કરવો. પાસે વખાણ-પાછળથી નિંદા કરનારો, સ્વાર્થમાં સરલ એવાનો સંગ ન કરવો. અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું મારી ભક્તિ કરનારા સંતો-ભક્તો સર્વદોષથી રહિત છે. તેની સેવા, દર્શન, સ્પર્શ, પ્રસાદિ સર્વ દિવ્ય છે. તેનો આશ્રય આજ્ઞાપાલનથી મોક્ષ થાય છે. એવા મારા સાધુથી પુણ્ય અને ધર્મ પણ શ્રેષ્ટ નથી. શ્રીહરિએ ધર્મોપદેશ આપી સર્વને મંત્ર આપી વૈષ્ણવો કર્યા.